સામાકાંઠે 19 લાખની આંગડિયા લૂંટનો ભેદ ખૂલ્યો, બે શખ્સો ઝડપાયા, બે ફરાર

શહેરના સામાકાંઠે આવેલી ’પ્રાઇમ એન્ટરપ્રાઇઝ’ નામની આંગડિયા પેઢીમાંથી ગત તા 30 જુલાઈના રોજ દિવસ-દહાડે બંદૂકની અણીએ રૂૂ. 19 લાખની રોકડ રકમની સનસનાટીભરી લૂંટ ચલાવી ફરાર…

શહેરના સામાકાંઠે આવેલી ’પ્રાઇમ એન્ટરપ્રાઇઝ’ નામની આંગડિયા પેઢીમાંથી ગત તા 30 જુલાઈના રોજ દિવસ-દહાડે બંદૂકની અણીએ રૂૂ. 19 લાખની રોકડ રકમની સનસનાટીભરી લૂંટ ચલાવી ફરાર થઈ ગયેલા આંતરરાજ્ય લૂંટારૂૂ ટોળકીના બે સભ્યોને ક્રાઇમ બ્રાન્ચે અંતે ઝડપી પાડીને ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસ ટીમે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પશ્ચિમ બંગાળ તથા ઉત્તર પ્રદેશ ખાતે દરોડા પાડીને આ બંને શાતિર આરોપીઓની ધરપકડ કરી છે.આ લુંટનો સુત્રધાર સહીત બે હજુ ફરાર હોય જેને ઝડપી લેવા અલગ અલગ ટીમો અન્ય રાજયમાં ધામા નાખી તપાસ કરી રહી છે.

બનાવની વિગતો અનુસાર, ગત તા. 30 જુલાઈ 2026ના રોજ બપોરના સમયે ભાવનગર રોડ પર સ્થિત ’પ્રાઇમ એન્ટરપ્રાઇઝ’ નામની આંગડિયા પેઢીમાં બે અજાણ્યા સશસ્ત્ર ઇસમો અચાનક ઘૂસી આવ્યા હતા. આરોપીઓએ પેઢીમાં હાજર કર્મચારીઓ પર બંદૂક તાકી, ધાક-ધમકી આપીને હિસાબનો થેલો કે જેમાં રૂૂ. 19,00,000 ની રોકડ રકમ હતી, તે લૂંટીને સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.

આ સનસનાટીભરી ઘટના બાદ આંગડિયા પેઢીમાં નોકરી કરતા અલ્કેશભાઈ ગીરીશભાઈ ત્રિવેદીની ફરિયાદને આધારે બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. દિવસ-દહાડે થયેલી આ મોટી લૂંટના ગુનાની ગંભીરતાને ધ્યાને રાખી પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા, એડિશનલ પોલીસ કમિશ્નર ચૈતન્ચ મંડલિક, ડીસીપી (ક્રાઇમ) જગદીશ બાંગરવામાં માર્ગદર્શન હેઠળ આ લૂંટનો ભેદ ઉકેલવા ક્રાઈમ બ્રાંચ અને બી ડીવીઝન પોલીસની અલગ અલગ ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂૂ કરાયો હતો.

તપાસ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમોએ ટેકનિકલ એનાલિસિસ, સીસીટીવી ફૂટેજ તથા હ્યુમન સોર્સિસથી મળેલી ચોક્કસ બાતમીના આધારે દેશના અલગ-અલગ સાત રાજ્યોમાં તપાસ કરી જેમાં લૂંટમાં સામેલ આરોપી રમઝાનઅલીને પશ્ચિમ બંગાળ ખાતેથી અને તેના સાગરીત પ્રવીણને મથુરા (ઉત્તર પ્રદેશ) ખાતેથી ઝડપી પાડવામાં આવ્યા હતા. બંનેને રાજકોટ લાવી રિમાન્ડ ઉપર વધુ પુછપરછ શરૂૂ કરવામાં આવી છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, ઝડપાયેલા આરોપીઓ રમઝાનઅલી ઉર્ફે રાજુ રાહુલ કુરબાનઅલી શેખ (ઉં.વ. 32, રહે. નાગદા ચરાપોલે મસ્જિદપરા, નોર્થ-24 પરગણા, વેસ્ટ બંગાળ) અને પ્રવીણ ખજીઓ (ઉં.વ. 28, રહે. ઇન્દિરા વિકાસ કોલોની, નવાદા, મથુરા, ઉત્તર પ્રદેશ) સાથે લુંટમાં આસુ ઉર્ફે આસ મોહંમદ અયુબ (રહે. ભાર્ગવા ગલી, ચોકબજાર, કોતવાલી, ઉત્તર પ્રદેશ) અને અરુણ ઉર્ફે ઇલુ ખટીક બીશનસીંગ ખટીક (રહે. ભરતપુર, રાજસ્થાન, હાલ વૃંદાવન)પણ સંડોવાયેલ છે, બન્નેને પકડવા માટે રાજકોટ પોલીસની ટીમે અન્ય રાજ્યોમાં ધામા નાખ્યા છે.

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ ટોળકી કોઈ સાધારણ ગુનેગારો નથી પરંતુ આંતરરાજ્ય સ્તરે લૂંટ અને સશસ્ત્ર ગુનાઓ આચરતી રીઢા ગુનેગારોની ગેંગ છે પકડાયેલ પ્રવીણ સામે રાજસ્થાનના દીધ પોલીસ સ્ટેશનમાં 2021માં આર્મ્સ એક્ટ અને લૂંટ ના 2 ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. જયારે ફરાર સુત્રધાર આસુ ઉર્ફે આસ અયુબ અત્યંત ખતરનાક ગુનાહિત ભૂતકાળ ધરાવે છે. તેની સામે ઉત્તર પ્રદેશના મથુરા, ગોવિંદનગર, કોતવાલી અને આગ્રાના વિવિધ પોલીસ સ્ટેશનોમાં લૂંટ, ડકેતીની યોજના, હત્યાનો પ્રયાસ , આર્મ્સ એક્ટ અને ગેંગસ્ટર એક્ટ હેઠળ 40 થી વધુ સંગઠિત ગુનાઓ નોંધાયેલા છે. પકડાયેલ બન્ને પાસ થી માત્ર 2 લાખની રોકડ કબજે કરવામાં આવી છે. ફરાર આસુ અને અરુણ બાકીની રકમ લઇ ભાગી ગયા હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે.

20 દિવસ રેકી કર્યા બાદ લૂંટને અંજામ આપ્યો, સીમકાર્ડ વિના મોબાઈલની ખાસ એપ્લીકેશન મારફતે સંપર્કમાં રહ્યા
પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, પકડાયેલ રમજાન અગાઉ રાજકોટમાં ઈમિટેશનમાં નોકરી કરતો હોય તેનો પરિચય દિલ્હીમાં આંસુ સહિતના ટોળકીના અન્ય સભ્યો સાથે થયો હતો અને દિલ્હીમાં લુંટ માટે પ્લાન બનાવ્યો હતો. આ લૂંટ માટે ચારેય આરોપીઓએ 20 દિવસ પહેલાં રાજકોટ આવી મકાન ભાડે રાખી રાજકોટ અને જામનગરમાં ગ્રેન માર્કેટમાં રેકી કરી હતી. અને પ્રાઈમ આંગડીયામાં 19 લાખની લુંટને અંજામ આપ્યો હતો. લૂંટ બાદ આરોપીઓ ચોરાઉ બાઇક પર સુરેન્દ્રનગર પહોંચ્યા હતા અને ત્યાંથી ટ્રેન મારફતે ફરાર થઈ ગયા હતા. આ ટોળકી ડ્રગ ડીલરો વાપરતા તે વિદેશી એપ્લિકેશનનો લૂંટમાં ઉપયોગ પોલીસને ચકિત કરી દેનારી બાબત એ સામે આવી છે કે, આરોપીઓ પોતાના લોકેશન કે કોલ રેકોર્ડ ન મળે તે માટે વિદેશી સર્વર ધરાવતી એક ખાસ કોલિંગ એપનો ઉપયોગ કરતા હતા. જેમાં સીમકાર્ડ વિના એક બીજા સાથે સંપર્ક કરી શકાય, અત્યાર સુધી માત્ર ડ્રગ ડીલરો અને પેડલરો દ્વારા વપરાતી આ ટેકનોલોજીનો લૂંટના ગુનામાં પ્રથમ વખત ઉપયોગ થતાં ક્રાઇમ બ્રાંચના અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા છે. લૂંટમાં કુલ ચાર આરોપીઓની સંડોવણી હતી, જેમાંથી બાકીના બે ફરાર આરોપીઓની શોધખોળ ચાલુ છે. આરોપીઓ રાજકોટ આવ્યા બાદ ચોરાઉ બાઇક ક્યાંથી લાવ્યા હતા અને અન્ય કયા ગુનાઓમાં સામેલ છે તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *