એક તરફ ગુજરાત સરકાર એશિયાટિક લાયન્સના સંવર્ધન માટે કરોડો રૂૂપિયાનો ધુમાડો કરી રહી છે, ત્યારે બીજી તરફ અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ દરિયાઈ પટ્ટી વિસ્તારમાં સિંહોના ’ઘર’ ગણાતી અનામત જંગલની જમીન ખાનગી કંપનીને માઇનિંગ માટે સોંપી દેવાની હિલચાલ શરૂૂ થતા ભારે રોષ વ્યાપ્યો છે. આ મુદ્દે ધારાસભ્ય હીરા સોલંકીએ વનમંત્રીને પત્ર લખી ખુલાસો માંગતા રાજકારણ ગરમાયું છે.
રાજુલા-જાફરાબાદના ધારાસભ્ય હીરા સોલંકીએ કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાને પત્ર લખી રજૂઆત કરી છે. તેમણે જણાવ્યું કે, જો દરિયાઈ પટ્ટીની આ રિઝર્વ જમીન માઇનિંગ માટે અપાશે તો વન્યપ્રાણીઓનું અસ્તિત્વ જોખમાશે. જે પ્રોજેક્ટને અગાઉના અધિકારીઓએ નકારી કાઢ્યા હતા, તેમાં અત્યારે અચાનક હકારાત્મક અભિપ્રાય કેમ આપવામાં આવ્યો? તેમણે આ મામલે તાત્કાલિક ખુલાસો કરવાની માગ કરી છે. આ વિવાદ મુદ્દે અગાઉ વનમંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, અમારા ધ્યાને આવી કોઈ દરખાસ્ત આવી નથી. અમે કોઈ પણ રિઝર્વ ફોરેસ્ટમાં માઇનિંગની મંજૂરી આપવાના નથી.
બાબરકોટ પાસે આવેલા ધારી ગીર પૂર્વ ડિવિઝન હેઠળના અનામત જંગલની અંદાજે 75 હેક્ટર કિંમતી જમીન પર એક ખાનગી કંપની છેલ્લા 12 વર્ષથી મીટ માંડીને બેઠી છે. વર્ષ 2016થી અત્યારસુધીના અનેક ઉઈઋ કક્ષાના અધિકારીઓએ સિંહોની સુરક્ષા અને પર્યાવરણના હિતમાં આ પ્રોજેક્ટને નકારાત્મક અભિપ્રાય આપી ફગાવી દીધો હતો. પરંતુ હાલમાં વન વિભાગના અમુક ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ કંપની પ્રત્યે કૂણું વલણ દાખવી ’હકારાત્મક અભિપ્રાય’ આપ્યો હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે, જેને કારણે વન વિભાગની કામગીરી શંકાના દાયરામાં આવી છે.
છેલ્લા ’પૂનમ અવલોકન’ મુજબ બાબરકોટ અને આસપાસના વિસ્તારમાં 51 જેટલા સિંહ વિચરી રહ્યા છે. આ વિસ્તાર વન વિભાગના ચોપડે ’રાજુલા-બાબરકોટ કોસ્ટલ હાઈવે’ કોરિડોર નંબર-20 તરીકે નોંધાયેલો છે, જે સિંહોની અવરજવર માટે લાઈફલાઈન સમાન છે. જો માઇનિંગ શરૂૂ થશે તો 20 જેટલી વિવિધ પ્રજાતિના અંદાજે 5500 વૃક્ષ કાપી નાખવામાં આવશે. જો સિંહોનું કુદરતી રહેઠાણ છીનવાશે તો તેઓ રહેણાક વિસ્તારો તરફ વળશે, જેનાથી માલધારીઓ અને ગ્રામજનો સાથે ઘર્ષણ વધવાની ભીતિ છે.
બાબરકોટના સરપંચ પ્રતિનિધિ અનક સાંખટ અને સિંહપ્રેમી મયંક ભટ્ટે પણ આ અગાઉ આક્ષેપ કરી ચૂક્યા છે કે, અધિકારીઓ કંપની સાથે મળીને “વિસ્તારમાં સિંહ નથી” તેવો ખોટો રિપોર્ટ આપી રહ્યા છે. જો સરકાર આ નિર્ણય પર રોક નહીં લગાવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
એક બાજુ ’સેવ લાયન’ના નારા અને બીજી બાજુ સિંહોના કોરિડોરમાં જ માઇનિંગની હિલચાલ અને સરકારની આ બેવડી નીતિ સામે સોશિયલ મીડિયામાં પણ ’વિરોધનો વંટોળ’ શરૂૂ થયો છે. હવે જોવાનું એ રહેશે કે સરકાર કેવો અભિગમ અપનાવે છે
