રાજકોટની આઈસર ટ્રક અને ગોંડલથી રૂૂ.13.13 લાખના સીંગતેલના ડબ્બા બારોબાર વેચી દેનાર ગેંગના એક સભ્યને ગોંડલ પોલીસે ઝડપી લઇ ચોરના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. ગોંડલ તાલુકા પોલીસની ટીમે આંતરરાજ્ય ગેંગના અન્ય ત્રણ સભ્યોને શોધખોળ શરુ કરી છે. ગોંડલથી અમદાવાદ મોકલવામાં આવેલા સીંગતેલના 476 ડબ્બા અને આઇસર ગાડી બારોબાર લઈ જઈ, રાજસ્થાનમાં વેચી મારવાના કૌભાંડમાં પોલીસે સઘન તપાસ કરીને ₹27 લાખથી વધુનો મુદ્દામાલ રિકવર કર્યો છે.
મળતી વિગતો મુજબ નવાગઢના બળદેવની ધાર વિસ્તારમાં રહેતા અને ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા રાજેશભાઇ ઉર્ફે આયુષ જીતેશભાઈ સંખેસરીયાએ પોલીસમાં નોંધાવી હતી,જેમાં જણાવ્યું હતું કે, ગત તા. 23/03/2026ના રોજ તેમને દિલ્હીની ‘દર્શનલાલ બિહારીલાલ પ્રા.લી.’ કંપની તરફથી ઓર્ડર મળ્યો હતો કે, ભોજપરા ગામ પાસે આવેલી “ધનલક્ષ્મી ઓઈલ મિલ” માંથી સીંગતેલના 476 ડબ્બા ભરી અમદાવાદના શાંતેજ ખાતે મોકલવાના છે. આ કામ માટે આયુષભાઈએ રાજકોટના યશભાઇ મુંધવા પાસેથી આઈસર ગાડી નંબર: GJ-04-AW-9239 મંગાવી હતી.
આ ગાડીમાં રાજસ્થાનના ડ્રાઈવર પંકજ બન્ના અને ક્લીનર સુરેશભાઈ મારફતે ગત તા. 24/03/2026ના રોજ ગાડી તેલના ડબ્બા ભરીને અમદાવાદ જવા રવાના થઈ હતી. બીજા દિવસે સવારે જ્યારે ગાડી માલિક યશભાઈએ ડ્રાઈવરોને ફોન કર્યા, ત્યારે બંનેના મોબાઈલ સ્વીચ ઓફ આવ્યા હતા. ચિંતાતુર થયેલા ટ્રાન્સપોર્ટરે તપાસ કરતા જાણવા મળ્યું કે, અમદાવાદના એસ.પી. રિંગ રોડ પર આવેલા ત્રાગડ ટોલનાકા પરથી આ ગાડી વહેલી સવારે 03:45 વાગ્યે પસાર થઈ હતી. જોકે, ત્યારબાદ ગાડી ક્યાં ગઈ તેની કોઈ ભાળ મળી નહોતી. ડ્રાઈવરોએ જે સ્થળે માલ ખાલી કરવાનો હતો ત્યાં પણ પહોંચ્યા ન હોતા. આથી, ટ્રાન્સપોર્ટર આયુષભાઈને શંકા ગઈ કે બંને ડ્રાઈવરોએ અંગત આર્થિક લાભ મેળવવા માટે આયોજનપૂર્વક માલ અને ગાડી સગેવગે કરી નાખ્યા છે. ગોંડલથી અમદાવાદ મોકલવામાં આવેલ સીંગતેલના 476 ડબ્બા જેની કિંમત રૂૂ. 13,13,774 તેમજ 15 લાખની આઈસર ગાડી નંબર GJ-04-AW-9239 મળી કુલ રૂૂ. 28,13,774ની છેતરપીંડીની ફરિયાદ કરી હતી.
આ ગુનાની તપાસ માટે રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાય અને એસપી વિજય સિંહ ગુર્જર દ્વારા સૂચના આપવામાં આવી હતી. ગોંડલ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક કે.જી. ઝાલાના માર્ગદર્શન હેઠળ પ્રો. આઈપીએસ પ્રખર કુમારની ટીમે ટેકનિકલ અને હ્યુમન સોર્સિસની મદદ લીધી હતી. તપાસ દરમિયાન બાતમી મળી હતી કે આરોપીઓ મુદ્દામાલ સાથે રાજસ્થાન નાસી ગયા છે. આથી ગોંડલ પોલીસની ટીમ તાત્કાલિક રાજસ્થાન રવાના થઈ હતી. ભીમ તાલુકા વિસ્તારમાં એક હોટલના પાર્કિંગમાંથી બિનવારસી હાલતમાં આઇસર ગાડી મળી આવી હતી. ત્યારબાદ અન્ય આરોપી પંકજ બન્નાના મામાના ગામ ઠીકરવાસની સીમમાં એક બંધ મકાનમાં સીંગતેલના ડબ્બા છુપાવ્યા હોવાની ચોક્કસ માહિતી મળતા પોલીસે સ્થાનિક પોલીસની મદદથી દરોડો પાડ્યો હતો. ત્યાં હાજર એક શખ્સની પૂછપરછમાં પંકજ બન્નાએ આ જથ્થો રાખ્યો હોવાનું ખૂલ્યું હતું. મુખ્ય આરોપી સુરેશસિંહ મેડીયા (રાવત) તેના વતન ટોડગઢ (રાજસ્થાન) ખાતે છે. પોલીસે ત્યાંથી સુરેશસિંહ અર્જુનસિંહ મેડીયા (ઉં.વ. 20) ને દબોચી લીધો હતો.
તેની પૂછપરછમાં જાણવા મળ્યું કે કેટલાક ડબ્બા તેણે બરાર અને નાથદ્વારાની હોટલોમાં વેચી દીધા હતા, જે પોલીસે રિકવર કર્યા હતા.પોલીસે 15 લાખની આઇસર ગાડી રૂૂ. 12.06 લાખના સીંગતેલના 437 ડબ્બા મળી કુલ રૂૂ.27,06,132 નો મુદ્દામાલ કબજે કરાયો હતો. આ કેસમાં હજુ ત્રણ આરોપીઓ દિલીપસીંગ ઉર્ફે પંકજબન્ના, દિલીપસિંહ ઉર્ફે દીપો રાવત અને નરેન્દ્રસીંગ રાવત પકડવાના બાકી છે. આ સફળ કામગીરીમાં પ્રો. આઈપીએસ પ્રખર કુમાર સાથે એ એસઆઈ કર્મરાજસિંહ પરમાર, વાઘાભાઈ આલ, પરેશભાઈ સાકરીયા, ચંદનસિંહ પરમાર અને ગોંડલ ડીવાયએસપી કચેરીના એએસઆઈ છત્રપાલસિંહ જાડેજા એ કામગીરી કરી હતી.
