જામનગર એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, તપાસ બાદ કાંઇ મળ્યું નહીં

એરપોર્ટ પરથી ક્રિકેટર હાર્દિક પંડ્યા રવાના થયા બાદ ઈ-મેઈલ મળ્યો: અઢી કલાક સર્ચ ઓપરેશન બાદ સબ સલામત દેશના અત્યંત સંવેદનશીલ ગણાતા જામનગરના એરપોર્ટને બોમ્બથી ઉડાવી…

એરપોર્ટ પરથી ક્રિકેટર હાર્દિક પંડ્યા રવાના થયા બાદ ઈ-મેઈલ મળ્યો: અઢી કલાક સર્ચ ઓપરેશન બાદ સબ સલામત

દેશના અત્યંત સંવેદનશીલ ગણાતા જામનગરના એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની અજ્ઞાત શખ્સ દ્વારા ઈ-મેઈલ મારફતે ધમકી આપવામાં આવતાં ખળભળાટ મચી ગયો હતો. તમામ સુરક્ષા એજન્સીઓ દ્વારા અઢી કલાક સુધી બારીકાઈથી નિરીક્ષણ કર્યા બાદ કોઈ વાંધાજનક વસ્તુ નહીં મળતાં તમામ સુરક્ષા એજન્સીઓએ હાશકારો અનુભવ્યો હતો.

જામનગરના એરપોર્ટ ઓથોરિટી ને ધમકીભર્યો મેઈલ મળતા જ એરપોર્ટ ઓથોરિટી અને એલ.સી.બી. એસ.ઓ.જી. એરપોર્ટ પોલીસ ટીમ સહિતનો પોલીસ કાફલો અને ડોગ સ્ક્વોર્ડ અને બોમ્બ સ્ક્વોડ તાબડતોબ એરપોર્ટ પર પહોંચી ગઈ હતી, અને સમગ્ર પરિસરને છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું હતું. સતત અઢી કલાક સુધી સર્ચ હાથ ધર્યા બાદ કશું વાંધાજનક મળ્યું ન હોવાથી સર્વેએ હાશકારો અનુભવ્યો હતો.

વિશેષ વિગતો મુજબ, ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા કે જે ચાલુ મેચમાં ઇજાગ્રસ્ત બન્યા બાદ જામનગર ના વનતારાની મુલાકાતે આવ્યો હતો, અને ત્યાં સ્થાનિક ક્રિકેટ ગ્રાઉન્ડમાં પ્રેક્ટિસ વગેરે પૂર્ણ કર્યા બાદ ફરીથી જામનગર એરપોર્ટથી રવાના થયાના થોડા જ સમય બાદ આ ધમકીભર્યો મેઈલ મળ્યો હતો.

ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને વહીવટી પ્રશાસન અને સુરક્ષા એજન્સીઓ તુરંત હરકતમાં આવી ગઈ હતી. જામનગર એસપી ડો. રવિ મોહન સૈની, ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા સહિત એસઓજી અને એલસીબીની ટીમોએ એરપોર્ટ પર સમયસર પહોંચી જઈ ચેકિંગ હાથ ધરેલું હતું. મુંબઈ તરફ જનારી ફ્લાઇટ ના મુસાફરોના સામાન વગેરે ચેક કરી લેવાયો હતો. જોકે કશું વાંધાજનક મળ્યું ન હતું. જામનગર એરપોર્ટ એરફોર્સના કાર્યક્ષેત્ર (ડિફેન્સ એરિયા) હેઠળ આવતું હોવાથી તેને ખૂબ જ સંવેદનશીલ માનવામાં આવે છે. ધમકીના પગલે બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની મદદથી એરપોર્ટના ખૂણેખૂણાની તપાસ કરવામાં આવી હતી. ફ્લાઈટમાં આવતા અને જતા તમામ મુસાફરોનું કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

ત્યારબાદ એરપોર્ટની અંદર કોઈપણ અજાણ્યા વ્યક્તિના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો હતો. ફાયર બ્રિગેડની ટીમો અને એમ્બ્યુલન્સને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી. આ ઘટન્સ બાદ એરપોર્ટ સંકુલમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. આર્મી અને એરફોર્સના ઉચ્ચ અધિકારીઓની ગાડીઓની અવરજવર પણ વધી ગઈ હતી. એરપોર્ટ ઓથોરિટી દ્વારા આ ધમકીભર્યા ઈ-મેઈલના મૂળ સુધી પહોંચવા માટે સાયબર સેલની પણ મદદ લેવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *