જવાબદારીઓનો પહાડ ઉપાડવાનો કૃષ્ણપ્રિય ઉમંગ એટલે ગોવર્ધન પ્રકરણ…!

કૃષ્ણ ચરિત્રમાં આવતી મહત્ કથાઓ દરેક યુગમાં તત્કાલીન એટલે કે સર્વકાલીન રીતે અર્થપૂર્ણ હોય છે. કૃષ્ણનું જીવન અને રામનું જીવન બધી જ રીતે બોધાત્મક છે.…

કૃષ્ણ ચરિત્રમાં આવતી મહત્ કથાઓ દરેક યુગમાં તત્કાલીન એટલે કે સર્વકાલીન રીતે અર્થપૂર્ણ હોય છે. કૃષ્ણનું જીવન અને રામનું જીવન બધી જ રીતે બોધાત્મક છે. એ જ કારણસર એમની જીવન કથાઓ અને એમના ચરિત્રનું ગાન ભારતવર્ષમાં સદીઓથી ચાલે છે. મનુષ્યના અંત:કરણને ઉજ્જવળ કરવાની દિવ્ય ઔષધિ સ્વરૂૂપે ભારત પાસે મહાન ચરિત્રોની વિરાટ આકાશ ગંગા છે. નવાઈની વાત છે કે આપણી શિક્ષણ વ્યવસ્થા અને જનજીવન આ અમૃતપાનને પોતાના ક્રમમાં બહુ આસાનીથી સમાવી શકતા નથી. કૃષ્ણ ચરિત્રનું એક અદભુત પ્રકરણ ગોવર્ધન પૂજન છે.

આમ તો આ પ્રકારની ઘટનાના મૂળમાં દેવોનું અભિમાન છુપાયેલું છે. બ્રહ્મા જેવા દેવ કૃષ્ણના સખાઓ અને ગાયોના વાછદડાઓનું અપહરણ કરી લે છે અને ઇન્દ્ર મેઘને આદેશ આપે છે કે સમગ્ર ગોકુળને વરસાદી જળમાં વહાવી દો. ઇન્દ્ર તો આપણા પંચ ઇન્દ્રિયોના અધિષ્ઠાતા દેવ છે, એટલે એમાં ઈર્ષા તો સ્વાભાવિક છે. ગોકુળમાં જ્યારે મેઘધાંડવથી આહાકાર મચી ગયો ત્યારે કૃષ્ણએ પોતાના થોડા ઘણા, અપહરણમાંથી બચી ગયેલા, મિત્રોને લઈને, ગોવર્ધન પર્વત ઉચકવાની શરૂૂઆત કરી. બધાએ ટેકો કર્યો અને ગોવર્ધન પર્વત ઉંચકાયો.
આ મૂળભૂત કથા છે. આ કથામાં કૃષ્ણ પોતે જ બધો ભાર ઉપાડતો હોવા છતાં આ ભાર હું તો અમથો ઉપાડું છું એવું બતાવવા માટે પોતાની ડાબા હાથની ટચલી આંગળી અડાડી છે. તમામ મિત્રોએ પોતાની લાકડી ગોવર્ધનને અડાડી રાખી છે. આ પ્રકરણ મનુષ્યની જિંદગીમાં આપત્કાળે આવી પડતી જવાબદારીઓનો રહસ્યમય અધ્યાય છે. મુખ્ય ભાર તો કૃષ્ણ ઉપાડે છે પરંતુ યશ પોતાની ટીમને આપે છે. બધા જ ગોવાળોને લાકડી અડાડી હોવાને કારણે કૃષ્ણ લગભગ નિર્ભાર થઈ જાય છે. સંપીલા સમાજમાં અને સંપીલા પરિવારોમાં જિંદગી નિર્ભાર એટલે કે હળવી ફૂલ હોય છે.

