વંથલી તાલુકામાં બિસમાર રસ્તા મુદ્દે ચૂંટણી બહિષ્કારની ચિમકી

ગાદોઈ, ટીનમસ અને આખા ગ્રામજનો રસ્તા પર ઉતર્યા, ધારાસભ્ય વિરૂધ્ધ નારેબાજી કરી વિરોધ પ્રદર્શન જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ગામડાઓમાં વિકાસના નામે માત્ર ખાડાઓ અને ઉડતી…

ગાદોઈ, ટીનમસ અને આખા ગ્રામજનો રસ્તા પર ઉતર્યા, ધારાસભ્ય વિરૂધ્ધ નારેબાજી કરી વિરોધ પ્રદર્શન

જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ગામડાઓમાં વિકાસના નામે માત્ર ખાડાઓ અને ઉડતી ધૂળ જ જોવા મળી રહી છે. વંથલી તાલુકાના ટીનમસ, ગાદોઈ અને આખા સહિતના ગામોને જોડતો મુખ્ય રસ્તો છેલ્લા 10 વર્ષથી અતિ બિસ્માર હાલતમાં હોવાને કારણે આજે ગ્રામજનોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. મોટી સંખ્યામાં રસ્તા પર ઉતરી આવેલા લોકોએ “જાગો ધારાસભ્ય જાગો” ના ગગનભેદી નારા લગાવી તંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ પ્રત્યે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.

ટીનમસ ગ્રામ પંચાયતના સભ્ય મુકેશભાઈ સોનારાએ મીડિયા સમક્ષ હૈયા વરાળ ઠાલવતા જણાવ્યું કે, છેલ્લા એક દાયકાથી આ વિસ્તારના રસ્તાઓનું નામનિશાન મટી ગયું છે. અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં તંત્રના બહેરા કાને કોઈ અવાજ પહોંચતો નથી. ગ્રામજનોનો આક્ષેપ છે કે, ગામમાંથી હાઈવે પર પહોંચવું હોય તો પણ ખાડાઓને કારણે કલાકો વીતી જાય છે. જ્યારે પણ રજૂઆત કરવામાં આવે ત્યારે અધિકારીઓ માત્ર ’કામ થઈ જશે’ તેવા ઠાલા આશ્વાસનો આપી પ્રજાને છેતરી રહ્યા છે. આ વિરોધ પ્રદર્શનમાં સૌથી વધુ નિશાન પર સ્થાનિક ધારાસભ્ય અરવિંદ લાડાણી રહ્યા હતા. ગ્રામજનોએ ગંભીર આક્ષેપ કર્યો છે કે, “છેલ્લા 5 વર્ષમાં ધારાસભ્ય આ ગામોમાં ડોકાયા પણ નથી.” સ્થિતિ એવી છે કે નવી પેઢીના મતદારોને તો એ પણ ખબર નથી કે તેમના ધારાસભ્ય દેખાય છે કેવા! ચૂંટણી ટાણે મતો મેળવવા આવતા નેતાઓ જીત્યા પછી જનતાને રામ-રામ કરી દેતા હોવાનો સુર અહીં સાંભળવા મળ્યો હતો. તંત્રની ’કુંભકર્ણ’ નિદ્રાથી કંટાળેલા ટીનમસ ગામના અંદાજે 3500 મતદારો અને 5500ની વસ્તીએ હવે આરપારની લડાઈનું એલાન કર્યું છે.

ગ્રામજનોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જો 15 દિવસમાં રોડનું કામ શરૂૂ કરવામાં નહીં આવે, તો આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો સંપૂર્ણ બહિષ્કાર કરવામાં આવશે.જ્યાં સુધી રસ્તાની સમસ્યા હલ નહીં થાય ત્યાં સુધી ગામમાં કોઈપણ પક્ષના રાજકીય નેતાને પ્રવેશવા દેવામાં આવશે નહીં. વંથલી તાલુકાના આ ગામડાઓનો રોષ હવે સોશિયલ મીડિયા અને સમાચારોમાં ગુંજી રહ્યો છે. હવે જોવાનું એ રહે છે કે, એરકન્ડિશન ઓફિસોમાં બેઠેલા અધિકારીઓ અને ગાંધીનગરમાં બેઠેલા નેતાઓ આ જનતાનો અવાજ સાંભળે છે કે પછી ફરી એકવાર આશ્વાસનોની લ્હાણી કરીને મામલો થાળે પાડવાનો પ્રયાસ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *