જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલ ખાતે ફરજ બજાવતા નિવાસી તબીબી અધિકારી સાથે ગેરવર્તન કરી ધાક-ધમકી આપવાના બનાવમાં સીટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક શખ્સ સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
ફરિયાદ મુજબ જી.જી. હોસ્પિટલમાં તબીબી અધિકારી વર્ગ-1 તરીકે ફરજ બજાવતા ડો. પ્રમોદકુમાર આર. સક્સેનાની ઓફિસમાં આરોપી સુરેશભાઈ વાલજીભાઈ ચૌહાણ અચાનક ઘૂસી આવ્યા હતા અને ઉગ્ર બોલાચાલી શરૂૂ કરી હતી. આરોપીએ મોબાઈલ ફોનમાં વીડિયો ઉતારતા તબીબ પર સ્ત્રીઓ સાથે ગેરવર્તન કરતા હોવાના ખોટા આક્ષેપો પણ કર્યા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આ બનાવને કારણે તબીબની દર્દીલક્ષી સેવાઓ સંબંધિત મહત્વપૂર્ણ બેઠક પણ ખોરવાઈ ગઈ હતી અને સરકારી કામગીરીમાં વિક્ષેપ ઊભો થયો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આ મામલે જામનગર સીટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 221 અને 351(2) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. બનાવ અંગેની વધુ તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.એચ. મહેતા ચલાવી રહ્યા છે.
પરણીતાને સાસરિયાઓનો ત્રાસ
જામનગરના બેડી મરીન પોલીસ સ્ટેશનમાં જામનગરની વતની અને મુંબઈ પરણાવેલી એક પરિણીતાને લગ્નજીવન દરમિયાન માનસિક અને શારીરિક ત્રાસ આપવાના આક્ષેપ સાથે પતિ સહિત ચાર સામે ગુનો નોંધાયો છે.ફરિયાદી મનિષોન કમલેશભાઈ જેઠવા (ઉ.વ. 32), નાલાસોપારા વેસ્ટ, છેડાનગર, કરારી રેસીડેન્સી, મુંબઈ મહારાષ્ટ્રના રહેવાસી અને હાલ જામનગરના બેડેશ્વર વિસ્તારમાં પોતાના માવતરે રહે છે. તેમણે નોંધાવેલી ફરિયાદ મુજબ તા. 12 મે 2026ની રાત્રિથી તા. 14 મે 2026ના સાંજના સમયગાળા દરમિયાન આરોપીઓએ લગ્નજીવન દરમ્યાન મેણા-ટોણા મારી, ગાળો આપી, માનસિક તેમજ શારીરિક ત્રાસ પહોંચાડ્યો હતો. ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મામલે બેડી મરીન પોલીસ સ્ટેશનમાં મનીષાબેનના પતિ કમલેશભાઈ કેશુભાઈ જેઠવા, સાસુ સવિતાબેન કેશુભાઈ જેઠવા, સસરા કેશુભાઈ ભનાભાઈ જેઠવા તથા નણંદ કલ્પનાબેન કેશુભાઈ જેઠવા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા ની કલમ 85, 115(2), 351(3), 352 અને 54 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. જે બનાવ અંગેની વધુ તપાસ પોલીસ હેડ કોન્સ્ટેબલ એસ.કે. જાડેજા ચલાવી રહ્યા છે.
