સુરેન્દ્રનગરમાં 31.30 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો, બે રીઢા તસ્કરની ધરપકડ

બન્ને સામે ચોટીલા, લીંબડી અને મોરબીમાં ગુના નોંધાઇ ચુકયા છે સુરેન્દ્રનગર સિટી ’એ’ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો છે. પોલીસે ગણતરીના…

બન્ને સામે ચોટીલા, લીંબડી અને મોરબીમાં ગુના નોંધાઇ ચુકયા છે

સુરેન્દ્રનગર સિટી ’એ’ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો છે. પોલીસે ગણતરીના દિવસોમાં ₹31,30,599ની કિંમતના સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહી રાજકોટ રેન્જ હેઠળના જિલ્લાઓમાં મિલકત સંબંધિત ગુનાઓ ઉકેલવા માટે નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય (IPS) દ્વારા અપાયેલી સૂચનાના ભાગરૂૂપે કરવામાં આવી હતી.સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ (IPS) એ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા, તેમજ ઘરફોડ ચોરી અને વાહન ચોરી જેવા અનડિટેક્ટેડ ગુનાઓ શોધી કાઢવા માટે એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે. જાડેજાને સૂચના આપી હતી. તેમણે ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓને તાત્કાલિક પકડીને પરિણામલક્ષી કામગીરી કરવા ભાર મૂક્યો હતો.આ સૂચનાના આધારે, એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે. જાડેજા, એલ.સી.બી. પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.વાય. પઠાણ અને પેરોલ ફર્લો સ્ક્વોડના ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન.એ. રાયમાએ એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્ક્વોડની અલગ અલગ ટીમો બનાવી હતી. આ ટીમોને ગુનાઓ અટકાવવા અને અનડિટેક્ટેડ કેસો ઉકેલવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

સ્ટાફના પો.હેડ કોન્સ. અજયવીરસિંહ ઝાલા, પો.કોન્સ. અશ્વિનભાઈ માથુકિયા અને ચંદ્રવિજયસિંહ રાણાને હ્યુમન સોર્સ અને ટેકનિકલ સોર્સ દ્વારા મળેલી બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી. સુરેન્દ્રનગર ટાઉન વિસ્તારમાં અંબિકા પાર્ક, પી.એન.ટી. ક્વાટર્સ પાસેના રહેણાંક મકાનમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી, દુધરેજ કેનાલ પાસેથી બે ઇસમોને પકડી પાડવામાં આવ્યા હતા.પકડાયેલા આરોપીઓ પાસેથી ચોરીમાં ગયેલા સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી કુલ ₹31,30,599નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. પકડાયેલા ઇસમોમાં (1) રવિભાઈ હકાભાઈ પાટડીયા (રહે. સુરેન્દ્રનગર, મફતિયાપરા, ટી.બી. હોસ્પિટલ પાછળ, અંબાજીમાના ચોક પાસે) અને (2) સતિષભાઈ ઉર્ફે ભોલો ઉર્ફે ભુરો બટુકભાઈ વ્યાસ (રહે. સુરેન્દ્રનગર, ફિરદોસ સોસાયટી, બુધાભાઈની દુકાનની બાજુની ગલીમાં, દાળમીલ રોડ) નો સમાવેશ થાય છે.

આરોપી રવિભાઈ હકાભાઈ પાટડીયાનો ગુનાહિત ઇતિહાસ લાંબો છે, જેમાં જોરાવરનગર, મોરબી બી ડિવિઝન, સુરેન્દ્રનગર સિટી એ ડિવિઝન (બે વખત), ચોટીલા, લીંબડી અને ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાઓનો સમાવેશ થાય છે. જ્યારે આરોપી સતિષભાઈ ઉર્ફે ભોલો ઉર્ફે ભુરો બટુકભાઈ વ્યાસ પણ સુરેન્દ્રનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ત્રણ ગુનાઓમાં સંડોવાયેલા છે.આ સફળ કામગીરીમાં એલ.સી.બી. સુરેન્દ્રનગરના પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે. જાડેજા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.વાય. પઠાણ અને પેરોલ ફર્લો સ્ક્વોડના ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન.એ. રાયમા સહિતના સ્ટાફે ભાગ લીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *