બોટાદ જિલ્લામાં અનૈતિક દેહવ્યાપારના ગુનાઓને નાથવા માટે પોલીસે કડક કાર્યવાહી કરી છે. જિલ્લા પોલીસ વડા કે.એફ.બળોલીયાના આદેશ અને ડી.વાય.એસ.પી. મહર્ષિ રાવલના માર્ગદર્શન હેઠળ ત્રણ આરોપીઓની પાસા એક્ટ હેઠળ અટકાયત કરવામાં આવી છે.
બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનના પી.આઈ. એસ.આર.ખરાડીએ દેહવ્યાપારના ગુનામાં સંડોવાયેલા મનસુખભાઈ ઉર્ફે મુનાભાઈ કુકડીયા (34, રંગપર), અનિલભાઈ પરમાર (32, ઢાંકણીયા) અને વિનોદભાઈ તલસાણીયા (35, બોટાદ) વિરુદ્ધ અલગ-અલગ પાસા દરખાસ્ત તૈયાર કરી હતી.
જિલ્લા મેજિસ્ટ્રેટ જીન્સી રોયે આ દરખાસ્તો મંજૂર કરી પાસા અટકાયત વોરંટ ઇસ્યુ કર્યા હતા. ત્યારબાદ બોટાદ એલ.સી.બી.ના પી.આઈ. એ.જી.સોલંકી અને તેમની ટીમે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી હતી.
આરોપીઓને પાલનપુર જિલ્લા જેલ, પાલરા (ભુજ) ખાસ જેલ અને લાજપોર (સુરત) મધ્યસ્થ જેલમાં મોકલી આપવામાં આવ્યા છે.આ કાર્યવાહીથી જિલ્લામાં અનૈતિક પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવામાં મદદ મળશે.