ભગવદ્ ગીતાના મૂલ્યોથી તૂટતા સંબંધોને આપે છે નવી દિશા

પતિ-પત્નીથી લઈને બાળકો, યુવાનો અને વૃદ્ધો સુધીના દરેકનું કાઉન્સેલિંગ કરી ખુશીઓ ફેલાવે છે એકતાબેન શાહ એકતાબેન શાહ માને છે કે વર્તમાન સમયમાં સોશિયલ મીડિયા, દેખાદેખી…

પતિ-પત્નીથી લઈને બાળકો, યુવાનો અને વૃદ્ધો સુધીના દરેકનું કાઉન્સેલિંગ કરી ખુશીઓ ફેલાવે છે એકતાબેન શાહ

એકતાબેન શાહ માને છે કે વર્તમાન સમયમાં સોશિયલ મીડિયા, દેખાદેખી અને વ્યસ્ત જીવનશૈલીને કારણે વધે છે માનસિક અને પારિવારિક સમસ્યાઓ

પતિ-પત્ની બંને સરકારી નોકરી કરતા હતાં. એક દીકરો હતો. ઘરમાં સાસુ-સસરા પણ સાથે રહેતા હતાં. નોકરી કરતી વહુ મળવા છતાં રોજિંદા ઘરકામ જેવી નાની-નાની બાબતોમાં ઝઘડા વધવા લાગ્યા. વાતાવરણ એટલું બગડ્યું કે સંબંધ ડિવોર્સ સુધી પહોંચી ગયો. અંતિમ નિર્ણય લેતા પહેલાં બંનેએ એક મહિલા કાઉન્સેલરની મુલાકાત લીધી. વ્યક્તિગત અને ફેમિલી કાઉન્સેલિંગ બાદ ગેરસમજો દૂર થઈ, સંબંધોમાં ફરી ઉષ્મા આવી અને આજે આખો પરિવાર ખુશીથી સાથે રહે છે. થોડા સમય બાદ પતિએ કાઉન્સેલરને સંદેશ મોકલ્યો “તમે અમારા માટે ભગવાન સમાન છો.”

આ માત્ર એક પરિવારની વાત નથી. આવા અનેક પરિવારોના જીવનમાં ફરી ખુશીઓ ભરી રહ્યા છે રાજકોટના એકતાબેન શાહ. તેઓ ભગવદ્ ગીતાના મૂલ્યોના આધારે કાઉન્સેલિંગ કરીને લોકોને જીવનમાં સકારાત્મક દિશા આપે છે.

સુરેન્દ્રનગરમાં ઉછરેલા અને અભ્યાસ કરેલા એકતાબેને ગ્રેજ્યુએશન બાદ લગ્ન કર્યા. ત્યારબાદ ફૂડ એન્ડ ન્યુટ્રિશનમાં એમ.એસસી. પૂર્ણ કર્યું. દીકરા-દીકરી મોટા થતાં સમાજ માટે કંઈક કરવાની ભાવનાથી સેવાકીય પ્રવૃત્તિઓ શરૂૂ કરી. જન્મદિવસ અને લગ્નતિથિની ઉજવણી પ્રસંગે જરૂૂરિયાતમંદોને ભોજન, કપડાં અને અન્ય મદદ પહોંચાડતા. લોકોના ચહેરા પરનું સ્મિત જ તેમની સાચી પ્રેરણા બન્યું.

ત્યારબાદ તેઓ રોબિનહૂડ આર્મી સાથે જોડાયા અને ચાર વર્ષ સુધી ’હાઇજીન એન્ડ શી’ પ્રોજેક્ટમાં કાર્ય કર્યું. સગર્ભા મહિલાઓને પોષણ અંગે માર્ગદર્શન, સેનેટરી પેડ વિતરણ, સ્વચ્છતા અંગે જાગૃતિ અને ઝૂંપડપટ્ટીમાં આરોગ્યલક્ષી અભિયાન ચલાવ્યાં. પ્લે-હાઉસમાં જઈને વાલીઓને બાળકો માટે પૌષ્ટિક નાસ્તો તૈયાર કરવાની સમજ આપે છે તેમજ ફણગાવેલા કઠોળ, મગ, ચિલ્લા જેવા આરોગ્યપ્રદ વિકલ્પો વિશે માર્ગદર્શન આપે છે.
સફાઈ કર્મચારીઓનું સન્માન કરવાનો તેમનો નવતર પ્રયાસ પણ ખૂબ વખાણાયો અને તેમને એ માટે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા.

