સુરત શહેરમાં અસામાજિક તત્વો દ્વારા ફરી એકવાર ભયનો માહોલ ઉભો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. શહેરના વ્યસ્ત ગણાતા નાનપુરા વિસ્તારમાં આવેલી મુખ્ય પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. અજાણ્યા શખ્સ દ્વારા ઈમેલ મારફતે આ ધમકી આપવામાં આવતા સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડ પર આવી ગઈ છે.આજે બપોરે નાનપુરા પોસ્ટ ઓફિસના સત્તાધીશોને એક રહસ્યમય ઈમેલ મળ્યો હતો.
જેમાં પોસ્ટ ઓફિસ બિલ્ડિંગમાં બોમ્બ મૂક્યો હોવાનું અને તેને ગમે ત્યારે ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. આ ગંભીર ધમકી મળતાની સાથે જ પોસ્ટ ઓફિસના કર્મચારીઓ અને અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. સમગ્ર પોસ્ટ ઓફિસ બિલ્ડિંગને ખાલી કરાવી દેવામાં આવી હતી અને તમામ કર્મચારીઓ તેમજ ગ્રાહકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.ધમકીની જાણ થતા જ અઠવા પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.
પરિસ્થિતિની ગંભીરતાને જોતા સુરત શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર પહોંચ્યા હતા.
તકેદારીના ભાગરૂૂપે બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (ઇઉજ) અને ડોગ સ્ક્વોડને પણ તાત્કાલિક બોલાવી લેવામાં આવી હતી. પોલીસની ટીમે બિલ્ડિંગના ખૂણે-ખૂણે તપાસ શરૂૂ કરી છે. શંકાસ્પદ વસ્તુઓ શોધવા માટે ડોગ સ્ક્વોડની મદદ લેવામાં આવી રહી છે. હાલ સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને પોલીસ દ્વારા સઘન સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીની પ્રાથમિક તપાસમાં પોલીસને બિલ્ડિંગમાંથી કોઈ પણ પ્રકારની વાંધાજનક કે શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી. જોકે, પોલીસ કોઈ પણ પ્રકારનું જોખમ લેવા તૈયાર નથી. સમગ્ર બિલ્ડિંગની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે, જેથી કરીને કોઈ પણ અનિચ્છનીય ઘટનાને ટાળી શકાય. સાવચેતીના ભાગરૂૂપે અત્યારે પણ પોલીસનો કાફલો સ્થળ પર તૈનાત છે.
