ચોટીલાની ચોબારી પ્રા.શાળામાં પીવાનું પાણી નથી, બારી-બારણા ગાયબ

બાળકોને શિક્ષણ સાથે સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા વાલીઓની તંત્ર સામે ઉગ્ર માંગ સરકાર દ્વારા શિક્ષણ પાછળ કરોડો રૂપિયાના ખર્ચે અને ડિજિટલ ઇન્ડીયાના મોટા મોટા દાવાઓ કરવામાં…

બાળકોને શિક્ષણ સાથે સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા વાલીઓની તંત્ર સામે ઉગ્ર માંગ

સરકાર દ્વારા શિક્ષણ પાછળ કરોડો રૂપિયાના ખર્ચે અને ડિજિટલ ઇન્ડીયાના મોટા મોટા દાવાઓ કરવામાં આવે છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાની ચોબારી ગામની પ્રાથમિક શાળાની વાસ્તવીકતા જુદી જ છે. આ શાળામાં આજુબાજુ ગ્રામ્ય વિસ્તાર અને વાડી વિસ્તારમાંથી અંદાજે 115 જેટલા બાળકો અભ્યાસ કરી રહ્યા છે. જેઓ પ્રાથમિક સુવિધાઓથી પણ વંચીત છે.

ચોબારી પ્રાથમિક શાળામાં ભણતા 115 જેટલા બાળકો માટે શાળા પરિસરમાં પીવાના પાણીની કોઇ યોગ્ય વ્યવસ્થા જ નથી. આ કાળઝાળ ગરમી અને ઉનાળાની ઋતુમાં બાળકોને ફિલ્ટરનું શુધ્ધ પાણી તો દુર સાદુ પીવાનું પાણી પણ નશીબ થતું નથી. પરિણામે દુર દુરથી આવતા નાના બાળકોએ પોતાના ઘરેથી જ પાણીની બોટલો ભરીને શાળાએ આવવુ પડે છે.

પાણીની તકલીફ ઉપરાંત શાળાનું મકાન પણ અત્યંત બિસ્માર અને ભયજીનક હાલતમાં ફેરવાઇ ગયું છે. આ શાળા વર્ષો જુની પતરાવાળી છે. જે હાલ સંપુર્ણપણે ડેમેજ થઇ ચુકી છે. વર્ગ ખંડોમાં બારી-બારણાના કોઇ ઠેકાણા નથી. જેના કારણે પવન સાથે ઉડતી ધુળની ડમરીઓ સીધી કલાસરૂમમાં આવે છે. બાળકો ભારે ગરમી, ઉકળાટ અને ધુળની વચ્ચે બેસીને અભ્યાસ માટે મજબુર બન્યા છે અને જર્જરીત પતરા ગમે ત્યારે તુટી પડે તેવી સ્થિતી હોવાથી બાળકોના માથે સતત જોખમ તોળાઇ રહ્યું છે.

વાડી વિસ્તારમાંથી આવતા ગરીબ અને શ્રમિક પરિવારના બાળકો અહીં ઉજજવળ ભવિષ્યની આશાએ આવે છે. પરંતુ તંત્રની આ ઘોર ઉદાસીનતાને કારણે વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે જિલ્લા શિક્ષણ અધિકારી, મામલતદાર, ટીડીઓ અને પ્રાંત અધિકારી એસ.ટી. મકવાણા તાત્કાલીક આ શાળાની મુલાકાતે આવે અને સર્વે કરી અભ્યાસ કરતા બાળકોને સારૂ ભણતર અને બધી સુવિધા ઉપલબ્ધ કરવા વાલીઓ અને ગ્રામજનોની માંગણી ઉઠી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *