લાગવગિયાઓએ તંત્રનો ડર રાખ્યા વગર વધારાનુ બાંધકામ કરવાના બહાને સીલ ખોલી નાખ્યા હોવાનું બહાર આવ્યું
મહાનગરપાલિકાના વેરા વિભાગ દ્વારા મિલકત વેરાના બાકીદારો વિરૂધ્ધ કડક કાર્યવાહી હાથ ધરી દર વર્ષે અનેક બાકીદારોની મિલકતો સીલ કરવામાં આવી રહી છે. સીલ થયેલ મિલકતોનો વેરો ભરપાઇ થયે તંત્ર દ્વારા સીલ ખોલી આપવામાં આવે છે. પરંતુ અમુક લાગવગીયાઓ દ્વારા વધારાનુ બાંધકામ કરવાનુ બહાનુ આગળ ધરી પોતાની જાતે સીલ ખોલી નાખ્યાનુ બહાર આવતા વેરા વિભાગે આ પ્રકારના આસામીઓ વિરૂધ્ધ સીજીડીઆરની જોગવાઇ મુજબ કાર્યવાહી હાથ ધર્યાનુ જાણવા મળેલ છે. અત્યાર સુધીમાં 24 મિલકોતના સીલ આ રીતે ખુલી ગયાનું વેરા વિભાગના સુત્રોએ જણાવ્યુ હતું.
મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે જાન્યુઆરી માસથી માર્ચ સુધી બાકીદારો વિરૂધ્ધ કડક કાર્યવાહી હાથ ધરી મિલકત સીલીંગ અને મિલકત જપ્તી સહિતની કાર્યવાહી કરવામાં આવી રહી છે. છેલ્લા ઘણા વર્ષોથી અમુક મિલકતો કાયમી ધોરણે સીલ રહેવા પામી છે. હાલ પણ દરરોજ 25થી 30 મિલકતો સીલ થઇ રહી છે. સીલ થયેલ મિલકતાન આસામીને વેરો ભરપાઇ કરવાની મુદત અપાય છે અને વેરો ભરપાઇ થયે તંત્ર દ્વારા સીલ ખોલી અપાય છે. પરંતુ અમુક માથાભારે તેમજ રાજકીય લાગવગ ભરાવતા લોકો દ્વારા નિયમોમાં છટક બારી સોધી વધારાનુ બાંધકામ કે બાંધકામમાં ફેરફાર કરવાના બહાના તળે સીલ ખોલી નાખતા હોવાનુ વેરા વિભાગના ધ્યાને આવેલ છે. આથી સર્વે કરી વેરા વિભાગના ચોપડે સીલીંગ બોલતી મિલકતો પૈકી જે મિલકતના સીલ ખુલી ગયા હશે તેવા મિલકત માલિક વિરૂધ્ધ સીજીડીઆરની જોગવાઇ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. વેરા વિભાગના સુત્રોમાંથી પ્રાપ્ત થયેલ વિગત મુજબ સીલ થયેલ મિલકતમાં બાંધકામમાં સુધારા વધારા થઇ શકતા નથી. જેના માટે સંપૂર્ણ વેરો ભરપાઇ કરી બાંધકામની મંજૂરી લેવી ફરિજયાત છે. છતાં અનેક આસામીઓએ નિયમનુ ઉલંધન કરેલ હોય તેમની વિરૂધ્ધ પગલા લેવામાં આવશે.
વેરા વિભાગમાંથી મળેલ વધુ વિગતો મુજબ સીલ થયેલ મિલકતોની દેખરેખ રોજેરોજ રાખવી મુશ્કેલ છે. જેનો લાભ આ પ્રકારના આસામીઓ ઉઠાવી રહ્યા છે. પરંતુ હવેથી જે મિલકત ધારકે જાતે સીલ તોડી વધારાનું બાંધકામ ચાલુ કર્યુ હશે તેમની વિરૂધ્ધ પગલા લઇ ટીપી વિભાગમાં પણ આ બાંધકામ વિરૂધ્ધ ફરિયાદ કરવામાં આવશે. તેવી જ રીતે બિલ્ડરો દ્વારા પ્લાન મુજબ બાંધકામ ન થયુ હોય અને કામ બંધ કરવામાં આવ્યુ હોય તેવા કિસ્સામાં પણ બિલ્ડરો દ્વારા વધારાનું બાંધકામ મંજૂરી વગર કરાશે તો પ્લાન રદ કરવા સહિતના પગલા તેમની વિરૂધ્ધ લેવાશે.
300 કરોડના લેણામાં અમુક કર્મચારીઓના હાથ કાળા થયાની ચર્ચા
મનપાના વેરા વિભાગની આવકમાં પડતુ ગાબડુ બંધ કરવા બાકીદારો વિરૂધ્ધ મિલકત સીલીંગ અને જપ્તી સહિતની કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમા નાના માણસો પોતાની આબરૂ અને અસરો બચાવવા તાણી તોડીને વેરો ભરપાઇ કરી સીલીંગથી બચવાની કોશીશ કરી રહ્યા છે. પરંતુ વર્ષોથી વેરો ભરપાઇ કરતા ન હોય તેવી પ્રાઇવેટ કંપનીઓની મિલકતો અને અમુક વગદાર લોકોની મિલકતો પેટે આજે પણ 300 કરોડથી વધુનું લેણુ બાકી રહેવા પાછળ વેરા વિભાગના અમુક કર્મચારીઓ દ્વારા આ પ્રકારના બાકીદારોને છાવરવામાં આવતા હોવાની ચર્ચા કાયમી જોવા મળી રહી છે.
