વધુ એક લૂંટ, મેટોડામાં મજૂરને ઉપાડી જઇ 3 શખ્સોએ લૂંટી લીધો

રાજકોટ નજીક આવેલા ઔદ્યોગિક વિસ્તાર મેટોડામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વણસી હોય તેમ વધુ એક સનસનાટીભરી લૂંટ અને અપહરણની ઘટના સામે આવી છે. મેટોડા રબ…

રાજકોટ નજીક આવેલા ઔદ્યોગિક વિસ્તાર મેટોડામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વણસી હોય તેમ વધુ એક સનસનાટીભરી લૂંટ અને અપહરણની ઘટના સામે આવી છે. મેટોડા રબ વિસ્તારમાં રહેતા અને મૂળ બિહારના વતની 26 વર્ષીય યુવક મનીષકુમાર અશોકસિંગ પર ગઈકાલે રાત્રિના સમયે અજાણ્યા બદમાશોએ હુમલો કર્યો હતો. મનીષકુમાર મેટોડા વિસ્તારમાં આવેલા એક કારખાનામાં મજૂરી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. ગઈકાલે રાત્રે જ્યારે તે મેટોડામાં પાઠક સ્કૂલ પાસે અને મેટોડાના ત્રીજા ગેઇટ નજીકથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે અચાનક એક કારમાં ત્રણ અજાણ્યા શખ્સો ત્યાં આવી પહોંચ્યા હતા. આ ત્રણેય શખ્સોએ મનીષકુમારને રસ્તા વચોવચ આંતરીને તેને બળજબરીપૂર્વક પોતાની કારમાં બેસાડી દીધો હતો અને તેનું અપહરણ કરીને નાસી છૂટ્યા હતા.

કારમાં આવેલા અપહરણકારો યુવકને મેટોડા વિસ્તારમાં જ આવેલી પ્રખ્યાત બાલાજી વેફર્સની પાછળ એક અવાવરું અને નિર્જન જગ્યાએ લઈ ગયા હતા. ત્યાં લઈ જઈને ત્રણેય બદમાશોએ મનીષકુમાર પાસે તેનો ઓનલાઈન ટ્રાન્ઝેક્શન માટેનો યુપીઆઈ કોડ માંગ્યો હતો. યુવકે આ કોડ આપવાનો ઈનકાર કરતા અથવા પ્રતિકાર કરતા ઉશ્કેરાયેલા અજાણ્યા શખ્સોએ તેને ઢીકાપાટુનો નિર્દયતાપૂર્વક માર મારવાનું શરૂૂ કર્યું હતું. બદમાશોએ યુવકને બેફામ માર મારીને તેની પાસેથી આશરે ₹15,000ની કિંમતનો મોબાઈલ ફોન લૂંટી લીધો હતો અને અંધારાનો લાભ લઈને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. ગંભીર રીતે ઘવાયેલા અને લોહી લુહાણ હાલતમાં મનીષકુમારને સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે, જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે. આ ચોંકાવનારી ઘટના અંગે સ્થાનિક પોલીસને જાણ કરાતા પોલીસે ગુનો નોંધી કારમાં આવેલા લૂંટારુઓની શોધખોળ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *