રાજકોટ શહેરમાં મુસાફરોને રીક્ષામાં બેસાડી અને તેમની નજર ચૂકવી તેમની પાસે રહેલી રોકડ અને દાગીના સેરવી લઈ મુસાફરને રીક્ષામાંથી નીચે ઉતારી ભાગી જતી ગેંગના મુખ્ય સૂત્રધારને પકડવામાં પોલીસને બે વર્ષે સફળતા મળી છે.
રાજકોટ શહેર એલસીબી ઝોન-2ની રીક્ષા ગેંગના સૂત્રધારને ઝડપી તેમને તાલુકા પોલીસને સોંપ્યો છે. રાજકોટ શહેર એલસીબી ઝોન ટુ ની ટીમના પી.એસ.આઇ આર.એચ.ઝાલા તેમજ નાસતા ફરતા સ્કોડના ધર્મેન્દ્રસિંહ ઝાલા,અંકિતભાઈ નિમાવત અનિલભાઈ જીલરીયા, પ્રશાંતભાઈ ગજેરા અને અમીનભાઈ ભલુર સહિતના સ્ટાફે બાતમીને આધારે રીક્ષા ગેંગના સૂત્રધાર જામનગર રોડ પર ઘંટેશ્વર 25 વારીયા ક્વાર્ટર માં રહેતા નટુ દિનેશભાઈ કુંવરિયાને ઝડપી લીધો હતો. ઝડપાયેલો નટુ કુવરીયાની પૂછપરછ દરમિયાન પોતે તાલુકા પોલીસ મથક વિસ્તારના ત્રણ ગુના અને આજીડેમ પોલીસ મથકના એક ગુનામાં ફરાર હતો. તેમજ અગાઉ આરોપી વિરૂધ્ધ લૂંટ, તફડંચી, ચોરી સહિત ત્રણ ગુનામાં પોલીસે ચોપડે ચડી ચૂકયો છે. આરોપી અને તેમની ટોળકી મોટી ઉંમરના વૃધ્ધ મુસાફરોને રિક્ષામાં બેસાડી તેમજ રિક્ષામાં ધક્કા મુક્કી કરી નજર ચૂકવી અને પેસેન્જરના દાગીના મોબાઇલ કે રોકડ સેરવી લેતી હતી.
