65 યુવાનોએ ઉઘાડા પગે પ્રભુજીનો રથ ખેંચ્યો, વેશભૂષામાં બાળકો, કળશધારી બહેનો અને વિન્ટેજ કારોના કાફલાનું અનેરું આકર્ષણ
ધાર્મિક ફ્લોટ્સ સાથે 108થી વધુ વાહનો જોડાયા, ધર્મયાત્રાનું ઠેર ઠેર સ્વાગત, ધર્મસભામાં વિશાળ સંખ્યામાં જૈન સમાજની હાજરી
રાજકોટમાં આજે ભગવાન મહાવીર સ્વામીનાં 2623માં જન્મ કલ્યાણક મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મણીયાર દેરાસર ખાતેથી સવારે વિન્ટેજ કાર સાથેની ભવ્ય ધર્મયાત્રા નીકળી હતી. જેમાં કુલ 65 જેટલા યુવાનોએ ઉઘાડા પગે ચાલીને પ્રભુજીનો રથ ખેંચ્યો હતો. આ ધર્મયાત્રામાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા. ઠેર-ઠેર ધર્મયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતું. આ તકે ખાસ પ્રભુજીના પારણાનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું.
રાજકોટમાં સમસ્ત જૈન સમાજ દ્વારા આજે ભગવાન મહાવીર સ્વામી જન્મ કલ્યાણક મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. પ્રભુજીના દિવ્ય પારણાના ઉદ્ઘાટન સાથે કાર્યક્રમનો પ્રારંભ કરાયો હતો. બાદમાં સવારે 7.30 કલાકે બાળકો માટે વેશભૂષા અને 8 વાગ્યે ધર્મયાત્રા યોજવામાં આવી હતી. વિન્ટેજ કારો આ ધર્મયાત્રામાં આકર્ષણનું કેન્દ્ર બની હતી. ધર્મયાત્રામાં કુલ 108થી વધુ સુશોભીત કાર અને આકર્ષક ફ્લોટ જોડાયા હતાં. આ ધર્મયાત્રાનો પ્રારંભ મણીયાર દેરાસરથી કરવામાં આવ્યો છે. હવે આ યાત્રા શ્રોફ રોડ, મોટી ટાંકી ચોક, લીમડા ચોક, જવાહર રોડ, ત્રિકોણબાગ, બાપુના બાવલા, ભૂપેન્દ્ર રોડ, મુળવંતભાઈ દોમડિયા ચોક, ડુંગરસિંહજી મ.સા. ચોકમાં ફરી વિરાણી પૌષધ શાળા ખાતે પૂર્ણ થશે. ત્યાર બાદ ધર્મસભા તેમજ મહાપ્રસાદ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 7000 કરતા વધુ જૈન સમાજના લોકો જોડાયા હતા.
ધર્મયાત્રા અંતર્ગત 14 જેટલી અલગ અલગ કમિટીઓ બનાવવામાં આવી હતી. શોભાયાત્રા દરમિયાન ઠેર-ઠેર તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમાં નવપદની રચના કરતા સ્ટેજ રાખવામાં આવ્યા હતા. અંદાજિત 108 બાળકોએ નવપદની રચનામાં ભાગ લીધો હતો. ગઈકાલે આ મહોત્સવ અંતર્ગત બાળકો માટે ચિત્ર અને રંગોળી સ્પર્ધા રાખવામાં આવી હતી. જેને નિહાળવા માટે આકાશવાણી પાસે આવેલ શ્રીમદ્દ રાજચંદ્ર જ્ઞાન મંદિર ટ્રસ્ટ ખાતે આજે સવારે 8થી રાત્રે 10 સુધી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ધર્મયાત્રા દરમિયાન પણ પાણી, શરબતની પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું.
રાજકોટ ચેમ્બર દ્વારા મહાવીર સ્વામીની શોભાયાત્રાનું સ્વાગત
રાજકોટ ખાતે ભગવાન મહાવીરની જન્મ જયંતીની રંગે ચંગે ઉજવણી ક2વામાં આવેલ. આ તકે શહેરમાં વિશાળ શોભાયાત્રા યોજાયેલ હતી. જેમાં શ્રધ્ધાળુઓ, મુની ભગવંતો, શ્રાવકો હર્ષ-ઉલ્લાસથી જોડાયેલ. આ પ્રસંગે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના મંત્રી નૌતમભાઈ બારસીયા, ટ્રેઝરર વિનોદભાઈ કાછડીયા, કારોબારી સભ્ય નિલેશભાઈ ભલાણી, રાજેશભાઈ જુંજા, સત્યેનભાઈ પટેલ દ્વારા ભગવાન મહાવીરની યોજાયેલ વિશાળ શોભાયાત્રાનું ઉત્સાહ પુર્વક હર વર્ષની જેમ અભિવાદન ક2વામાં આવેલ. તેમ રાજકોટ ચેમ્બ2ની અખબારી યાદીમાં જણાવેલ છે.
