સંસદમાં જાહેર પરીક્ષાઓમાં ગેરરીતિ અટકાવવા માટેના સુધારા વિધેયક-2026 પસાર થવા પર ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેને આવકારીને દેશના કરોડો યુવાનોના ભવિષ્યને સુરક્ષિત કરતું એક ઐતિહાસિક પગલું ગણાવ્યું છે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રાત-દિવસ મહેનત કરનારા વિદ્યાર્થીઓ સાથે કોઈપણ પ્રકારનો અન્યાય ન થાય અને દરેક યુવાનને તેની ક્ષમતા તથા મેરિટના આધારે આગળ વધવાની સમાન તકો મળે તે માટે સમગ્ર પરીક્ષા વ્યવસ્થામાં પારદર્શિતા અને વિશ્વસનીયતા અત્યંત જરૂૂરી છે.
મુખ્યમંત્રીએ ભારપૂર્વક કહ્યું હતું કે, પેપર લીક કરનારા માફિયાઓ અને પરીક્ષામાં ગેરરીતિ આચરતા તત્વો સામે કડક સજા, આકરા દંડ તથા ઝડપી કાનૂની કાર્યવાહી કરવાથી આવા અસામાજિક તત્વો પર અસરકારક અંકુશ આવશે. આ નવા કાયદા હેઠળ ગેરરીતિના કેસોના ઝડપી નિકાલ માટે ફાસ્ટ ટ્રેક કોર્ટની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત, પરીક્ષા પ્રક્રિયામાં અદ્યતન ટેકનોલોજી આધારિત સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવાથી સમગ્ર પરીક્ષા પ્રણાલી વધુ મજબૂત અને વિશ્વસનીય બનશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વની પ્રશંસા કરતા મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, કેન્દ્ર સરકાર યુવાનોના ભવિષ્ય સાથે કોઈપણ પ્રકારનું સમાધાન નહીં કરવાની નીતિ સાથે આગળ વધી રહી છે. યુવાનોને ‘નવા ભારત’ના સાચા નિર્માતા ગણાવીને તેમણે કહ્યું કે, મેરિટના આધારે સમાન તક આપતો આ કાયદો દેશના ‘વિકસિત ભારત 2047’ ના લક્ષ્યને સાકાર કરવામાં યુવાશક્તિને નવી ઊર્જા પૂરી પાડશે.
ગુજરાત સરકારની નીતિ સ્પષ્ટ કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, રાજ્ય સરકાર પણ ‘મેરિટ ફર્સ્ટ’ ના સિદ્ધાંત સાથે યુવાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે. રાજ્યમાં યોજાતી તમામ પરીક્ષાઓમાં નિષ્પક્ષતા જળવાઈ રહે, મહેનતુ ઉમેદવારોને તેમના હક અને અધિકારની તક મળે તેમજ પેપર લીક જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને કોઈ સ્થાન ન મળે તે માટે ગુજરાત સરકાર સતત કડક અને જરૂૂરી પગલાં લઈ રહી છે.
