કચ્છમાં દુષ્કાળના બિહામણા ડાકલા, માલધારીઓની હિજરત

ગુજરાતમાં ઓછા વરસાદના કારણે સર્જાયેલી ઘાસચારા અને પાણીની અછતની ગંભીર અસર હવે પશુપાલન પર નિર્ભર પરિવારો પર જોવા મળી રહી છે. કચ્છના લખપત અને અબડાસા…

ગુજરાતમાં ઓછા વરસાદના કારણે સર્જાયેલી ઘાસચારા અને પાણીની અછતની ગંભીર અસર હવે પશુપાલન પર નિર્ભર પરિવારો પર જોવા મળી રહી છે. કચ્છના લખપત અને અબડાસા તાલુકામાં ઘાસચારાની ભારે અછત સર્જાતાં 100થી વધુ માલધારી પરિવારો પોતાના 800થી વધુ પશુઓ સાથે વતન છોડીને હિજરત કરવા મજબૂર બન્યા છે. આ પરિવારો પગપાળા સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના માલવણ ગામે પહોંચ્યા છે અને હાઇવે નજીક ખુલ્લી જગ્યામાં તંબુ બાંધીને વસવાટ કરી રહ્યા છે. દિવાળીના તહેવાર દરમિયાન લોકો પરિવાર સાથે ખુશીઓ મનાવી રહ્યા છે, ત્યારે પશુધનનો નિભાવ કરવા કચ્છના માલધારીઓને ઘરબાર છોડવાની નોબત આવી છે. દિવ્ય ભાસ્કરની ટીમે માલવણ ગામે પહોંચીને આ પરિવારોની પરિસ્થિતિ જાણી હતી. જેમાં માલધારીઓએ બાળકોના શિક્ષણથી લઈને મહિલાઓની મુશ્કેલીઓ અને પશુઓના નિભાવ સુધીની અનેક વેદનાઓ વ્યક્ત કરી હતી.

માલવણ ગામે ખુલ્લામાં તંબુ બાંધીને રહેતા કચ્છના માલધારી પરિવારોની મુશ્કેલીઓ વધી છે. હિજરતના કારણે બાળકોનું શિક્ષણ છૂટી ગયું છે, જ્યારે તંબુમાં વીજળી અને પંખાની સુવિધા ન હોવાથી મહિલાઓને રાત્રે અંધારામાં તથા બપોરના આકરા તડકામાં રસોઈ બનાવવાની ફરજ પડી રહી છે. કચ્છમાં મચ્છરોનો ઉપદ્રવ ઓછો હોવાથી ત્યાંના વાતાવરણમાં ટેવાયેલા બાળકોને માલવણમાં માળિયા બ્રાન્ચ કેનાલના કારણે વધેલા મચ્છરોનો ત્રાસ સહન કરવો પડી રહ્યો છે. મચ્છરોના કારણે બાળકો રાત્રે ઊંઘી શકતાં નથી અને પરિવારના કેટલાક સભ્યો બીમાર પણ પડ્યા હોવાની મહિલાઓએ ફરિયાદ કરી છે. બીજી તરફ, સપ્ટેમ્બર મહિનામાં વરસાદના કારણે તંબુઓની આસપાસ પાણી ભરાતાં પરિવારોએ નજીકની હોટલના પાર્કિંગમાં આશરો લેવો પડ્યો હતો. કેનાલમાંથી પાણી મળી રહેતું હોવા છતાં પાણી ભરવા જતી વખતે લપસી પડવાનો ભય પણ મહિલાઓને સતાવી રહ્યો છે.

કચ્છના લખપત તાલુકામાં આ વર્ષે ચોમાસા દરમિયાન પૂરતો વરસાદ ન પડતાં ઘાસચારા અને પાણીની ગંભીર અછત સર્જાઈ છે. ખાસ કરીને બેખડા, મિંઢિયારી સહિતનાં ગામોમાં પશુધનનો નિભાવ કરવો મુશ્કેલ બન્યો છે. માલધારીઓના જણાવ્યા મુજબ, શરૂૂઆતના વરસાદના અભાવે ત્રણ મહિના સુધી ઘેટાં-બકરાંને આડાઅવળાં ચરાવીને જેમતેમ નિભાવ કર્યો હતો. પરંતુ હવે આસપાસના વિસ્તારોમાં પણ પૂરતો ચારો મળતો ન હોવાથી હિજરત કરવી પડી છે. કેટલાક માલધારીઓએ ઓગસ્ટ મહિનાથી જ પશુધન સાથે વતન છોડવાનું શરૂૂ કર્યું હતું. દરરોજ સાતથી આઠ જેટલી ગાડીઓમાં પશુઓ ભરીને માલધારીઓ ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓમાં આશરો શોધવા નીકળી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *