અમદાવાદની સ્કૂલો-મોદી સ્ટેડિયમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, કેમ્પસ ખાલી કરાવાયાં

અમદાવાદની સ્કૂલોને ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા તંત્ર દોડતું થયું છે. સેટેલાઇટની નારાયણ ગુરુ સ્કૂલ, ચાંદખેડાની પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ સહિત વિદ્યાભારતી સ્કૂલ અને…

અમદાવાદની સ્કૂલોને ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા તંત્ર દોડતું થયું છે. સેટેલાઇટની નારાયણ ગુરુ સ્કૂલ, ચાંદખેડાની પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ સહિત વિદ્યાભારતી સ્કૂલ અને સી.એન. વિદ્યાલયને ધમકીભર્યા ઈમેલ મળ્યા છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ હતી.

મળતી માહિતી અનુસાર, સેટેલાઇટ વિસ્તારમાં આવેલી નારાયણ ગુરુ સ્કૂલ, ચાંદખેડાની પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ, વિદ્યા ભારતી સ્કૂલ અને સી.એન. વિદ્યાલયને ઈમેઈલ પર અજાણ્યા ઈસમ દ્વારા બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી આપતો ઈમેઈલ મોકલવામાં આવ્યો હતો. આ ઈમેઈલ ધ્યાન પર આવતાં જ શાળા સંચાલકોએ તુરંત જ પોલીસને જાણ કરી હતી.ધમકીને પગલે વાલીઓ બાળકોને લેવા સ્કૂલે પહોંચ્યા છે.

21 નવેમ્બરે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજનારા પંજાબી સિંગર દિલજીતના કોન્સર્ટને લઈ પણ ધમકી આપવામાં આવી. એટલું જ નહીં ધમકીભર્યાં મેઈલમાં ઉલ્લેખ કરાયો છે કે, ‘બચ્ચન બોમ્બેમાં-દિલજીત અમદાવાદમાં બોમ્બ હુમલામાં માર્યાં જશે’. ખાલિસ્તાન નેશનલ આર્મીના નામે આ ઈમેલ કરવામાં આવ્યો. જેમાં કોઈ પણ પોતાના બાળકને દિલજીતના કોન્સર્ટમાં ન મોકલે અને સ્કૂલમાં બપોરે 1:11 વાગ્યે બોમ્બ બ્લાસ્ટ થશે તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો.

બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સ્થાનિક પોલીસ કાફલો, સેક્ટર અધિકારીઓ, બોમ્બ ડીટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDDS) તેમજ ડોગ સ્ક્વોડની ટીમ શાળાઓના પરિસરમાં પહોંચી ગઈ હતી. સુરક્ષા એજન્સીઓ દ્વારા સમગ્ર સ્કૂલ બિલ્ડિંગ, વર્ગખંડો, પ્લેગ્રાઉન્ડ અને પાર્કિંગ એરિયાને કોર્ડન કરીને સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.

આ મામલે અમદાવાદના DEO રોહિત ચૌધરીએ જણાવ્યું છે કે, જે સ્કૂલોને ધમકીભર્યા ઈમેલ મળ્યા છે તેમને તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવા સૂચના આપવામાં આવી છે. તમામ બાળકોને સુરક્ષિત રીતે બહાર કાઢી માતા-પિતાને સોંપવા અને તપાસમાં પોલીસને સહકાર આપવા પણ આદેશ આપવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *