SARFAESI એકટ હેઠળ થયેલ વેચાણ બીજા કાયદાઓ પર અગ્રતા ધરાવે છે: અગત્યનું અવલોકન કરતી ગુજરાત હાઈકોર્ટ
ગુજરાત હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે બેંકની હરાજીમાં ખરીદેલી મિલકતનું રજિસ્ટ્રેશન અધિકારીઓ નકારી શકે નહીં, ભલેને કોઈ રાજ્ય વિભાગનો તે મિલકત પર પહેલાંનો ચાર્જ હોય. હાઈકોર્ટે કહ્યું કે SARFAESI અધિનિયમ અન્ય કાયદાઓ પર ભારી છે અને બેંકે સ્ટેટ્યુટરી પ્રક્રિયા અનુસાર સેલ સર્ટિફિકેટ આપ્યા પછી રજિસ્ટ્રેશન અધિકારીઓને તે નોંધણી કરવી જ ફરજિયાત છે.
આ ચુકાદો ન્યાયમૂર્તિ હેમંત પ્રચ્છકે આપ્યો છે. કેસમાં યાચિકાકર્તા ત્રુષાલી શાહે બેંક ઓફ બરોડા દ્વારા યોજાયેલી જાહેર હરાજીમાં ભાવનગરની મિલકત રૂૂપિયા 1.96 કરોડમાં ખરીદી હતી. આ મિલકત 2013માં રાજ પિક્ચર હાઉસે બેંકને મોર્ટગેજ આપી હતી. માલિકે લોન ચૂકવવામાં નિષ્ફળતા બતાવતાં બેંકે SARFAESI અધિનિયમ હેઠળ વસૂલાતની કાર્યવાહી શરૂૂ કરી અને હરાજી કરી.
ત્રુષાલી શાહે સંપૂર્ણ રકમ ચૂકવીને 18 ઓક્ટોબર 2023ના રોજ બેંક તરફથી સેલ સર્ટિફિકેટ મેળવ્યું હતું. જ્યારે તેઓએ સબ-રજિસ્ટ્રાર કચેરીમાં ડીડ ઓફ ક્ધવેયન્સનું રજિસ્ટ્રેશન કરાવવા અરજી કરી ત્યારે અધિકારીઓએ ના પાડી દીધી. કારણ એ હતું કે 2016માં વેટ વિભાગે આ મિલકત પર અસ્થાયી જાતો (પ્રોવિઝનલ અટેચમેન્ટ)નો આદેશ પસાર કર્યો હતો અને વેરાની બાકી માટે ચાર્જ દાખલ કર્યો હતો.
યાચિકાકર્તાના વકીલ પાર્થ ભટ્ટે દલીલ કરી કે SARFAESI અધિનિયમ અન્ય તમામ કાયદાઓ પર અગ્રતા ધરાવે છે. ન્યાયમૂર્તિ પ્રચ્છકે અવલોકન કર્યું કે, બેંકે સ્ટેટ્યુટરી યોજના અનુસાર વેચાણ પૂર્ણ કર્યું છે… સેલ સર્ટિફિકેટ આપ્યા પછી રજિસ્ટ્રેશન અધિકારીને વ્યવહારનું રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત છે.
હાઈકોર્ટે રજિસ્ટ્રેશન અધિકારીઓના આદેશને રદ કરી દીધો છે અને યાચિકાકર્તા તથા બેંક વચ્ચેના સેલ સર્ટિફિકેટ તેમજ ડીડનું રજિસ્ટ્રેશન તાત્કાલિક કરવા આદેશ આપ્યો છે. આ ચુકાદાથી બેંક હરાજીમાં ખરીદી કરનારાઓને મોટી રાહત મળી છે અને રજિસ્ટ્રેશન અધિકારીઓની મનમાની પર અંકુશ લાગશે.
