ઉદ્યોગ માંધાતાઓ-રાજદ્વારીઓના ક્ધફોર્મેશન આવવા લાગ્યા, આંતરરાષ્ટ્રીય કક્ષાની સમિટ જેવું જ આયોજન
ગાંધીનગરથી 100 જેટલા અનુભવી ઉચ્ચ અધિકારીઓને 10મીએ રાજકોટ પહોંચી જવા આદેશ, એસપીજીએ સ્થળનો કબજો સંભાળ્યો
મારવાડી યુનિ.ના પરિસરમાં કુલ 12 ડોમ તૈયાર, 6 હોલમાં એક્ઝિબિશન અને અન્ય છ હોલમાં સેમિનાર, બીટુબી મીટિંગ સહિતના કાર્યક્રમો
રાજકોટમાં આગામી તા.11 જાન્યુઆરીથી યોજાનાર ચાર દિવસની સૌરાષ્ટ્ર-કચ્છ રીજિયોનલ વાઇબ્રન્ટ સમિટની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે અને મહાનુભાવો તથા મહેમાનોના ક્ધફર્મેશન મેળવાઇ રહ્યા છે. ત્યારે આ રીજિયોનલ વાઇબ્રન્ટ સમિટ પણ ગાંધીનગર ખાતે યોજાતી આંતરરાષ્ટ્રીય કક્ષાની વાઇબ્રન્ટ સમિટ જેવી જ બની રહેેશે.આ સમિટ રીજીયોનલ હોવા છતા તેમાં 40 જેટલા દેશોમાંથી ઉદ્યોગકારો-ડેલિગેટસ ઉપરાંત ચાર પાર્ટનર ક્ધટ્રીના રાજદૂતો પણ હાજર રહેનાર છે.
રાજ્યમાં 2003માં વાઇબ્રન્ટ સમિટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. અને 2024 માં ગાંધીનગર ખાતે યોજાયેલ વાઇબ્રન્ટ સમિટની ભવ્ય સફળતા બાદ રાજ્ય સરકાર દ્વારા અલગ અલગ ચાર ઝોનમાં રીજનલ વાઇબ્રન્ટ સમિટનું આયોજન કરવાનું નક્કી કર્યું છે. તેમાં મહેસાણા ખાતે વાઇબ્રન્ટ સમિટ યોજાઈ ગઈ છે જ્યારે હવે આગામી 11 થી 15 તારીખ દરમિયાન રાજકોટની મારવાડી યુનિવર્સિટી ખાતે ’રિજનલ વાઇબ્રન્ટ સમિટ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ગાંધીનગરમાં જે આંતરરાષ્ટ્રીય વાઇબ્રન્ટ સમિતિ યોજાઇ હતી તેવી જ ઓરીજનલ વાઈબ્રેટ સમિટ રાજકોટમાં યોજાવા જઈ રહી છે. આ સમિટમાં ભાગ લેવા માટે વિશ્વના 40થી વધુ દેશોના ઉદ્યોગપતિઓ અને રાજદૂતો રાજકોટના મહેમાન બનશે. તંત્ર દ્વારા આ આયોજનને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે અને આજથી સુરક્ષા એજન્સીઓએ સ્થળનો કબજો સંભાળી લીધો છે.
મારવાડી યુનિવર્સિટીના વિશાળ પરિસરમાં આ સમિટ માટે ખાસ 12 મોટા હોલ (ડોમ) તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં 06 હોલ અત્યાધુનિક ટેકનોલોજી અને ઉદ્યોગોના પ્રદર્શન માટે ’એક્ઝિબિશન’ માટે ફાળવવામાં આવ્યા છે.અન્ય હોલમાં સેમિનાર, બીટુબી (મીટિંગ્સ અને કોન્ફરન્સ માટે અનામત રાખવામાં આવ્યા છે. આજે સવારે એસપીજી ના ઉચ્ચ અધિકારીઓ રાજકોટ આવી પહોંચ્યા હતા અને મારવાડી યુનિવર્સિટી ખાતે સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી કરી સ્થળનો કબજો સંભાળી લીધો હતો. માર્કેટિંગ યાર્ડ ખાતે 3 નવા હેલીપેડ તૈયાર કરી દેવામાં આવ્યા છે.
આ રિજનલ સમિટમાં યુક્રેન, જાપાન, સાઉથ કોરિયા અને રવાન્ડા જેવા દેશો ’પાર્ટનર ક્ધટ્રી’ તરીકે જોડાયા રહ્યા છે. આ દેશોના રાજદૂતોની સાથે 40થી વધુ દેશોના ટ્રેડ ઓર્ગેનાઈઝેશન અને અગ્રણી ઉદ્યોગપતિઓ વાઇબ્રન્ટ સમિટમાં ભાગ લેશે.
11 અને 12 તારીખે રાજકોટનું નવું હીરાસર એરપોર્ટ દેશ-વિદેશના મહેમાનોથી ગુંજી ઉઠશે. અંદાજે 50 જેટલી ચાર્ટર્ડ ફ્લાઈટ્સ બે દિવસ દરમિયાન લેન્ડ થાય તેવી શક્યતા છે. વડાપ્રધાનની સંભવિત મુલાકાતને પગલે આજે બપોરે એરપોર્ટ ઓથોરિટી, પોલીસ અને એસપીજીના અધિકારીઓ વચ્ચે હીરાસર એરપોર્ટ ખાતે હાઈ-લેવલ બેઠક યોજાઈ હતી, જેમાં સુરક્ષાના પ્રોટોકોલ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
સમિટના સફળ સંચાલન માટે રાજ્ય સરકાર દ્વારા ગાંધીનગરથી સચિવ, કલેકટર અને એડિશનલ કલેકટર કક્ષાના 100 જેટલા અનુભવી અધિકારીઓને રાજકોટ પહોંચવા આદેશ અપાયા છે. આ અધિકારીઓ 10 તારીખ સુધીમાં રાજકોટ આવી જશે અને તેમને પ્રોટોકોલ, ગેસ્ટ મેનેજમેન્ટ અને વિવિધ ઇવેન્ટ્સની જવાબદારી સોંપવામાં આવશે. આ સમિટ માત્ર ઉદ્યોગ પૂરતી સીમિત નહીં રહે, પરંતુ રાજકીય રીતે પણ મહત્વની બની રહેશે. ગુજરાત રાજ્યના તમામ મંત્રીઓ, ભાજપના દિગ્ગજ નેતાઓ અને કેન્દ્રીય મંત્રીઓ આ પાંચ દિવસીય કાર્યક્રમમાં હાજરી આપી સૌરાષ્ટ્રના વિકાસને નવી ગતિ આપશે.
ચીફ સેક્રેટરીથી માંડી તમામ સચિવો, આખું પ્રધાન મંડળ રાજકોટમાં ધામા નાખશે
રાજકોટમાં યોજાનાર રીજીયોનલ વાઇબ્રન્ટ સમિટ માટે 100 જેટલા આઇ.એ.એસ. અને એડિશનલ કલેક્ટર ક્ક્ષાના અનુભવી અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે અને આ અધિકારીઓને તા.10મીએ સવારે રાજકોટમાં હાજર થશે તેમને સોંપાયેલ સંકલનની જવાબદારી સંભાળીલેવાની સુચના આપવામાં આવી છે.
રીજીયોનલ વાઇબ્રન્ટ સમિટના પગલે ચીફ સેક્રેટરી તમામ વિભાગના સચિવો, નાયબ સચિવો, એડિશનલ સેક્રેટરી સહિતના ટોચના અધિકારીઓ, વિવિધ વિભાગના વડાઓ તેમજ મુખ્યમંત્રી સહિત આખુ પ્રધાન મંડળ પણ તા.10મી જાન્યુઆરીના રોજ સાંજથી જ રાજકોટમાં પડવા નાખનાર છે.
