પવિત્ર યાત્રાધામ દ્વારકા ખાતે દર વર્ષે ચૈત્ર સુદ નોમ (રામનવમી) થી ચૈત્રી અગિયારસ દરમ્યાન દ્વારકાધીશજી તેમજ તેમના મુખ્ય પટ્ટરાણી રૂૂકિમણીજીનો ભવ્ય લગ્નોત્સવ ભકિતભાવ સાથે ધામધૂમપૂર્વક ઊજવવામાં આવે છે. આ વર્ષે પણ ભગવાન દ્વારકાધીશના મુખ્ય પટ્ટરાણી રાજરાજેશ્વરી શ્રી રૂૂકિમણીજીના વિવાહ મહોત્સવ આવતીકાલ તા. 28 તથા 29 માર્ચ દરમ્યાન વિધિ-વિધાનપૂર્વક ભકિતમય વાતાવરણમાં ઊજવવામાં આવનાર છે.
ધાર્મિક રીતરસમ સાથે તા. 29 મી એ રવિવારે રૂૂકિમણી મંદિરના પટાંગણમાં દ્વારકાધીશ રૂૂકિમણીજીનો લગ્નોત્સવ યોજાશે. કાર્યક્રમની પ્રાપ્ત વિગતો અનુસાર સાંજીના ગીત યોજાયા બાદ ચૈત્ર સુદ દસમ તા.28 મી માર્ચને શનિવારના રોજ રૂૂકિમણી માતાજીના મંદિરે સવારે 9 થી 12 વાગ્યા સુધી અગીયારી, મંડપમુહુર્ત તથા છપ્પનભોગ મનોરથ દર્શન યોજાશે. ત્યારબાદ સાંજે 7 થી 9 સુધી શ્રી દ્વારકાધીશના જગતમંદિરેથી રૂૂકિમણી માતાજીનો વરઘોડો નીકળશે. જે શહેરના વિવિધ રાજમાર્ગો પરથી ફરીને ભદ્રકાલી ચોક પાસે સમાપન થશે.
આ ઉપરાંત રવિવાર તા. 29 માર્ચના રોજ સવારે 8 થી 10 વાગ્યા સુધી દ્વારકાધીશ જગતમદિરે તથા રૂૂકિમણીજી મંદિરે ધ્વજારોહણ યોજાશે તેમજ સાંજે 7 થી 9 સુધી રૂૂકમિણી વિવાહ વિધિવિધાન અનુસાર રૂૂકિમણી મંદિરના પટાંગણમાં થશે તેમજ રાત્રે 8.30 કલાકથી 10 વાગ્યા સુધી મહાપ્રસાદ (જાનનું જમણવાર) ગુગ્ગુળી બ્રાહ્મપુરી નં.1 ખાતે રાખેલ છે. સમગ્ર રૂૂકિમણી વિવાહ ઉત્સવના મુખ્ય યજમાન અમદાવાદના ચિરાગભાઈ પટેલ તથા પ્રતિક હેમંતભાઈ ભાયાણી પરિવાર છે.
યાત્રાધામ દ્વારકામાં ભગવાન દ્વારકાધીશના મુખ્ય પટ્ટરાણી રૂૂકિમીણીજી સંગ દ્વારકાધીશ ના લગ્નની ઉજવણી દર વર્ષે પારંપરિક રીતે ધામધૂમપૂર્વક થાય છે. પૌરાણિક કથા મુજબ ચૈત્ર સુદ અગિયારસના શુભદિને ભગવાન શ્રીકૃષ્ણે શ્રી રૂૂકિમણીજી સાથે વિવાહ કર્યા હતાં. ત્યારથી આ શુભ દિને દ્વારકાના રૂૂકિમણી મંદિર ખાતે ભગવાન શ્રી દ્વારકાધીશ તેમજ માતા રૂૂકિમણીના વિવાહ ઉત્સવ ઊજવવામાં આવે છે.
રૂૂકિમણી માતજીના વારાદાર પૂજારી અરૂૂણભાઈ દવેની યાદીમાં તા. 28 તથા 29 માર્ચ દરમ્યાન દ્વારકાના રાજા એવા ભગવાનશ્રી દ્વારકાધીશ નો ભવ્યાતિભવ્ય વિવાહ ઉત્સવ ઉજવવાનું જણાવી ગામલોકોને ભગવાન માતાજીના લગ્નોત્સવમાં સમ્મિલીત થવા તથા પ્રભુ પ્રસાદી લેવા રૂૂકમિણી મંદિરના પૂજારી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
