અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પની ઈરાનને ખતમ કરી નાખવાની સનકના કારણે આખી દુનિયા પરેશાન છે. અમેરિકા અને ઈઝરાયલના હુમલાના વળતા જવાબમાં ઈરાને હોર્મુઝ સ્ટ્રેઈટ બંધ કરી દેતાં મિડલ ઈસ્ટના દેશોમાંથી ક્રૂડ ઓઈલ લઈ જતાં સેંકડો જહાજો અટવાઈ ગયાં છે ત્યારે અમેરિકાના સાથી યુનાઈટેડ કિંગડમ (યુકે)એ એક પહેલ કરી છે. આ પહેલના ભાગરૂૂપે યુકેના વડા પ્રધાન કીર સ્ટાર્મરે દુનિયાના 35 દેશોની બેઠક બોલાવીને હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવા માટેના રસ્તા શોધવા માટે મનોમંથન કરવાનો નિર્ણય લીધો છે. ગઇકાલે વર્ચ્યુઅલી થયેલા પ્રાથમિક મનોમંથનમાં ઈરાન સાથે રાજદ્વારી સ્તરે મંત્રણા કરીને હોર્મુઝ સ્ટ્રેટ ખોલાવવા માટેના પ્રયત્નો પર ભાર મૂકાયો છે. અઠવાડિયાના અંતે મળનારી બેઠકમાં શું પગલાં લેવાં એ અંગે વિસ્તૃત ચર્ચા થાય પછી યુકે-ફ્રાન્સ સહિતના દેશો પોતાની વ્યૂહરચના સ્પષ્ટ કરશે. મહત્ત્વની વાત એ છે કે, અમેરિકા આ બેઠકથી દૂર રહ્યું છે ને મુખ્યત્વે યુરોપના દેશોના પ્રતિનિધીઓએ હાજરી આપી. તેના પરથી સ્પષ્ટ છે કે, અત્યાર લગી સાથે રહેલાં અમેરિકા અને યુરોપના દેશોમાં ફાટફૂટ પડી ગઈ છે અને યુરોપના દેશો પોતાનાં હિતો સાચવવા માટે અમેરિકાથી નોખો ચોકો બનાવી રહ્યાં છે.
આ બેઠકમાં ચર્ચા મુખ્યત્વે ત્રણ મુદ્દા પર કેન્દ્રિત હતી. પહેલો મુદ્દો હોર્મુઝ સ્ટ્રેઈટના દરિયાઈ રસ્તાને ખોલવા માટે કેવાં રાજદ્વારી અને રાજકીય પગલાં લઈ શકાય. બીજો મુદ્દો હોર્મુઝ સ્ટ્રેટમાં ફસાયેલાં જહાજો અને નાવિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો અને ત્રીજો મુદ્દો જીવનજરૂૂરી ચીજવસ્તુઓની પહેલાંની જેમ જ અવરજવર ફરી શરૂૂ થઈ શકે અને સ્થિતિ સામાન્ય બને એ હતો. આ અભિગમ યોગ્ય છે કેમ કે યુદ્ધથી હોર્મુઝ સ્ટ્રેઈટ ખોલી શકાતી હોત તો અમેરિકાએ અત્યાર લગી ના ખોલાવી દીધી હોત? આ અંગે શું નિર્ણય લેવાયા એ વિશે કોઈ સ્પષ્ટતા કરાઈ નથી પણ આ બેઠક ડોનલ્ડ ટ્રમ્પના મોં પર સણસણતો તમાચો છે. અત્યાર લગી યુરોપના દેશોને પોતાના ઈશારે નચાવતા ટ્રમ્પને ચુકે અને ફ્રાન્સની આગેવાનીમાં યુરોપીયન દેશોએ ચાટ પાડી દીધા છે. આ દેશોની બેઠકમાં હોર્મુઝ સ્ટ્રેઈટના દરિયાઈ રસ્તાને ખોલવા માટે રાજદ્વારી અને રાજકીય પગલાં લેવા વિશે ચર્ચા થઈ છે તેના પરથી સ્પષ્ટ છે કે, યુરોપના દેશો અમેરિકાને ઈરાન પરના હુમલામાં સાથ આપવા તૈયાર નથી કે આખી દુનિયા પરેશાન થાય એવા ટ્રમ્પના ગાંડપણમાં સાથ આપવા પણ તૈયાર નથી.
યુકે અને ફ્રાન્સ તો બહુ પહેલાં જ ટ્રમ્પને કોરાણે મૂકી ચૂક્યા છે. અમેરિકાએ યુકે સહિતના દેશોને હોર્મુઝ સ્ટ્રેઈટ ખોલાવવા માટે લશ્કર મોકલવા કહેલું પણ કીર સ્ટાર્મરે ઘસીને ના પાડી દીધી છે. તેના કારણે ડોનલ્ડ ટ્રમ્પ ગિન્નાયેલા છે પણ તેની પરવા કર્યા વિના કીર સ્ટાર્મરે તડ ને ફડ કરીને કહી દીધું છે કે, ઈરાન સામેનું યુદ્ધ અમારું યુદ્ધ નથી તેથી અમારું લશ્કર મોકલવાનો સવાલ જ પેદા થતો નથી. ફ્રાન્સે પણ કીર સ્ટાર્મરની વાતમાં હાજીયો પૂરાવેલો તેથી અમેરિકાના સૌથી નજીકના સાથી એવા બે દેશો યુદ્ધમાં નહીં જોડાય ને ડોનલ્ડ ટ્રમ્પની સનકને નહીં પોષે એ પહેલાં જ નક્કી થઈ ગયેલું. કીર સ્ટાર્મરે આ બેઠક બોલાવીને અમેરિકાને સંકેત આપી દીધો છે કે, દુનિયાના બીજા દેશો પણ અમારા જેવી જ વિચારધારા ધરાવે છે અને ટ્રમ્પના પાગલપનને કારણે યુદ્ધની પારકી ઉપાધિ વહોરવા તૈયાર નથી.
હોર્મુઝ સ્ટ્રેઈટ બંધ થઈ ગઈ તેમાં દુનિયાના મોટા ભાગના દેશોમાં પેટ્રોલ-ડીઝલ અને ગેસની અછત વર્તાઈ છે. ઉદ્યોગો બંધ થઈ રહ્યા છે ને સામાન્ય જનજીવન પણ ખોરંભે પડવા માંડયું છે. ક્રૂડના ભાવ વધી ગયા તેમાં પેટ્રોલ-ડીઝલ અને ગેસ મોંઘા થતાં જીવન જરૂૂરિયાતની ચીજોના ભાવ પણ ઊંચકાવા માંડ્યા છે કેમકે દુનિયામાં બધે જ ટ્રાન્સપોર્ટેશન માટે પેટ્રોલ-ડીઝલનો જ ઉપયોગ થાય છે. દુનિયાના મોટા ભાગના દેશો હાલકડોલક થઈ ગયાં છે કેમ કે ક્રૂડના ભાવ વધ્યા તેના કારણે બોજો વધ્યો છે જ્યારે શેરબજારો તૂટી રહ્યાં છે. ક્રૂડ માટે મોટા ભાગના દેશો આયાત પર નિર્ભર છે ને શેરબજારો માટે વિદેશી રોકાણકારો પર અવલંબિત છે તેથી બંને બાજુથી ફટકો પડી રહ્યો છે.
આ કારણે દુનિયાના મોટા ભાગના દેશો અકળાયેલા તો હતા જ પણ અમેરિકાને કહેવાની હિંમત નહોતી ચાલતી. વાઘને કોણ કહે કે તારું મોં ગંધાય છે ? યુકે અને ફ્રાન્સે એ હિંમત કરી તેથી બીજા દેશોની હિંમત પણ ખૂલી ને સ્ટાર્મરની બેઠકમાં 35 દેશો હાજર રહ્યા. આ આંકડો હજુ નાનો જ કહેવાય કેમ કે દુનિયાના કુલ દેશોની સંખ્યા 200 કરતાં વધારે છે અને યુનાઈટેડ નેશન્સના સભ્ય દેશોની સંખ્યા જ 193 તો છે. મતલબ કે, 20 ટકાથી પણ ઓછા દેશો હોર્મુઝ સ્ટ્રેઈટ ખોલાવવા માટે સક્રિય થયા છે.