ગોવર્ધન પ્રકરણ કૃષ્ણ ચરિત્રમાં પરંપરાની ઉત્થાપના અને ઇનોવેશનની સ્થાપનાનું પ્રકરણ છે. વર્ષોથી ઇન્દ્રની પૂજા થતી આવી છે, વેદોમાં પણ અવારનવાર ઈદમ્ ઇન્દ્રાય, ઈદમ્ ન મમ: – એમ કહેવામાં આવ્યું છે. નંદ અને યશોદા ઇન્દ્રની પૂજાની તૈયારીમાં વ્યસ્ત છે, ત્યારે કૃષ્ણએ એમની સમક્ષ નવો વિચાર રજૂ કર્યો છે કે ઈન્દ્ર તો આપણને કંઈ રાખતો નથી અને આપણું પાલન તો આ વૃંદાવન, આ યમુના અને આ ગોવર્ધન જ કરે છે તો એમની પૂજા થવી જોઈએ. ત્યારે યશોદા કહે છે કે ઈન્દ્રની પૂજાનો ઇન્કાર ન કરાય પુત્ર…! ઈન્દ્ર કોપાયમાન થાય. એના જવાબમાં કૃષ્ણ કહે છે કે પૂજા કરવી એ મનુષ્યનો ધર્મ છે, પરંતુ પૂજા કરાવવી એ દેવોનું કામ નથી. કોપાયમાન થાય એ થોડા દેવ કહેવાય ?

યશોદા, હું તને ચાહું છું અને તું મારી માતા છે તો હું થોડો તારા પર કોપાયમાન થાઉં છું? કૃષ્ણની દલીલો સામે આખરે નંદ અને યશોદા ઝૂકી જાય છે અને હજારો વર્ષોથી ચાલી આવતી ઇન્દ્રપૂજા અટકી જાય છે. શ્રીમદ ભાગવતમાં આ કથાનક બહુ વિસ્તારપૂર્વક વર્ણવવામાં આવ્યું છે. બીજી રીતે જુઓ તો ઇન્દ્ર આપણી સર્વ ઇન્દ્રિયોનો અધિપતિ છે અને આપણી ઇન્દ્રિયોનું સહજ કામ આપણા આધ્યાત્મિક વિકાસનું નથી. આ ઇન્દ્રિયો તો મનુષ્યને સંસાર તરફ આકર્ષિત કરે છે એટલે કે ઈન્દ્રનું કામ મનુષ્યને સાંસારિક પ્રવૃત્તિમાં વ્યસ્ત રાખવાનું છે.
કથા પ્રમાણે ઈન્દ્ર ક્રોધિત થઈને ગોકુળ પર બાર બાર મેઘને તૂટી પડવાનો આદેશ કરે છે. કૃષ્ણ પંથે કે કોઈ પણ પરમ તત્ત્વ તરફ તમે પગલું ઉપાડો કે તુરત જ ઇન્દ્રિયો બળવો કરે છે એ હકીકત છે. હરિનો મારગ છે શૂરાનો એમ કહેવાયું છે તે આ જ અર્થને પ્રબોધિત કરે છે. પરથમ પહેલા મસ્તક મૂકવું પડે છે. આખું ગોકુળ જળબંબાકાર થવા લાગે છે ત્યારે કૃષ્ણ પોતાની એક અમથી ટચલી આંગળીએ ગોવર્ધન પર્વત ઊંચકીને એના છત્રમાં સર્વ ગ્રામવાસી ગોપ-ગોપીઓને આરક્ષિત કરે છે.

કૃષ્ણે ગોવર્ધન ઊંચકવો પડે છે, કારણ કે ઈન્દ્રની પૂજા નહિ કરવાનો નિર્ણય એનો એકલાનો છે. એટલે જળપ્રલય સામે ગોકુળવાસીઓને ઉગારવાની જવાબદારી પણ એની એકલાની છે. પોતાના દરેક નિર્ણયથી ઊભા થતા સંયોગોનો ભાર ઉપાડવાની જવાબદારી પણ પોતાની જ માને એ વ્યક્તિ ગિરિધર છે. આવા ગિરિધરની ભારતને સરકારમાં, પ્રજાજીવનમાં અને પરિવારમાં જરૂૂર છે. નિર્ણય આપણો હોય પણ એનાથી સર્જાતા સંજોગોનો ભાર આપણે બીજા પર નાંખીએ તો એનો અર્થ એ છે કે આપણે જવાબદારીઓનો ગોવર્ધન ઉપાડવાનો આ અધ્યાય યોગ્ય રીતે આત્મસાત્ કર્યો નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *