કેસર કેરીના ગઢ ગણાતા ગીર સોમનાથમાં માવઠું પડતા ખેડૂતો પાયમાલ; ઘઉં, ચણા અને જીરાના પાકને ભારે નુકસાનની ભીતિ
ગીર સોમનાથ જિલ્લાના વાતાવરણમાં આજે સાંજે અચાનક પલટો આવતા ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે. ફેબ્રુઆરી મહિનામાં જાણે અષાઢી માહોલ જામ્યો હોય તેમ કોડીનાર અને સુત્રાપાડા તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર કમોસમી વરસાદ ખાબક્યો હતો. આ માવઠાને કારણે ખેતરોમાં લહેરાતો ઘઉંનો ઊભો પાક જમીનદોસ્ત થઈ ગયો છે, જેનાથી જગતનો તાત ચિંતાતુર બન્યો છે.
સાંજના સમયે અચાનક આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતું અને પવન સાથે વરસાદી ઝાપટાં શરૂૂ થયા હતા. કોડીનાર તાલુકાના સિંધાજ, ફાચરિયા, અરણેજ, આણંદપુર, ઘાંટવડ, ગીરદેવળી, નવાગામ અને પેઢાવાડા તો સુત્રાપાડા તાલુકાના મોરડીયા, પ્રાસલી સહિતના આસપાસના સીમ વિસ્તારો અનેક વિસ્તારોમાં માત્ર ઝાપટાં પડ્યા હતા, તો અમુક ગામોમાં વધુ વરસાદ વરસી જતાં માર્ગો પર અને ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા.
આ કમોસમી વરસાદ જાણે ખેડૂતો માટે આફત બનીને આવ્યો છે. અત્યારે રવિ પાક તૈયાર થવાની તૈયારીમાં છે ત્યારે જ મેઘરાજાએ દસ્તક દેતા અનેક ગામોમાં જોરદાર પવન અને વરસાદને કારણે તૈયાર થયેલો ઘઉંનો ઊભો પાક ઢળી પડ્યો છે. પાક જમીનદોસ્ત થવાથી હવે દાણા કાળા પડવાની અને ઉત્પાદન ઘટવાની ભીતિ છે.
ગીરની શાન ગણાતી કેસર કેરીમાં અત્યારે આંબા પર મોર (ફૂલ) આવ્યા છે. વરસાદી છાંટા અને વાદળછાયા વાતાવરણને કારણે આ મોર ખરી પડવાની અને તેમાં જીવાત પડવાની શક્યતા વધી ગઈ છે, જે કેરીના રસિયાઓ માટે પણ ચિંતાનો વિષય છે.
ખુલ્લા ખેતરોમાં રાખેલું ઘાસચારો અને તૈયાર થયેલા શાકભાજીના પાકને પણ આ માવઠાએ લપેટમાં લીધા છે. સ્થાનિક ખેડૂતોના જણાવ્યા મુજબ, “મોંઘા ભાવના બિયારણ અને ખાતર નાખીને રાત-દિવસ એક કરી પાક ઉછેર્યો હતો. હવે જ્યારે લણણીનો સમય નજીક છે, ત્યારે જ કુદરતે રૂૂઠતા અમારો આર્થિક કોળિયો છીનવાઈ રહ્યો છે.” ત્યારે હવે કુદરત વધું કેવી પરીક્ષા કરશે તે જોવું રહ્યું
