પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો વિજય તો થયો પરંતુ ટીએમસીની સાથે તેના પડઘા ખૂદ ભાજપમાં પણ, અને એ’ય છેક ગુજરાત સુધી પડી રહ્યા હોવાની છાપ ઉપસાવતો એક ચકચારી બનાવ આજે જૂનાગઢમાં બહાર આવ્યો છે. બંગાળમાં ચૂંટણી પ્રચાર દરમ્યાન એક તબક્કે પોલીસની ભીંસ વધી ત્યારે જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયા જે- તે સ્થળે જ તેમના કાર્યકરોને એકલા મુકીને પોતે ત્યાંથી જતા રહ્યા હતા અને ફોન પણ રિસીવ નહોતા કર્યા એ બાબતે જૂનાગઢ શહેર ભાજપ બક્ષીપંચ મોરચાના મહામંત્રી અને અન્ય એક કાર્યકરે વ્હોટસએપ ગુ્રપમાં મેસેજ લખ્યો હતો. આ મેસેજ બાદ એ બંને પર ત્રણ અજાણ્યા શખ્સોએ જાહેરમાં ફિલ્મી ઢબે હુમલો કરતાં લોકોમાં નાસભાગ થઈ ગઈ હતી. હુમલાનો ભોગ બનનાર બંનેએ ધારાસભ્ય અને નગરસેવકના કહેવાથી આ હુમલો થયાનો આક્ષેપ કર્યો હતો. આ અંગે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
તાજેતરમાં જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયાની આગેવાનીમાં ભાજપના 20 જેટલા કાર્યકરો અને આગેવાનો બંગાળ ચૂંટણીમાં પ્રચાર તેમજ અન્ય કામગીરી માટે ગયા હતા. ત્યાં એક દિવસ પોલીસની ભીંંસ થતાં ધારાસભ્ય કાર્યકરોને મુકીને જતા રહ્યા હતા અને બાદમાં તેમના ફોન પણ ઉપાડયા ન હતા. શહેર ભાજપ બક્ષીપંચ મોરચાના મહામંત્રી નરેન્દ્ર કેશુભાઈ ઓડેદરાએ તેના મિત્ર તુષાર સોજીત્રાને આ વાત કર્યા બાદ બંનેએ આજે જૂનાગઢના વ્હોટસએપ ગ્રુપમાં એ બાબત અંગેનો મેસેજ લખ્યો હતો, જેમાં ગરમાગરમી થઈ હતી. તુષાર સોજીત્રાએ તો ’જેને પાઘડી સમજી શિર પર બેસાડયા હતા તે તો પગ લુંછણીયા નીકળ્યા’ એવા શબ્દો લખ્યા હતા, જ્યારે નરેન્દ્ર ઓડેદરાએ પણ અભદ્ર ભાષામાં પ્રશ્નાર્થ સાથેના મેસેજ મુક્યા હતા.
વ્હોટ્સએપ ગ્રુપમાં આ ગરમાગરમી થયા પશ્ચાત બંને ભાજપીઓ પર તળાવ દરવાજા નજીક ત્રણ શખ્સોએ હિચકારો હુમલો કરી દીધો હતો. હુમલો ધારાસભ્ય સંજય કોરડિયા અને ભાજપના કોર્પોરેટર સંજય મણવરના કહેવાથી થયાનો તેમનો આક્ષેપ છે. આ મામલે ડીવાયએસપી હિતેષ ધાંધલ્યાએ જણાવ્યું હતું કે, સીસીટીવી કેમેરાના આધારે બી ડિવિઝન પીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે, ગુનો દાખલ કરવા તજવીજ ચાલુ છે. ભાજપના હોદ્દેદાર અને કાર્યકર પર સરાજાહેર હુમલાની ઘટનાથી લોકોમાં દોડધામ મચી ગઈ હતી ત્યારે કાયદો અને વ્યવસ્થા અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે.
