RMCના ગાર્બેજ પ્લાન્ટમાં બનતા ખાતરની દરિયાકાંઠાના ખેડૂતોમાં જબરી ડિમાન્ડ

રાજકોટમાંથી દરોજ નીકળતા ટનબંધ કચરાનો શહેરની ભાગોળે નાકરાવાડી ખાતે મહાનગર પાલિકાના ગાર્બેજ સ્ટેશનમાં નિકાલ થાય છે. અહીં વૈજ્ઞાનિક ઢબે કચરાનું પ્રોસેસીંગ કરવામા આવે છે. પ્રોસેસીંગ…

રાજકોટમાંથી દરોજ નીકળતા ટનબંધ કચરાનો શહેરની ભાગોળે નાકરાવાડી ખાતે મહાનગર પાલિકાના ગાર્બેજ સ્ટેશનમાં નિકાલ થાય છે. અહીં વૈજ્ઞાનિક ઢબે કચરાનું પ્રોસેસીંગ કરવામા આવે છે. પ્રોસેસીંગ બાદ અનેક પ્રકારની બાય પ્રોડક્ટ નીકળે છે. અનેક ક્ષેત્રે તેનો ઉપયોગ થાય છે. ખાસ કરીને કમ્પોઝ્ડ એટલે કે ખાતરની જબરી ડિમાન્ડ નીકળી છે. પ્રોસેસીંગ બાદ નીકળતુ ખાતર ખેડૂતોને વિનામુલ્યે આપવામા આવે છે. જાણીને નવાઇ થશે કે મનપાના પ્લાન્ટમાંથી બનતા આ ખાતરની છેક દરિયાકાંઠા વિસ્તારના ખેડૂતોમાં જબરી ડિમાન્ડ છે. મનપાના જ પર્યાવરણ ઇજનેર પ્રજેશ સોલંકીએ આપેલી માહિતી મુજબ પોરબંદર, જાફરાબાદ, અમરેલી સહિતના પંથકના ખેડૂતો ટ્રેકટર, ટ્રક જેવા વાહનો લઇને ખાસ ખાતર લેવા માટે નાકરાવાડી પ્લાન્ટ આવે છે.

ચોમાસા શરૂૂ થયુ એ પહેલા વાવણી માટે દરિયાકાંઠાના સંખ્યાબંધ ખેડૂતો ટનબંધ ખાતર લઇ ગયા હતા.
રાજકોટ શહેરના દરેક ઘર અને ગલીઓમાંથી એકત્ર થતો કચરો આખરે ક્યાં જાય છે અને તેનું શું થાય છે? નાકરાવાડી ડમ્પિંગ સાઈટ પર ઊભા થતા કચરાના પહાડો પર્યાવરણ અને સ્થાનિકો માટે મોટો પ્રશ્ન બનતા હોય છે. પરંતુ રાજકોટ (RMC) ના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે આ સમસ્યાને તકમાં ફેરવી નાખી છે. પર્યાવરણ ઇજનેર પ્રજેશ સોલંકીના જણાવ્યા અનુસાર, મનપાએ છેલ્લા 6 મહિનામાં (જાન્યુઆરીથી જૂન સુધીમાં) નાકરાવાડી ખાતે પ્રોસેસિંગ કરી 7.5 લાખ ટન લેગસી વેસ્ટનો સફળતાપૂર્વક નિકાલ કરીને એક ઐતિહાસિક સિદ્ધિ હાસિલ કરી છે.

નાકરાવાડી ખાતે વર્ષોથી જમા થયેલા કચરાના નિકાલ માટે ખાસ પ્રકારની અત્યાધુનિક વિશેષ મશીનરી મુકવામા આવી છે. એક મશીનની ક્ષમતા દૈનિક 3,000 મેટ્રિક ટન કચરો પ્રોસેસ કરવાની હતી. આવા બે મશીનો દ્વારા સોલિડ વેસ્ટ શાખા દ્વારા દરરોજ 5,000 થી 6,000 મેટ્રિક ટન લેગસી વેસ્ટનું પ્રોસેસિંગ હાથ ધરાયું હતું. જેના પરિણામે માત્ર છ જ મહિનાના ટૂંકા ગાળામાં 7.5 લાખ ટન કચરાના ડુંગરોનો સફળતાપૂર્વક નિકાલ શક્ય બન્યો છે. કચરામાંથી તારવેલું આ જૈવિક ખાતર ખેતી માટે ખૂબ ઉપયોગી હોવાથી રાજકોટ મનપા દ્વારા પોરબંદર, અમરેલી અને દરિયાકાંઠા વિસ્તારના ખેડૂતોને સંપૂર્ણ નિ:શુલ્ક (ફ્રી) પૂરું પાડવામાં આવ્યું છે.

આ પ્રયોગથી એક તરફ પર્યાવરણનું જતન થયું છે અને બીજી તરફ ખેડૂતોને વિના મૂલ્યે જમીનની ફળદ્રુપતા વધારતું ખાતર મળ્યું છે. હાલમાં નાકરાવાડી ખાતે દરરોજ એકત્ર થતા 800 મેટ્રિક ટન કચરાનું પણ સાથે સાથે પ્રોસેસિંગ ચાલુ છે. ભવિષ્યમાં આ તમામ પ્લાન્ટ પૂર્ણ ક્ષમતાથી શરૂૂ થતાં રાજકોટમાં એકત્ર થતો 100% કચરો પ્રોસેસ થઈ જશે અને રાજકોટ સંપૂર્ણ ’ઝીરો-વેસ્ટ’ તરફ આગળ વધશે.

સિમેન્ટ ઉદ્યોગમાં બળતણની બાય પ્રોડક્ટની પણ ડિમાન્ડ
* આર.ડી.એફ.: કચરામાંથી પ્લાસ્ટિક અને સળગી શકે તેવા સૂકા પદાર્થો અલગ પાડીને ’આર.ડી.એફ.’ તૈયાર કરાયું છે, જે સિમેન્ટ ઉદ્યોગોમાં કોલસાના સ્થાને બળતણ તરીકે વાપરવામાં આવે છે.
* ઇનર્ટ મટીરીયલ: કચરામાં રહેલા કાંકરા, પથ્થર અને માટી જેવા નિષ્ક્રિય પદાર્થોને અલગ તારવી તેનો સુરક્ષિત રીતે લેન્ડફિલ સાઈટ પર નિકાલ કરવામાં આવે છે.
* સેન્દ્રિય ખાતર: કચરામાં રહેલા જૈવિક કચરાનું કુદરતી રીતે ડી-કંપોઝ થવાથી બનેલું ઉચ્ચ ગુણવત્તાયુક્ત સેન્દ્રિય ખાતર અલગ કરવામાં આવે છે.

નાકરાવાડી પ્લાન્ટ પર ભારણ ન રહે એ માટે બનતા અન્ય ત્રણ પ્લાન્ટ
પર્યાવરણ ઇજનેર બ્રજેશ સોલંકીના જણાવ્યા મુજબ, ભવિષ્યમાં લેગસી વેસ્ટ ઉત્પન્ન જ ન થાય તે માટે મનપા ખાસ માસ્ટરપ્લાન પર કામ કરી રહી છે.કોઠારિયા રોડ પર 150 મેટ્રિક ટન ક્ષમતાના ’એમ.આર.એફ.’ પ્લાન્ટનું હાલમાં જ લોકાર્પણ કરાયું છે. આ સિવાય કે.એસ. ડીઝલ RTS ખાતે પ્લાન્ટ તૈયાર થઈ ગયો છે અને રૈયાદ્વાર ખાતે કામગીરી પ્રગતિમાં છે. આમ, દૈનિક 450 મેટ્રિક ટન ડ્રાય વેસ્ટ સ્થાનિક સ્તરે જ પ્રોસેસ થશે.નાકરાવાડી ખાતે 250 મેટ્રિક ટન ક્ષમતાનો વેટ-વેસ્ટ (ઓર્ગેનિક) પ્રોસેસિંગ પ્લાન્ટ તૈયાર થઈ રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *