સિરિન્જ છોડી પીંછી પકડી: કલાની દુનિયામાં ચમત્કાર સર્જે છે આ ડોક્ટર
મેડિકલ ફિલ્ડ છોડી કલાને વરેલા ડો.ધ્વનિ પટેલ પોતાના આગવા આર્ટ ફોમ મલ્ટિમીડિયા દ્વારા બનાવે છે એકથી એક ચડિયાતા આર્ટ પીસ
ખાસ પ્રકારના ચશ્મા પહેરીને ડો.ધ્વનિ પટેલ રીસ્ટ વોચના ટચુકડા ડાયલમાં કંડારે છે કલ્પનાની દુનિયા
અમરેલી શહેરમાં એક વ્યક્તિ પોતાનું ઘર બનાવે છે. હજુ તો પાયો ખોદાઈ રહ્યો છે ત્યારે જ તેઓએ નક્કી કર્યું કે સોશિયલ મીડિયામાં જે આર્ટિસ્ટને તેઓ ફોલો કરે છે તેની પાસે જ ઘર માટે આર્ટ પીસ તૈયાર કરાવશે.જ્યારે ઘર બની ગયું ત્યારે એ જ આર્ટિસ્ટને તેમણે 21 ફૂટનું પેઇન્ટિંગ ઓર્ડર કર્યું. કલાકાર પર તેમને એટલો વિશ્વાસ હતો કે પેઇન્ટિંગ કેવું બનાવવુ? શેમાંથી બનાવવું?એ બધું તેમણે એ કલાકાર પર છોડ્યું.સામા પક્ષે કલાકારે પણ જીવ રેડી પેન્ટિંગ બનાવ્યુ. આ માસ્ટર પીસ જોઈને લોકો આફરીન પોકારી ગયા. આ આર્ટિસ્ટ એટલે અમદાવાદના ડો. ધ્વનિ પટેલ.ડોક્ટરની ડીગ્રી અને ખૂબ સારી પ્રેક્ટિસ હોવા છતાં કલાની કેડીએ ડગ ભરી તેઓએ સફળતા મેળવી છે. કેરિયર માટે ગળાકાપ સ્પર્ધાના સમયમાં મેડિકલ જેવું ફિલ્ડ છોડવું એ દિમાગમાં ન ઉતરે.દિલ અને દિમાગ વચ્ચે દિલથી લીધેલ નિર્ણયની જીત થઈ અને તેઓએ કલાના ક્ષેત્રમાં ઝૂકાવ્યું. આજે તેઓના આર્ટ પીસનું મૂલ્ય ખૂબ મોટી કિંમતમાં અંકાઈ રહ્યું છે ત્યારે તેમનો નિર્ણય યોગ્ય લાગે.
તેમનો જન્મ,ઉછેર અને અભ્યાસ ધોરાજીમાં થયો.12 ધોરણ બાદ અમદાવાદ બીજે મેડિકલ કોલેજમાં એમબીબીએસ કર્યા પછી વીએસ હોસ્પિટલમાં એમડી એનેસ્થેસિયા કર્યું. એનેસ્થેટિસ્ટ બની ગયા પછી અનેક નામાંકિત હોસ્પિટલમાં શ્રેષ્ઠ ડોક્ટરો સાથે કામ કર્યું. અભ્યાસ ચાલતો હતો ત્યારે જ લગ્ન થયા. એક દીકરીનો જન્મ થયો. આ બધા જ સમય દરમિયાન અભ્યાસની સાથે કલાની સંગત તો ચાલુ જ હતી. ચાર વર્ષ પ્રેક્ટિસ કર્યા બાદ જે આગળ વાત કરી એ 21 ફૂટના આર્ટ પીસનો ઓર્ડર મળ્યો.દીકરી નાની હતી એટલે રાત જાગીને જ્યારે આ ઓર્ડર કમ્પ્લિટ કર્યો ત્યારે આત્મવિશ્વાસ આવ્યો અને કલા અથવા મેડિકલ ફિલ્ડ બેમાંથી એક પસંદ કરવાનું નક્કી કર્યું.
તબીબી તેમનો વ્યવસાય હતો જ્યારે આર્ટ પેશન હતું.પતિ અને પરિવારનો સંપૂર્ણ સાથ હતો એટલે ફુલ ટાઈમ આર્ટિસ્ટ તરીકે કામ કરવાનું નક્કી કર્યું. મેડિકલ છોડી અને કલાના આશરે આવવું લોકોને આશ્ચર્યજનક લાગતું હતું પરંતુ આ આત્માનો અવાજ હતો અને એ ક્યારેય ખોટો હોઈ શકે નહીં. સોશિયલ મીડિયાના જમાનામાં પોતાના આર્ટ પીસની રીલ મૂકતા ત્યારે લોકો ખૂબ પસંદ કરતાં આમ નાના મોટા ઓર્ડર્સ નહીં પણ મોટા ઓર્ડર્સ મળવા લાગ્યા. અત્યાર સુધીમાં તેઓએ 300થી વધુ આર્ટ પીસ બનાવ્યા છે જેમાં એક હોસ્પિટલના 27 પેઇન્ટિંગ તો અન્ય હોસ્પિટલમાં 14 પેઇન્ટિંગ તથા એક મોટા બંગલા માટે 20 પીસનો ઓર્ડર મળ્યો છે. સિમ્પલ વર્ક કરવા માટે તેઓએ મદદ માટે બે વ્યક્તિને રાખ્યા છે તેમજ દરેક ડીટેલિંગનું કામ તેઓ જાતે કરે છે. તેમના દરેક આર્ટ પીસ મિનિંગ ફુલ હોય છે તેમાં કંઈક સ્ટોરી હોય છે અથવા કંઈક અહેસાસ અનુભવાય છે. કંઈ જ ન સમજાય તેવા પેઇન્ટિંગ બનાવવાનું તેઓ પસંદ કરતા નથી. જ્યાં આપણી કલ્પના ન પહોંચે ત્યાં તેમની પીંછી પહોંચી જાય છે મંદિરના બેક ડ્રોપ હોય,ડોર હેન્ડલ હોય કે વોલ પેન્ટિંગ હોય તેમની કલાના ચમકારા બધે જોવા મળે છે.
