ગુજરાતમાં દિવાળી બાદ બીજા નંબરના સૌથી મોટા જન્માષ્ટમી પર્વની શૃંખલાનો આજે બોળચોથના પૂજનથી પ્રારંભ થઇ ગયો છે. આજથી સતત પાંચ દિવસ સૌરાષ્ટ્રમાં લોકમેળાના પર્વ મનાતા જન્માષ્ટમીના તહેવારોનો પ્રારંભ થતાં લોકો તહેવારોના મુડમાં આવી ગયા છે અને હરવા-ફરવા નીકળી પડ્યા છે.
આજે બોળચોથના દિવસે મહિલાઓએ પરંપરાગત ગૌમાતાની પૂજા કરી સાતમ-આઠમના પર્વની ઉજવણીના શ્રી ગણેશ કર્યા હતા. આજથી જ બજારોમાં પણ તહેવારોના માહોલ જોવા મળી રહ્યો છે. આવતીકાલ તા.1 સપ્ટેમ્બરે નાગપાંચમ, તા.2 સપ્ટેમ્બરે રાંધણ છઠ, 3 સપ્ટેમ્બરે સાતમ અને તા.4 સપ્ટેમ્બરે જન્માષ્ટમીની ઉજવણી થશે.
સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમીના પર્વને લોકમેળાનું પર્વ માનવામાં આવે છે અને ઠેર-ઠેર 3થી 7 દિવસના લોકમેળા યોજાય છે. મોટા ભાગના મેળા તા. બીજી સપ્ટેમ્બરે રાંધણ છઠના દિવસથી પ્રારંભ થાય છે અને પાંચ દિવસ લાખો લોકો મેળામાં ઉમટી પડે છે.
ગુજરાતમાં સાતમ આઠમના તહેવારોનું પણ અનેરૂૂ મહત્વ છે. જે રીતે દિવાળી પહેલાથી જ ગુજરાતભરમાં ઉજવણીનો માહોલ જોવા મળે છે તેવી રીતે ગુજરાતમાં સાતમ આઠમના તહેવારોની ઉજવણી પણ ધામધૂમથી થાય છે. સાતમ આઠમમાં પણ 5 દિવસના તહેવારો ઉજવાય છે. જેની શરૂૂઆત બોળ ચોથથી થઈ જાય છે.
ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં સાતમ આઠમની ઉજવણીનો માહોલ અલગ જ હોય છે. આ વર્ષે સાતમ આઠમના તહેવારો 31 ઓગસ્ટ થી શરૂૂ થશે અને 4 સપ્ટેમ્બર શુક્રવાર, જન્માષ્ટમીની ઉજવણી સુધી ચાલશે. સાતમ આઠમના તહેવારોની યાદી નીચે દર્શાવ્યા અનુસાર છે.
બોળ ચોથનું વ્રત ગાયને સમર્પિત છે. આ વ્રતમાં ગાય અને વાછરડાની પૂજા કરવામાં આવે છે. બોળચોથને બહુલા ચોથ પણ કહેવામાં આવે છે. બોળ ચોથનું વ્રત માતા પોતાના સંતાનના લાંબા આયુષ્ય અને મંગલ કામના માટે કરે છે.
બોળ ચોથના વ્રતમાં ઘઉં અને ચણા નું સેવન કરવામાં આવતું નથી. ધાર્મિક માન્યતા અનુસાર બોળ ચોથના દિવસે કંઈ ખાંડવું નહીં, વસ્તુ દડવી નહીં અને છરી તેમજ ચપ્પુ નો ઉપયોગ કરવાની મનાઈ હોય છે.
સાતમ આઠમના તહેવારો
બોળચોથનું વ્રત 31 ઓગસ્ટ
નાગ પાંચમ 1 સપ્ટેમ્બર
રાંધણ છઠ 2 સપ્ટેમ્બર
શીતળા સાતમ 3 સપ્ટેમ્બર
જન્માષ્ટમી 4 સપ્ટેમ્બર.
