કચેરીઓ ખુલતા જ કામ બંધ રહેતા અરજદારો પરેશાન, બે કલાકે ગાડી પાટે ચઢતા હાશકારો
સરકારી કચેરીઓમાં ઓનલાઈન થતી તમામ કામગીરીમાં અવાર નવારટેક્નિકલ કારણોસર અને સર્વર ડાઉન થવાની ઘટનાઓ હવે રોજીંદી બની ગઈ છ ે. જેના લીધે અરજદારોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. સરકારનું ઈ-ઓળખ સર્વર આજે કચેરી ખુલતાની સાથે જ ડાઉન થતાં રાજ્યભરની કચેરીઓના જન્મ-મરણ વિભાગની કામગીરી સતત બે કલાક ખોરવાઈ જતાં અરજદારોમાં દેકારો બોલી ગયો હતો. ટેક્નિકલ કારણ શોધ્યા બાદ ફરીવખત અંદાજે બે કલાકે ગાડી પાટેચડતા તંત્રએ હાશકારો લીધો હતો. અને બપોરે ધીમીગતિએ કામગીરી શરૂ થયાનું જાણવા મળેલ છે.
રાજ્યની મહાનગરપાલિકાઓ તથા નગરપાલિકાઓ અને ગ્રામ પંચાયતોમાં રાજ્ય સરકારનું ઈ-ઓળખ પોર્ટલ કાર્યરત છે. જેના થકી રાજ્યભરની તમામ કચેરીઓમાં જન્મ-મરણ વિભાગની કામગીરી ઓનલાઈન કરવામાં આવી રહી છે. ત્યારે આજે કચેરીઓ ખુલતાની સાથે જ જન્મ-મરણ વિભાગનું સર્વર ડાઉન જોવા મળેલ જેના લીધે અપલોડ અને ઈન્વલ્ડ સહિતની કામગીરી ન થઈ શકતા અરજદારો પરેશાન થઈ ઉઠ્યા હતાં. આ મુદ્દે તપાસ કરતા માલુમ પડેલ કે, રાજ્યભરમાં કાર્યરત ઈ ઓળખ પોર્ટલનું સર્વર ડાઉન થઈ ગયું છે. જેના લીધે તમામ મહાનગર પાલિકાઓ, નગરપાલિકાઓ અને ગ્રામ પંચાયત સહિતની કચેરીઓમાં કામગીરી થઈ ગઈ છે. નિષ્ણાંતો દ્વારા સર્વર અપગ્રેડ કરવાની કામગીરી શરૂ કરવામાં આવેલ જે અંદાજે બે કલાક ચાલી હતી ત્યાર બાદ તમામ કચેરીઓમાં ધીમીગતિએ સર્વરની સ્પીડ જોવા મળી હતી. છતાં સવારથી લાઈનમાં ઉભા રહેલા અરજદારોએ સર્વર ચાલુ થતાં રાહતનો શ્ર્વાસ લીધો હતો.
રાજકોટ મહાનગરપાલિકાના જન્મ-મરણ વિભાગમાં પણ ઈ-ઓળખ સર્વર ડાઉન થતાં કામગીરી બંધ થઈ હોવાનું જાણવા મળેલ છે. જેની સામે મહાનગરપાલિકાનું પોતાનું સર્વર ચાલુ હોય સુધારણા સહિતના કામ ચાલુ હોવાનું પણ તંત્રએ જણાવ્યું હતું. છતાં સતત બે કલાક સર્વર ડાઉન રહેતા રાજ્યભરની કચેરીઓમાં દેકારો બોલી ગયો હતો અને અરજદારો એ કચેરીના અદિકારીઓ સાથે બોલાચાલી કરી હોવાનું પણ જાણવા મળેલ છે.
સરકારી સર્વર જ ડાઉન કેમ થાય છે?
રાજ્ય સરકાર દ્વારા અલગ અલગ વિભાગોની કચેરીઓમાં મોટાભાગની સુવિધાઓ ઓનલાઈન શરૂ કરવામાં આવી છે. તેમજ અમુક વિભાગોની કામગીરી ઈઓળખ પોર્ટલ સહિતના અનેક પોર્ટલ ઉપર થઈ રહી છે. જેમાં સર્વર ડાઉન થવાની ઘટનાઓ અવાર નવાર બની રહી છે. ત્યારે અરજદારોએ ભારે રોષ સાથે જણાવ્યુ ંહતું કે, પ્રાયવેટ કંપનીઓના સર્વરો ક્યારેય ડાઉન થતાં નથી અને તેમની કામગીરીમાં વિક્ષેપ પણ આવતા નથી તો કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવેલ સરકારી વેબસાઈટો અને સર્વરો ડાઉન શા માટે થઈ રહ્યા છે?
