કોંગ્રેસનાં નેતા અને લોકસભાનાં વિપક્ષી નેતા રાહુલ ગાંધી ગુજરાતની બે દિવસની મુલાકાતે આવી પહોંચ્યા છે. સવારે અમદાવાદ એરપોર્ટ ઉપર ગુજરાત કોંગ્રેસનાં પ્રમુખ શકિતસિંહ ગોહિલ, વિધાનસભાનાં વિપક્ષી નેતા અમિત ચાવડા સહિતનાં નેતાઓએ તેમનુ સ્વાગત કર્યુ હતુ . એરપોર્ટથી રાહુલ ગાંધી સીધા ગુજરાત કોંગ્રેસનાં કાર્યાલયે પહોંચ્યા હતા અને ત્યા સીધા જ મીટીંગોમા વ્યસ્ત બની ગયા હતા. જયારે આવતીકાલે સવારે રાજપથ કલબ ખાતે કાર્યકર સંમેલનને સંબોધન કરશે. આજે બેઠકોની શરૂઆતમા તેમણે પોલિટિકસ અફેર્સ કમિટિની બેઠક યોજી હતી અને વિવિધ સેલનાં હોદેદારો સાથે સંવાદ કર્યો હતો.
જયારે બપોરે લંચ બ્રેક બાદ બપોરે બે વાગ્યે રાહુલ ગાંધીએ રાજયનાં 44 શહેર-જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખો સાથે બેઠક યોજી જિલ્લાવાઇઝ સંગઠનની ચર્ચા કરી હતી અને જણાવ્યુ હતુ કે જે લોકો પાર્ટી છોડી ગયા તે નબળા હતા હવે મજબૂત સૈનિકો જ પાર્ટીમા વધ્યા છે . આ સૈનિકોએ કુશાસન સામે લડવાનુ છે અને દેશનાં બંધારણની રક્ષા કરવાની છે. આ માટે જે સંઘર્ષ કરવો પડે તેના માટે તૈયાર રહેવા હાકલ કરી હતી.
રાહુલ ગાંધી સવારથી લઈ સાંજ સુધીમાં 500 જેટલા કોંગ્રેસીઓને મળશે. જેમાં તેમની સાથે ગ્રાઉન્ડ કનેક્ટથી લઈ હાલના રાજ્યના તથા પાર્ટીના આંતરિક પ્રશ્નો અંગે માહિતી મેળવશે. આમ પહેલીવાર કોંગ્રેસના કોઈ રાષ્ટ્રીય નેતા આખો દિવસ રાજીવ ગાંધી ભવનમાં જ બેસશે. ઉલ્લેખનીય છે કે, સાંજે 5 વાગ્યા બાદ નક્કી કરેલા હોદ્દેદારો અને વ્યક્તિઓ સાથે અલગથી બેઠક કરશે.
ત્રણ બેઠકમાં ભાજપ સામે લડવા ભાવિ રણનીતિ પર ચર્ચા પ્રથમ બેઠક વિધાનસભામાં વિપક્ષના નેતા તથા પૂર્વ પ્રદેશ પ્રમુખ સાથે બેઠક કરી હતી. બેઠકમાં અનેક સૂચનોની આપ લે થઈ હતી. ત્યાર બાદ ત્યારબાદ પોલિટિકલ અફેર્સ કમિટી બેઠક યોજી હતી. જેમાં કોંગ્રેસ સમિતિના ઈન્ચાર્જ પ્રભારી વાસનિક, પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ, વિધાનસભામાં વિપક્ષના નેતા અમિત ચાવડા તથા અઈંઈઈના સંગઠન સચિવ કે.સી.વેણુગોપાલ હાજર રહ્યા હતા. બેઠક દરમિયાન ખુલ્લા મને વાતચીત કરવામાં આવી હતી. ત્યાર બાદ કોંગ્રેસના માલધારી સેલ, મીડિયા સેલ સહિત 18 સેલના ચેરમેનો સાથે બેઠક થઈ હતી. જેમાં શું શું કામગીરી થઈ શકે, ક્યા ક્યા કાર્યક્રમ કરી શકાય અને ગુજરાતના નાગરિકોને કેવી રીતે ન્યાય અપાવી શકાય તે માટે ચર્ચા કરવામાં આવી હતી. આમ ત્રણ બેઠક પૂર્ણ થઈ ગઈ છે.
આ ત્રણ બેઠકમાં વિવિધ સૂચનો આવ્યા છે. જેમાં ચૂંટણી પરિણામોને લઈ મળતી નિષ્ફળતાઓની જવાબદારી નક્કી કરવાનો પણ સૂર ઉઠ્યો છે. રાહુલ ગાંધી બપોર બાદ સંવાદ બેઠક યોજશે. જ્યારે સૌથી મહત્વની અંતિમ બેઠક તાલુકા અને નગરપાલિકા કક્ષાના પ્રમુખ સાથેની રહેશે. આવતીકાલે સમગ્ર રાજ્યના કાર્યકરો માટે સંવાદ કાર્યક્રમ યોજશે.