બેંગ્લોર, કલકત્તા તેમજ એક પેન્ટિંગનો ઓર્ડર તો કેનેડાથી મળ્યો હતો.કેનેડા મોકલેલ પીસ બાબત તેઓ જણાવે છે કે તેની સાઈઝ પાંચ ફૂટ બાય ચાર ફૂટ હતી, વજન 105 કિલો હતું અને તેને કેનેડા મોકલવું એ ખૂબ મોટી ચેલેન્જ હતી. કેનેડાના કડક કાયદા મુજબ પેકિંગ કરીને મોકલવામાં ઘણી મુશ્કેલી પડી પરંતુ એમાંથી શીખવાનું ઘણું મળ્યું. જ્યારે કોઈપણ વ્યક્તિ માટે હું આર્ટ પીસ બનાવું છું ત્યારે તેને સેટિસફેક્શન મળે તેને મહત્વ આપું છું કારણ કે તેમના ઘર કે ઓફિસમાં તે આર્ટ પીસ કાયમ માટે રહેવાનું છે. લોકોને હું કંઈક નવું આપી શકું એ માટે મેં મારું પોતાનું અલગ આર્ટ ફોર્મ ડેવલપ કર્યું છે જે છે મલ્ટિમીડિયા.જેમાં એકથી વધુ મીડીયમનો ઉપયોગ કરવામાં આવે છે. ઓઈલ પેન્ટિંગ,વોટર કલર, કોફી પેન્ટિંગ, ફેબ્રિક પેન્ટિંગ, એક્રેલિક સાથે મિક્સ મિડીયા, રેઝીન આર્ટ,મોઝેક આર્ટ વગેરે બધા પ્રકારના પેન્ટિંગ કરું છું. એક વખત ભાઈની ડીમાન્ડથી તેને રિસ્ટ વોચમાં પેન્ટિંગ કરી આપ્યું જે લોકોને ખૂબ ગમ્યું અને ઓર્ડર પણ આવ્યા.રીસ્ટ વોચના ડાયલ પર નાનકડી જગ્યામાં પેઇન્ટિંગ કરવું ખૂબ કઠિન છે.
તેમાં પરફેક્શન અને ફિનિશિંગ આવે તે માટે ખાસ પ્રકારના ચશ્મા પહેરીને હું કરું છું જેમાં અત્યાર સુધીમાં હનુમાનજી, કૃષ્ણ, આદિ યોગી, રેન્ડિયર, ફ્લેમિંગો, લાયન હોર્સ એમ ઘણા બધા બનાવ્યા છે. ભવિષ્યમાં આ પ્રકારની વોચમાં મારે પોતાની બ્રાન્ડ બનાવવી છે. ઘણું બધું કરવું છે ઘણાં બધા સપના છે જે હું પરિવારના સાથ વડે ચોક્કસ પુરા કરી શકીશ. હું અહીં સુધી પહોંચી એ બદલ નાનપણમાં મારામાં રહેલી આર્ટનો અહેસાસ કરાવનાર મારા ટીચર માલતીબેનનો આભાર માનું છું. મારા મમ્મી રસીલાબેન ઢોલરિયા, પપ્પા કેશવભાઈ ઢોલરિયા, સાસુ અનિલાબેન પટેલ, સસરા જમનભાઈ પટેલ દરેકનો સાથ સહકાર બદલ આભાર માનું છું. આ ઉપરાંત જેના સાથ વિના બધું અધૂરુ છે એ મારા પતિ ડો.જય પટેલ જે હાલ રેડિયોલોજીસ્ટ છે તે ડગલે ને પગલે મારા દરેક કામમાં ઉત્સાહ અને આશાનો સંચાર કરતા રહે છે.ડો.ધ્વનિ પટેલને ખૂબ ખૂબ શુભેચ્છઓ.
આર્ટ સ્ટુડિયો કરાવે છે આર્ટ એક્સપિરિઅન્સ
પોતાના આર્ટ સ્ટુડિયો બાબતે તેઓએ જણાવ્યું કે આ આર્ટસ સ્ટુડિયો એક્સપિરિયન્સ સેન્ટર છે જેમાં મારે લોકોને બતાવવું હતું કે નાનામાં નાની વસ્તુમાં પણ તમે આર્ટ કરી શકો. સ્ટુડિયોમાં એન્ટ્રીથી લઈ અને દરેક વસ્તુ કલાત્મક બનાવી છે એન્ટ્રીમાં ખૂબ આર્ટિસ્ટિક ઝુમ્મર, સીટિંગ એરિયામાં ઝુલો, સોફા, પરદા પેન્ટ કર્યા છે તેમજ પાર્ટિશનમાં વુડન, મેટલ અને ગ્લાસ ત્રણેયમાં આર્ટ કર્યુ છે. સેન્ટર ટેબલમાં પણ ખૂબ સરસ પેન્ટિંગ કર્યું છે. શરૂૂઆતમાં ઘર નજીક નાનો સ્ટુડિયો અને હાલ સિંધુભવન રોડ ઉપર વિશાળ જગ્યામાં સ્ટુડિયો બનાવ્યો છે જ્યાં વર્કશોપ પણ કરી શકાય છે તેમજ કોઈ કલાકાર પોતાનું ડિસ્પ્લે પણ કરી શકે છે.
