જામનગર શહેરના રણજીત સાગર રોડ પર આવેલા મારું કંસારા હોલ નજીક જામનગર મહાનગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં પીવાનું પાણી પહોંચાડતી મુખ્ય મેઇન પાઈપલાઈનનો મોટો વાલ્વ અચાનક તૂટી જતાં ભારે દબાણ સાથે પાણીના ફુવારા ઉડ્યા હતા અને લાંબા સમય સુધી હજારો ગેલન પાણી રોડ પર વહેતું રહ્યું હતું.
માહિતી મુજબ આ પાઈપલાઈન શહેરના અનેક વિસ્તારોમાં પાણી સપ્લાય કરતી મહત્વની લાઈન હોવાનું જાણવા મળ્યું છે. વાલ્વ તૂટતા પાણીનો જોરદાર પ્રવાહ શરૂૂ થયો હતો, જેના કારણે આસપાસના વિસ્તારમાં પાણી રેલા ઉતર્યા હતા, અને વરસાદ જેવી સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાસ્થળે લાંબા સમય સુધી પાણીના ઊંચા ફુવારા ઉડતાં કેટલાક બાળકો એકત્ર થયા હતા.
ઉનાળાની કડકડતી ગરમી વચ્ચે બાળકો માટે આ ઘટના મોજમસ્તીનું કેન્દ્ર બની ગઈ હતી. પાણીના ફુવારાઓ નીચે ઉભા રહી સાવર સ્નાનનો આનંદ લીધો હતો, અને મહાનગરપાલિકાની બેદરકારીને પોતાના અવસરમાં ફેરવી નાખી હતી. કેટલાક લોકોએ મોબાઈલમાં વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં પણ વાયરલ કર્યા હોવાનું જાણવા મળે છે.
એક તરફ શહેરના અનેક વિસ્તારોમાં પાણીની અછત ની ફરિયાદો ઉઠી રહી છે, ત્યારે બીજી તરફ હજારો ગેલન પીવાનું પાણી આમ બેફામ રીતે વેડફાતાં સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. લોકો દ્વારા મહાનગરપાલિકાની કામગીરી સામે સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે, અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.
મોડેથી બનાવ અંગે જાણ થતાં મહાનગરપાલિકાની ટીમ સ્થળ પર પહોંચી હતી અને તૂટેલા વાલ્વને રિપેર કરવાની કામગીરી હાથ ધરી હતી. જોકે ત્યાં સુધીમાં મોટી માત્રામાં પાણી વેડફાઈ ચૂક્યું હતું.
