હર્ષદમાં થયેલા શિવલિંગ ચોરી પ્રકરણનો ભેદ ઉકેલાયો: હિંમતનગરના 11 આરોપીઓ ઝબ્બે

યુવતીને આવેલા સપના સંદર્ભે ચાર શખ્સોએ કરી હતી શિવલિંગની ચોરી! ; બે દિવસ રેકી કરીને શિવલિંગની ચોરીને આપ્યો હતો અંજામ દેવભૂમિ દ્વારકા જિલ્લાના હર્ષદ (ગાંધવી)…

યુવતીને આવેલા સપના સંદર્ભે ચાર શખ્સોએ કરી હતી શિવલિંગની ચોરી! ; બે દિવસ રેકી કરીને શિવલિંગની ચોરીને આપ્યો હતો અંજામ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના હર્ષદ (ગાંધવી) વિસ્તારમાં આવેલા એક પ્રાચીન અને પ્રખ્યાત શિવ મંદિરમાં આજથી આશરે ત્રણ દિવસ પૂર્વે કોઈ શખ્સોએ પ્રવેશ કરી, અહીં સ્થાપિત શિવલિંગની ચોરી કરીને લઈ ગયાનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો. આ પ્રકરણ સંદર્ભે જિલ્લા પોલીસની ટીમે કરેલી તપાસના અંતે આશ્ચર્યજનક વણાંક જોવા મળ્યો હતો. હિંમતનગર તરફની રહીશ એક યુવતીને આવેલા સ્વપ્ન સંદર્ભે મહિલાઓ સહિત કેટલાક શખ્સોએ રેકી કરી, અને શિવલિંગ ચોરી કરીને પોતાના ઘરે સ્થાપિત કર્યાનું ખુલવા પામ્યું છે. આ પ્રકરણમાં પોલીસે બે મોટરકાર સહિતના મુદ્દામાલ સાથે 3 મહિલાઓ અને 8 પુરુષોને ઝડપી લીધા છે.

આ સમગ્ર પ્રકરણની જાહેર થયેલી સિલસિલા બંધ વિગત એવી છે કે સાબરકાંઠા જિલ્લાના રહીશ રમેશસિંહ આલુસિંહ મકવાણાના પત્ની અને ભત્રીજીને અવારનવાર રાત્રિના સમયે એક સપનું આવ્યું હતું. જેમાં દ્વારકા જિલ્લાના હરસિધ્ધિ મંદિર પાસેના દરિયા કિનારે સ્થિત ભીડભંજન મહાદેવના મંદિરનું શિવલિંગ પોતાના ઘરે લાવીને જો સ્થાપન કરવામાં આવશે તો ખૂબ જ પ્રગતિ અને ફાયદો થશે. આને અનુલક્ષીને તેમના જુદા જુદા પરિવારજનોએ હર્ષદ ખાતે આવેલા ભીડભંજનેશ્વર મહાદેવના મંદિરે સ્થિત શિવલિંગ ચોરવાનું કાવતરું રચ્યું હતું.

જુદા જુદા બે વાહનોમાં અહીં આવીને આ તમામ શખ્સો હર્ષદ ખાતે રોકાયા હતા. થોડા દિવસો તેઓએ અહીં રોકાઈને રેકી કરી હતી. બુધવારે શિવરાત્રીના એક દિવસ પૂર્વે હર્ષદના દરિયા કિનારે સ્થિત ભીડભંજનેશ્વર મહાદેવના મંદિરે સ્થાપિત શિવલિંગ તેઓ પોતાના વતન હિંમતનગર (સાબરકાંઠા) ખાતે લઈ ગયા હતા અને અહીંથી ચોરેલા શિવલિંગની પોતાના ઘરે સ્થાપના કરી દીધી હતી.

આમ, ગત તારીખ 25 ફેબ્રુઆરીના રોજ શિવલિંગની થયેલી ચોરી કે જે સમગ્ર જિલ્લામાં ભારે ચર્ચાસ્પદ બની ગઈ હતી. જે પડકારરૂૂપ બનાવ સંદર્ભે જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા આ બનાવની ગંભીરતા પારખી અને ડીવાયએસપી, એલસીબી અને એસ.ઓ.જી.ના તમામ ચુનંદા અધિકારીઓની ટીમ સાથે પસીટથની રચના કરવામાં આવી હતી. આ પ્રકરણમાં પોલીસ સમક્ષ જુદા જુદા પડકારો હતા. જેમાં હર્ષદ ગામે આવેલું ઉપરોક્ત શિવ મંદિર માનવ વસ્તીથી દુર અને સમુદ્ર કિનારે આવેલું હતું. દિવસ દરમિયાન અહીં યાત્રિકોની અવર-જવર ચાલુ રહેતી. પરંતુ રાત્રિના સમયે અહીં કોઈપણ વ્યક્તિની આવન જાવન રહેતી નહીં. ભૌગોલિક રીતે દ્વારકા અને પોરબંદર જિલ્લાની જોડતા આ સ્થળે કોઈપણ સીસી ટીવી કેમેરા ન હતા. કોઈ વ્યક્તિ નજરે જોઈ શકે અને પોલીસને માહિતી મળી શકે તેવી શક્યતાઓ પણ ન હતી. ઘટના સ્થળ જોતા ઉપરોક્ત બનાવ પોલીસ માટે ઘાસની ગંજીમાંથી સોય જેવા શોધવા જેવું કઠિન બની રહ્યું હતું.

આ પ્રકરણ માં જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિ, અને સાગર રાઠોડ સાથે એલ.સી.બી. પી.આઈ. કે.કે. ગોહિલ, એસ.ઓ.જી. પી.આઈ. પી.સી. સિંગરખીયા અને પી.આઈ. એ.એલ. બારસીયા સાથેના અધિકારીઓની ટીમ દ્વારા કુનેહપૂર્વક વિવિધ પ્રકારના ટેકનિકલ ડેટાઓ એકત્રિત કરી અને વિવિધ પરિસ્થિતિનું એનાલિસિસ કરવામાં આવ્યું હતું. જેમાં એફ.એસ.એલ. તેમજ સ્નીફર ડોગની સ્થળ વિઝીટ કરાવીને તેના ટ્રેક અને આરોપીઓના પગેરાનો આધાર બનાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત બનાવના સ્થળની આજુબાજુની હોટલો, ધર્મશાળા, વાડી, ફાર્મ હાઉસમાં રહેતા લોકોને ચકાસી અને બનાવ પહેલા તથા બનાવ પછીની શંકાસ્પદ ગતિવિધિનો તાગ મેળવ્યો હતો. જ્યારે સૌથી કઠિન મનાતા દ્વારકા-સોમનાથ કોસ્ટલ હાઈવે નજીકના 80 કી.મી.ના હાઈવેના તમામ હોટલો, ટોલનાકાની અવરજવર તેમજ 70 જેટલા સીસી ટીવી કેમેરા ચેક કરી અને પૃથક્કરણ બાદ પોલીસ તંત્રને આરોપીઓનું પગેરૂૂ સાબરકાંઠાના હિંમતનગર વિસ્તારમાં હોવાનું ધ્યાને આવ્યું હતું.

આથી અહીંના પોલીસ અધિકારીઓની ટીમે તાકીદે ઉપરોક્ત સ્થળે દોડી જઈ અને સ્થાનિક એલ.સી.બી. પી.આઈ. કરંગીયા તથા સ્ટાફને સાથે રાખી આ પ્રકરણમાં મહેન્દ્રસિંહ ઉર્ફે રમેશ કરણસિંહ મકવાણા (ઉ.વ. 35), જગતસિંહ ઉમેદસિંહ મકવાણા (ઉ.વ. 55), મનોજસિંહ અમરતસિંહ મકવાણા (ઉ.વ. 19), વનરાજસિંહ સમરતસિંહ મકવાણા (ઉ.વ. 40), રમેશસિંહ આલુસિંહ મકવાણા (ઉ.વ. 38), કેવલસિંહ રૂૂપસિંહ મકવાણા (ઉ.વ. 22), હરેશસિંહ જશવંતસિંહ મકવાણા (ઉ.વ. 25) અને અશોકસિંહ દિલીપસિંહ મકવાણા (ઉ.વ. 23) સાથે ત્રણ મહિલાઓ મળી 11 શખ્સોની અટકાયત કરી હતી. ઉપરોક્ત તમામ આસામીઓ હિંમતનગર તાલુકાના મેડી ટીંબા ગામના રહીશ છે. આ પ્રકરણમાં જાહેર કરવામાં આવેલી વિગત મુજબ ઉપયોગ આસામીઓ અવારનવાર હરસિદ્ધિ માતાજીના મંદિરે દર્શન માટે આવતા હતા. જે પૈકી રમેશસિંહ મકવાણાના પત્ની અને ભત્રીજાને અવારનવાર સ્વપ્ન આવતું હતું કે પોતાના વતનના ઘર ખાતે આંગણામાં એક વહાણવટી માતાજીનું મંદિર અને એક અર્ધનારેશ્વરનું શિવલિંગ ની સ્થાપના કરો તો તમારી ઉન્નતી થશે. જેથી પરિવારના ઉપરોક્ત તમામ 11 સભ્યો ગત તારીખ 23 ના રોજ ઈક્કો અને સેન્ટ્રો મોટરકાર મારફતે હર્ષદ ખાતે આવ્યા હતા. તેઓ તેમની પોતાની સાથે શિવલિંગ ઉખાડવાના સાધનો પણ સાથે લાવ્યા હતા. આ આરોપીઓ જગડુશા ધર્મશાળામાં રોકાયા હતા.

અહીં દિવસ અને રાત્રી દરમિયાન તકેદારી સાથે વાહન મારફતે તેમજ ચાલીને શિવ મંદિરની રેકી કરતા હતા. ત્યાર બાદ તારીખ 24 ફેબ્રુઆરીના રોજ સાંજના સમયે તેઓ ધર્મશાળા ખાલી કરીને નીકળી ગયા હતા અને આખી રાત જુદા જુદા સ્થળોએ ફરી અને મોડી રાત્રે શિવલિંગ અને થાળું જમીનમાંથી ઉખેડીને મંદિરથી દરિયા તરફ લઈ ગયા હતા. જે દરમિયાન શિવલિંગનું થાળું ખૂબ જ વજનદાર લાગતા તેઓએ સમુદ્ર કિનારે મૂકી દીધું હતું અને શિવલિંગને પોતાના વાહનમાં લઈને વહેલી સવારે 4 વાગ્યે નાસી છૂટ્યા હતા. આ સમગ્ર પ્રકરણમાં પોલીસે શિવલિંગ તેમજ સાથેના સર્પ, છત્તર અને ચાદર ઉપરાંત સેન્ટ્રો અને ઈક્કો મોટરકાર તથા મોબાઈલ ફોન મળી, કુલ રૂૂપિયા 3.15 લાખનો મુદ્દામાલ પણ કબજે કર્યો હતો. આરોપીઓને ખૂબ જ ટૂંકા સમયગાળામાં ઝડપી લેવામાં જિલ્લા પોલીસે નોંધપાત્ર સફળતા મેળવી હતી.

પડકારરૂૂપ કેસને ગણતરીના કલાકોમાં ઉકેલીને આરોપીઓને ઝડપી લેવામાં પોલીસને મળેલી સફળતાની સરાહના થઈ રહી છે.આ સમગ્ર કાર્યવાહી રાજકોટ વિભાગના આઈ.જી. અશોકકુમાર યાદવ તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયના સીધા માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિ અને સાગર રાઠોડ સાથે એલ.સી.બી. પી.આઈ. કે.કે. ગોહિલ, એસ.ઓ.જી. પી.આઈ. પ્રશાંત સીંગરખીયા, આકાશ બારસીયા, ટી.ડી. ચુડાસમા, યુ.બી. અખેડ, આર.જી. વસાવા, એમ. આર. સવસેટા, પી.જે. ખાંટ, સુનિલ કાંબલીયા, અરજણભાઈ મારુ, દિનેશભાઈ માડમ, જેસલસિંહ જાડેજા, ભરતભાઈ ચાવડા, લખનભાઈ પિંડારિયા, ડાડુભાઈ જોગલ, પ્રકાશભાઈ ચાવડા, ખીમાભાઈ કરમુર, હરપાલસિંહ જાડેજા, કાનાભાઈ લુણા સહિતના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *