સુરતમાં રવિવારની રજા, 8 કલાકની શિફટ અને બોનસની માંગણી સાથે વિવર્સો દ્વારા લાંબા સમયથી ચાલતુ આંદોલન આજે અચાનક ઉગ્ર અને આક્રમણ બન્યુ હતુ અને સવાર હજારે પરપ્રાંતિય શ્રમિકોએ કલેક્ટર કચેરીમાં ધુસી જઇ હલ્લાબોલ કરી દેતા વ્યવસ્થા જાળવવામાં પોલીસને પરસેવો છૂટી ગયો હતો. હજારો શ્રમિકોએ કલેક્ટર કચેરીમાં જ ધામા નાખી દેતા સ્ફોટક સ્થિતિ સર્જાઇ હતી અને સમગ્ર કચેરી સીલ કરી દેવામાં આવી છે. રસ્તાઓ ઉ5ર બેરીકેટ મુકી દેવામાં આવ્યા હતા.
સુરતમાં આવેલી વિવિધ ૠઈંઉઈ માં એમ્બ્રોઈડરી કારખાનાઓમાં કામ કરતા 10 લાખથી વધુ શ્રમિકો છેલ્લા કેટલાક સમયથી અઠવાડિયામાં એક દિવસની રજા અને તેના પૂરા વેતનની માગ સાથે આંદોલન ચલાવી રહ્યા છે. ગત 16 ઓગસ્ટે અમરોલીના વેદાંતા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારથી શરૂૂ થયેલો આ વિરોધ ધીમે ધીમે અંજની ઇન્ડસ્ટ્રીઝ, કતારગામ, સચિન જીઆઈડીસી તેમજ પીપોદરા અને કડોદરા સુધી ફેલાઈ ગયો હતો, જ્યાં શ્રમિકોએ કામકાજ સંપૂર્ણપણે બંધ કરાવીને ઉગ્ર પ્રદર્શનો કર્યા હતા. આ પરિસ્થિતિને કારણે અનેક સ્થળોએ તંગદિલી સર્જાતા પોલીસને બળપ્રયોગ પણ કરવો પડ્યો હતો, જેના પગલે સુરત પોલીસ હાઈ એલર્ટ પર છે અને ખાસ કરીને રવિવારના રજાના દિવસોમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સતત દોઢ મહિનાથી તૈનાત રહેવું પડી રહ્યું છે.
આ મામલે શ્રમિક યુનિયનના અગ્રણીઓએ અગાઉ કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપ્યું હતું, પરંતુ કોઈ ચોક્કસ નિરાકરણ ન આવતા આજે મોટી સંખ્યામાં શ્રમિકો કલેક્ટર કચેરી પહોંચ્યા હતા, જ્યાં બીજો શનિવાર હોવાના કારણે મુલાકાત ન થતાં હવે તેઓ સોમવારે ફરીથી રજૂઆત કરશે. આ ગતિરોધને ઉકેલવા માટે વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા વિવિધ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારના વેપારીઓ તેમજ જિલ્લા લેબર અધિકારી સાથે સતત બેઠકોનો દોર ચલાવવામાં આવી રહ્યો છે, જેથી માલિકો અને શ્રમિકો વચ્ચેના સંઘર્ષને ટાળીને વેતન કાપ્યા વગર સાપ્તાહિક રજાનો કોઈ સ્વીકાર્ય ઉકેલ લાવી શકાય.
આ પ્રદર્શન દરમિયાન એક શ્રમિકે આક્ષેપ કર્યો હતો કે, પોલીસે ફોટા પાડીને ધમકી આપી હતી, જેના પગલે સ્થિતિ તંગ બની હતી. ઉઈઙ નકુમે હાથમાં દંડો લઈને ચેતવણી આપી હતી કે, જો અમારું ના માન્યા તો ઘર્ષણ થશે, ઋઈંછ દાખલ કરીશું. ત્યારબાદ શ્રમિક આગેવાને અને અધિકારીઓના સમજાવાથી શ્રમિકો પરત જતા રહ્યા હતા.