હાલ તેઓ સેવાકીય પ્રવૃત્તિઓની સાથે કાઉન્સેલિંગ ક્ષેત્રે પણ મહત્વપૂર્ણ કામગીરી કરી રહ્યા છે. આજના સમયમાં સોશિયલ મીડિયા, દેખાદેખી અને વ્યસ્ત જીવનશૈલીને કારણે વધતી માનસિક અને પારિવારિક સમસ્યાઓ વચ્ચે તેઓ લોકોની વાત ધીરજથી સાંભળે છે અને જીવનમાં અમલ કરી શકાય એવું માર્ગદર્શન આપે છે.

તેઓ જણાવે છે કે આજનો માણસ સૌથી વધુ એકલતા અનુભવે છે. પરિવાર વચ્ચે રહીને પણ લાગણીઓ વ્યક્ત કરવા માટે કોઈ મળતું નથી. તેથી ઘણા લોકો પાલતું પ્રાણીઓ સાથે ભાવનાત્મક જોડાણ અનુભવે છે. બીજી તરફ બાળકોના ટિફિનમાં વધતું જંક ફૂડ પણ ચિંતાજનક છે. માતા-પિતાએ બાળકોને પૌષ્ટિક આહાર આપવો જોઈએ અને મોબાઇલ કરતાં પરિવાર સાથે વધુ સમય પસાર કરવો જોઈએ.

એકતાબેન પાસે સૌથી વધુ પતિ-પત્નીના કિસ્સા આવે છે. ઉપરાંત બાળકો અને યુવાનોમાં ડિપ્રેશન, એન્ઝાયટી તેમજ મહિલાઓમાં મેનોપોઝ અને સ્વાસ્થ્ય સંબંધિત પ્રશ્નો અંગે પણ તેઓ માર્ગદર્શન આપે છે. અમદાવાદ, રાજકોટ, સુરેન્દ્રનગર ઉપરાંત જર્મની, ઓસ્ટ્રેલિયા અને કેનેડા જેવા દેશોમાંથી પણ લોકો ઓનલાઈન કાઉન્સેલિંગ માટે સંપર્ક કરે છે.

લોકોની સમસ્યાઓ સાંભળ્યા પછી પણ તેમની નકારાત્મક અસર પોતાના મન પર થવા દેતા નથી. તેનું રહસ્ય જણાવતાં તેઓ કહે છે, “હું દરરોજ સવારે સાડા ત્રણ વાગ્યે ઊઠીને ધ્યાન અને મંત્રજાપ કરું છું. કોસ્મિક એનર્જીનો પાવર મારામાં ભરું છું.ભગવાન શ્રીકૃષ્ણ અને ભગવાન શિવ પ્રત્યેની અડગ શ્રદ્ધા તથા ભગવદ્ ગીતાના સિદ્ધાંતો મને આંતરિક શક્તિ આપે છે.”

તેઓ કોઈને માર્ગદર્શન આપતી વખતે સંબંધોનું મૂલ્ય સમજાવે છે અને નિર્ણયના લાંબા ગાળાના પરિણામો વિશે વિચારવા પ્રેરિત કરે છે. છેલ્લા પંદર વર્ષથી સેવાકીય પ્રવૃત્તિમાં કાર્યરત એકતાબેનને તેમના પતિનો પણ સતત સહયોગ મળ્યો છે.તેમનું જીવનધ્યેય છે સમાજમાં સકારાત્મકતા ફેલાવવી, વધુમાં વધુ લોકોના જીવનમાં ખુશીઓ લાવવી અને માણસ-માણસ વચ્ચેનું આત્મીય જોડાણ મજબૂત બનાવવું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *