હાઇવે પર ડિવાઇડર તોડનારની ખેર નથી, સીસીટીવી લગાવવા આદેશ

રાજકોટ જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશના અધ્યક્ષસ્થાને જિલ્લા માર્ગ સલામતી સમિતિ અને જિલ્લા હાઇવે ટાસ્ક ફોર્સની બેઠક યોજાઈ હતી. બેઠકમાં હાઇવે પર માર્ગ અકસ્માતોના જોખમને…

રાજકોટ જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશના અધ્યક્ષસ્થાને જિલ્લા માર્ગ સલામતી સમિતિ અને જિલ્લા હાઇવે ટાસ્ક ફોર્સની બેઠક યોજાઈ હતી. બેઠકમાં હાઇવે પર માર્ગ અકસ્માતોના જોખમને ઘટાડવા માટે ગેરકાયદે ગેપ ઇન મીડિયન, રોડ સાઇડનાં દબાણો અને માર્ગો પરના ખાડાઓ દૂર કરવા સહિતની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા સંબંધિત વિભાગના અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી.

કલેક્ટરએ ખાસ કરીને નેશનલ હાઇવે પર એકપણ અનધિકૃત ગેપ ઇન મીડિયન ન રહે તે સુનિશ્ચિત કરવા તાકીદ કરી હતી. ગેરકાયદે રીતે મીડિયન તોડીને રસ્તા પર ગેપ બનાવતા તત્ત્વોને ઓળખી તેમની સામે કડક કાર્યવાહી કરવા માટે આવા સ્થળોની નજીક સી.સી.ટી.વી. કેમેરા લગાવવાની સૂચના આપવામાં આવી હતી.
આ ઉપરાંત, જાહેર મિલકતને નુકસાન પહોંચાડવાના કિસ્સામાં નજીકની હોટેલ કે પેટ્રોલપંપની સંડોવણી જણાય તો તેમની સામે એફ.આઈ.આર. નોંધવા સહિતનાં કડક પગલાં લેવા પણ કલેક્ટરએ જણાવ્યું હતું.
બેઠક દરમિયાન કલેક્ટરએ રાજકોટ અમદાવાદ હાઇવે અને રાજકોટજેતપુર હાઇવે પર ચાલી રહેલાં કામોની સમીક્ષા કરી હતી. તેમણે હાઇવે પરના પુલોની કામગીરી વહેલી તકે પૂર્ણ કરવા સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી.

સુપ્રીમ કોર્ટના આદેશના અનુસંધાને જિલ્લા હાઇવે ટાસ્ક ફોર્સ દ્વારા હાથ ધરાયેલી કામગીરીની સમીક્ષા દરમિયાન નેશનલ હાઇવે ઓથોરિટી અને સંબંધિત વિભાગ દ્વારા હાઇવે પરનાં આશરે 100 દબાણો દૂર કરવામાં આવ્યાં હોવાનું જણાવાયું હતું. જ્યારે હાઇવે પર અનધિકૃત પાર્કિંગ બદલ આર.ટી.ઓ. અને પોલીસ વિભાગ દ્વારા આશરે 192 મેમો આપવામાં આવ્યા હોવાનું પણ બેઠકમાં જણાવાયું હતું. આ ઉપરાંત, હાઇવે પરના ટોલ પ્લાઝા વિસ્તારમાં એડવાન્સ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ લાગુ કરવા કલેક્ટરએ સૂચના આપી હતી. આ બેઠકમાં એસ.પી. વિજયસિંહ ગુર્જર, આસિસ્ટન્ટ કલેકટર અતુલ સિંઘ, આર.ટી.ઓ. અધિકારી આઈ. એસ. ટાંક સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *