રાજ્યની સૌથી નાની બાળકીએ ચાંદીપુરાને મહાત આપી

ચાંદીપુરા વાયરસ સામે ઝઝૂમી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ ગુજરાતની સૌથી નાની વયના બાળક દર્દીએ આ વાયરસને મ્હાત આપી 17 દિવસ સુધી ચાંદીપુરા વાયરસ સામે ઝઝૂમીને…

ચાંદીપુરા વાયરસ સામે ઝઝૂમી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ ગુજરાતની સૌથી નાની વયના બાળક દર્દીએ આ વાયરસને મ્હાત આપી 17 દિવસ સુધી ચાંદીપુરા વાયરસ સામે ઝઝૂમીને સિવિલ હોસ્પિટલના તબીબોના નિરીક્ષણમાં સારવાર મેળવી નવજીવન મેળવ્યું છે. સારવાર લઇ સ્વસ્થ થયેલ આ 3 માસની બાળકીને હોસ્પિટલ માંથી ડિસ્ચાર્જ આપવામાં આવતા પરિવારમાં ખુશી જોવા મળી હતી. જોકે રાજકોટ હોસ્પિટલમાં હજુ બે શંકાસ્પદ બાળક સારવાર હેઠળ છે. જેમાંથી એક બાળક વેન્ટિલેટર ઉપર છે.

રાજકોટ સિવિલ હોસ્પિટલના તબીબી અધીક્ષક ડો.મનાલી માંકડિયાએ જણાવ્યું હતું કે, આ બાળકની ઉંમર માત્ર ત્રણ મહિનાની હતી જેથી સિવિલ હોસ્પિટલના તંત્ર માટે પણ એક પડકાર હતો જોકે આ બાળક સારવાર બાદ ચાંદીપુરા વાયરસમાંથી મુક્ત થયું છે.મૂળ મધ્યપ્રદેશના અને ગોંડલના પાંચિયાવદર ગામના મજૂરીકામ કરતાં પરિવારની 3 માસની બાળકીને આંચકી ઉપડવાની સાથે ડાયેરિયા થતા ગોંડલ હોસ્પિટલ થી સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જેનો ચાદીપુરાનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. ગુજરાત રાજ્યનું સૌથી નાનું પેશન્ટ ચાંદીપુરા પોઝિટિવ આવ્યું હોય જે ખૂબ જ ગંભીર પરિસ્થિતિમાં દાખલ થયું હતું. જોકે સઘન સારવાર બાદ ફૂલ હેલ્ધી કંડીશનમાં ડિસ્ચાર્જ કરવામાં આવ્યું છે.

આ 3 માસની બાળ દર્દીની સારવાર કરતા ડો.પલક હપાણીએ જણાવ્યુ હતુ કે, આ બાળકી 19 જુલાઈના રોજ સિવિલ હોસ્પિટલમાં દાખલ થઈ હતી. આ પરિવાર 10 મી જુલાઈએ મધ્યપ્રદેશથી અહીં શિફ્ટ થયું હતું. આ પરિવાર ગોંડલના પાંચીયાવદર ગામમાં રહે છે અને વાડી વિસ્તારમાં મજૂરી કામ કરે છે. બાળકીને 19 મી જુલાઈના રોજ આંચકી ઉપડી અને ડાયેરિયા થઈ ગયા હતા. જેને સૌપ્રથમ ગોંડલ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. અમને જ્યારે બાળકી મળી ત્યારે તે કોમામાં હતી. જેથી આ બાળકીને તુરંત વેન્ટિલેટર પર રાખવામાં આવી હતી. બાળકીને એક અઠવાડિયા સુધી વેન્ટિલેટર પર રાખવામાં આવી.

જે બાદ તેને સૌપ્રથમ ઓક્સિજનના મોટા મશીન અને તે પછી નાના મશીન પર રાખવામાં આવ્યું. સામાન્ય રીતે ચાંદીપુરા વાયરસમાં લીવર અને કિડની સહિતને પસાર થતી હોય છે પરંતુ આ કેસમાં સદભાગ્યે આવી કોઈપણ પ્રકારની અસર થઈ ન હતી. ગઈકાલે બાળકીનો એમઆરઆઈ રિપોર્ટ કરાવવામાં આવ્યો. જે નોર્મલ આવ્યો છે. હાલ આ બાળકી તેની માતાનું ધાવણ લઈ રહી છે અને સ્વસ્થ રીતે ડિસ્ચાર્જ કરવામાં આવેલી છે
રાજકોટ મેડિકલ કોલેજના ડીન ડો.પંકજ બુચે જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલમાં હાલ ચાંદીપુરા વાયરસથી અસરગ્રસ્ત બે દર્દીઓ દાખલ છે. જેમાંથી એક દર્દી જુનાગઢથી રિફર થઈને આવેલું છે જ્યારે બીજું પેશન્ટ રાજકોટ જિલ્લાનું છે. જેમાંથી એક બાળક વેન્ટિલેટર ઉપર છે અને બીજું બાળક સ્ટેબલ છે. જે બંનેના રિપોર્ટ લેબોરેટરીમાં મોકલાઈ ચૂક્યા છે અને અમે તે રિપોર્ટની રાહ જોઈ રહ્યા છીએ.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *