મૂળ મહિકા ગામના વતની અને હાલ માવધ રેસીડેન્સી રાજકોટ ખાતે રહેતાં તાલુકા પંચાયતના મહિલા સભ્ય અને ઉપપ્રમુખને મહિકા ગામના શખ્સે ફોન કરી ભૂગર્ભ ગટરના કામ બાબતે બોલાચાલી કરી તમે જ્યાંથી ગટર કાઢો છો ત્યાં મારો પ્લોટ છે. હું કામ નહિ કરવા દઉં, અડધુ ગામ ખરાબામાં છે એ પાડી નાંખો પછી જ કામ કરવા દઈશ, તારા બાપનું નથી, કામ કરીશ તો ખોટા કેસમાં ફસાવી દઇશ કહી ધમકી આપતાં અને ગાળો ભાંડતા ચકચાર જાગી છે.
આ બનાવમાં આજીડેમ પોલીસે મુળ રાજકોટ ભાવનગર હાઇવે પરના મહિકા ગામના વતની અને હાલ માવધ રેસીડેન્સી શેરી ન. 6 બ્લોક નં. 30 લિજ્જત પાપડ પાસે રહેતાં રાજકોટ તાલુકા પંચાયતના સદસ્ય અને ઉપપ્રમુખ વર્ષાબેન રસિકભાઇ ખુંટ (ઉ.વ.40)ની ફરિયાદ પરથી મહિકા ગામે રહેતાં સવજી ખીમજીભાઇ ગોહેલ વિરૂૂધ્ધ ગુનો નોંધ્યો છે.વર્ષાબેન ફરિયાદમાં જણાવ્યું છે હુ પરિવાર સાથે રહુ છું અને ખેતી કામ કરી ગુજરાન ચલાવુ છું.
તેમજ તાલુકા પંચાયતના સભ્ય અને ઉપપ્રમુખનું પદ ધરાવુ છું. તા. 28/9ના રાતે સવા દસેક વાગ્યે હું મારા હાલના સરનામે હતી ત્યારે માતા પતિના ફોનમાં મહિકા ગામના સવજીભાઈ ગોહેલનો ફોન આવ્યો હતો.
મારા પતિ તેમની સાથે મહિકા ગામના ભૂગર્ભ ગટરના સરકારી કામ બાબતે મારા પતિ શાંતીથી વાત કરતાં હતાં. આ દરમિયાન અચાનક સવજીભાઇ ઉગ્ર થઇ ગયા હતાં અને મારા પતિ સાથે બોલાચાલી કરવા માંડયા હતાં.
આથી મેં મારા પતિ પાસેથી ફોન લઇ લીધો હતો. આ પછી સવજીભાઇએ મને કહેલું કે તમે જ્યાંથી ગટર કાઢો છો ત્યાં મારો પ્લોટ છે, ત્યાં હું કંઇ કામ નહિ કરવા દઉં. આમ કહેતાં મેં કહેલું કે તમારો પ્લોટ હોય તો પ્રૂફ લેતા આવજો. જેથી તેણે તું મારી સાહેબ છો, તે મારે તને કાગળ બતાવવાના, મારો પ્લોટ રજવાડા સમયનો છે, તેના કોઇ કાગળો ન હોય, અને અડધુ ગામ ખરાબામાં છે તે પાડી નાંખો પછી હું કામ કરવા દઇશ.
સવજીભાઇએ આવુ કહેતાં મેં જણાવેલ કે કામ ત્યાં થશે જ અને કાલે જેસીબી ત્યાં કામે લગાવીશ. આ સાંભળી સવજીભાઇ વધુ ઉશ્કેરાઇ ગયા હતાં અને મને ભુંડી ગાળો બોલવા માંડયા હતાં. તેમજ તમે અહિં કામ કેમ કરો છો તે હું જોઇ લઇશ તેવી ગર્ભીત ધમકી આપી હતી. તેમજ આ તારા બાપનું નથી તે તું કામ કરીશ અને વધારે કંઇ હોશીયારી કરીશ તો તને ખોટા કેસમાં ફીટ કરાવી દઇશ, તારા જેવા ઘણા આવીને ગયા તેમ કહી ધમકી આપી હતી. સવજીભાઇ અવાર-નવાર ગામના સરપંચ અને તલાટી સાથે પણ માથાકુટ કર્યે રાખે છે. તેમ વધુમાં વર્ષાબેને જણાવતાં પીઆઇ એચ. એન. પટેલની રાહબરીમાં હેડકોન્સ. તેજપાલસિંહ સરવૈયાએ ગુનો દાખલ કરાવ્યો છે. વધુ તપાસ હેડકોન્સ. એ. જે. રાણાએ હાથ ધરી છે.