આશા રાખીએ કે, આ આંકડો ધીરે ધીરે વધશે અને અમેરિકા સામે બાંયો ચડાવીને બીજા દેશો પણ મેદાનમાં આવશે. એ જરૂૂરી પણ છે કેમ કે અમેરિકા ઈરાન મુદ્દે લુખ્ખી દાદાગીરી કરી રહ્યું છે. ટ્રમ્પે અમેરિકાને કરેલા સંબોધનમાં ઈરાન પર હુમલાને યોગ્ય ઠેરવવા માટે ત્રણ કારણો આપ્યાં છે. ટ્રમ્પનું કહેવું છે કે, ઈરાનનાં હથિયાર બનાવતાં કારખાનાંને ખતમ કરવાં, ઈરાનના નેવી અને એરફોર્સને ખતમ કરી નાખવાં અને ઈરાનને પરમાણુ હથિયાર બનાવતાં રોકવો અમેરિકાના ત્રણ મોટા ઉદ્દેશ્યો છે. આ ઉદ્દેશોને પાર પાડવા માટે જ હુમલો કરાયો છે.
એ ટ્રમ્પની વાત સાવ હાસ્યાસ્પદ છે. ઈરાને પરમાણુ શસ્ત્રો નહીં બનાવવાની ખાતરી આપી છે પણ ટ્રમ્પ આ વાત માનવા તૈયાર નથી. ઈરાન યુરેનિયમને એનરિચ કરી રહ્યું છે તેની પાછળનો ઉદ્દેશ પરમાણુ શસ્ત્રો બનાવવાનો હોવાની રેકર્ડ ટ્રમ્પ વગાડ્યા કરે છે પણ તેના કોઈ પુરાવા નથી. ઈરાને પરમાણુ શસ્ત્રો બનાવવાનો પ્રોગ્રામ બંધ કરી દીધો હોવાનું અમેરિકાની ગુપ્તચર એજન્સીઓનાં હેડ તુલસી ગેબાર્ડ પોતે કહી ચૂક્યાં છે પણ ટ્રમ્પ તેમનું પણ સાંભળતા નથી. તેના પરથી સ્પષ્ટ છે કે ટ્રમ્પ ગમે તે બહાને ઈરાનને ખેદાનમેદાન કરવા માગે છે.
ટ્રમ્પની ઈરાનનાં નેવી-એરફોર્સને ખતમ કરી નાખવાની વાત તો સાવ વાહિયાત છે.
કોઈ પણ દેશ પોતાની સુરક્ષા માટે નેવી-એરફોર્સ રાખે છે જ. ઈરાન પણ નેવી-એરફોર્સે પોતાની સુરક્ષા માટે રાખે છે ને એ અધિકાર ટ્રમ્પ કઈ રીતે છિનવી શકે? એ જ રીતે ઈરાનનાં શસ્ત્રો બનાવવાનાં કારખાનાં પણ કઈ રીતે બંધ કરાવી શકાય? આ શસ્ત્રો આતંકવાદ કે દુનિયાને પરેશાન કરવા માટે વપરાતાં હોય તો સમજ્યા પણ એવા કોઈ પુરાવા નથી પછી કઈ રીતે તેમને બંધ કરી શકાય? ટ્રમ્પ પોતાના સનકીપણાને પોષવા યદ્ધ છેડીને બેસી ગયા છે. તેના કારણે દુનિયા પતી જાય એ પહેલાં બીજા દેશો પણ આગળ આવે એ જરૂૂરી છે.
