રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ના કોર્પોરેટ અફેર્સના ડાયરેકટર તથા વાય.એસ.આર. કોંગ્રેસના સાંસદ તરીકે રાજ્યસભામાં આંધ્રપ્રદેશનું પ્રતિનિધિત્વ કરતાં પરિમલભાઈ ધીરજલાલ નથવાણીનો આગામી 1 ફ્રેબ્રૂઆરીના રોજ જન્મદિવસ છે.
1956માં મુંબઈમાં જન્મેલા પરિમલભાઈ જેટલાં રિલાયન્સના અભિન્ન અંગ છે. તેટલા જ રાજકીય, સામાજિક ક્ષેત્રોમાં પણ તેમની ખ્યાતિ અનન્ય છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના સ્થાપક ધીરુભાઈ અંબાણીને પોતાના ગુરુ અને આદર્શ માનનારા પરિમલભાઈએ ઘણા લાંબા સમય સુધી તેમની સાથે નજીકથી કામ કર્યું છે. સપ્ટેમ્બર 2023માં એકમેવ… ધીરુભાઈ અંબાણી પુસ્તક થકી પરિમલભાઈએ ધીરુભાઈ સાથેના સંસ્મરણોને પુસ્તક રુપે પ્રકાશિત કર્યા, જેમાં તેમણે એક વિચારક, એક ઉદ્યોગ સાહસિક, એક સ્વપ્નદૃષ્ટા, પરિવારના મોભી, એક રોલ મોડલ જેવા બહુગુણી ધીરુભાઈની વિચારસરણી, કામ કરવાની ઢબ, સંબંધો જાળવવાની કુનેહ, વ્યાવસાયિક દૂરંદેશી, કામ પ્રત્યેની પ્રતિબધ્ધતા, નવું જાણવા અને વિચારવાની ખેવના, નવી ટેકનોલોજી અને યુવાનો પરનો વિશ્વાસ વિગેરે અનુભવોને શબ્દોમાં કંડાર્યા છે.
રિલાયન્સ ઈન્ડ્રસ્ટ્રીઝના ચેરમેન અને એમડી મુકેશભાઈ અંબાણીની કોર ટીમના સભ્ય પરિમલ નથવાણીએ પોતાની આગવી કોઠાસૂઝથી રિલાયન્સ ઈન્ડ્રસ્ટ્રીઝની સ્થાપનાથી લઈને પેટ્રોલિયમના રિટેલ આઉટલેટસ, રિટેલની સ્થાપનાથી લઈ ગેસ ટ્રાન્સપોર્ટેશન તથા જિયો મોબાઈલ નેટવર્કના આડેના અવરોધોને સરળતાથી નિર્વિધ્ને દૂર કર્યા છે. અત્યારે તેઓ ગુજરાતમાં રિલાયન્સના સૌર ઊર્જા, પવન ઊર્જા અને ગ્રીન હાઇડ્રોજન સહિતના ન્યૂ એનર્જી વ્યવસાયનું સુકાન સંભાળી રહ્યા છે.
વર્ષ-2008થી 2020 એમ સતત 12 વર્ષ સુધી ઝારખંડથી રાજ્યસભાના સાંસદ રહેલા પરિમલભાઈ નથવાણીએ સાંસદ નિધિ ગ્રાન્ટનો 100 ટકા ઉપયોગ કરી સાંસદ આદર્શ ગ્રામ યોજના (એસ.એ.જી.વાય.), ગ્રામીણ માળખાગત સુવિધાઓ, શિક્ષણ, સ્વાસ્થ્ય અને સ્વચ્છતા વિગેરે વિભાગોમાં પથદર્શક કામગીરી કરી હતી. એસ.એ.જી.વાય. અંતર્ગત તેમણે દત્તક લીધેલા ત્રણ ગામ બરામ-જરાટોલી, ચુટ્ટુ અને બરવાડાગમાં કરેલા વિકાસ કાર્યો રાજ્યમાં માત્ર વખણાયા જ નથી, પરંતુ અનુકરણીય પણ બની રહ્યા છે. તેમની આ કામગીરીનું નિરૂૂપણ રાંચી સ્થિત ટાઈમ્સ ઓફ ઈન્ડિયા દૈનિકે રિલિઝ કરેલા બે પુસ્તક ‘ઝારખંડ મેરી કર્મભૂમિ (હિન્દી)’ તથા ‘એડોરેબલ એન્ડ એડમાયરેબલ પરિમલ નથવાણી’માં સુપેરે કરાયું છે.
ઓક્ટોબર 2019 સુધી ગુજરાત ક્રિકેટ એસોસિયેશન (GCA)ના ઉપાધ્યક્ષ તરીકે સેવાઓ આપનારા પરિમલભાઈ નથવાણીનું અમદાવાદમાં મોટેરા ખાતે બનેલા વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ ‘નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ’ના નિર્માણમાં પણ અનેરું યોગદાન છે. રાજ્ય સરકારના વિવિધ બિઝનેસ ડેલિગેશન્સના સભ્ય તરીકે તેમણે ડઝનેક દેશોનો પ્રવાસ ખેડ્યો છે અને વાઇબ્રન્ટ ગુજરાત રોડ શોમાં ભાગ લઈ વૈશ્વિક બિઝનેસ લીડર્સ સાથે સંવાદ સાધ્યો છે. સતત 15 વર્ષ સુધી ગુજરાતના દ્વારકાધીશ મંદિર ટ્રસ્ટના ઉપાધ્યક્ષ રહી પરિમલભાઈએ ગુજરાત સરકાર સાથે સાયુજ્ય સાધીને પવિત્ર નગરી દ્વારકાના વિકાસમાં મહત્વનું યોગદાન આપ્યું છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, પરિમલભાઈ નથવાણી રાજસ્થાનમાં આવેલા પુષ્ટિ માર્ગીય શ્રીનાથજી મંદિરના વહીવટનો કાર્યભાર સંભાળતાં નાથદ્વારા ટેમ્પલ બોર્ડના સતત 11 વર્ષ કરતાં વધારે સમયથી સભ્ય છે.
