48 કલાક બાદ વાતાવરણમાં ધીરે ધીરે પલટો આવવાની આગાહી : તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની શક્યતા
ચોમાસાને લઈને દેશભરમાં અલ નીનોની ચર્ચા વચ્ચે સામાન્ય લોકો અને ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. હવામાન વિભાગ દ્વારા કેટલાક વિસ્તારોમાં ઓછા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કૃષિ વૈજ્ઞાનિક ડો. જી.આર. ગોહિલે સૌરાષ્ટ્ર અને ગુજરાત માટે રાહતભરી માહિતી આપી છે. કૃષિ વૈજ્ઞાનિક ડો. જી.આર. ગોહિલે અલ નીનો શું છે, તેની અસર કેવી રીતે થાય છે અને આપણા વિસ્તારમાં તેની અસર કેટલી રહેવાની છે તે અંગેની જાણકારી આપી છે.
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના નિવૃત્ત કૃષિ વૈજ્ઞાનિક ડો. જી.આર. ગોહિલના જણાવ્યા મુજબ અલ નીનો એવી પરિસ્થિતિ છે જેમાં પ્રશાંત મહાસાગરના દરિયાઈ પાણીના તાપમાનમાં અડધાથી એક ડિગ્રી સેલ્સિયસ જેટલો વધારો થાય છે. આ ફેરફારના કારણે વૈશ્વિક હવામાનમાં બદલાવ જોવા મળે છે અને કેટલાક વિસ્તારોમાં વરસાદની અનિશ્ચિતતા ઉભી થાય છે. અલ નીનોની સીધી અને ગંભીર અસર સૌરાષ્ટ્ર તથા ગુજરાત વિસ્તારમાં સામાન્ય રીતે ઓછી રહેતી હોય છે.
હાલ જે રીતે દુષ્કાળ અથવા ખૂબ ઓછા વરસાદની ચર્ચાઓ થઈ રહી છે, તેવી ગંભીર સ્થિતિ સૌરાષ્ટ્ર માટે દેખાતી નથી. તેમના મત મુજબ આ વર્ષે વિસ્તારમાં એકંદરે સારો વરસાદ થવાની શક્યતા છે. 27 તારીખ સુધીમાં માવઠું થવાની શક્યતા છે, જ્યારે 29 તારીખ આસપાસ વાવાઝોડા જેવી પરિસ્થિતિ પણ સર્જાઈ શકે છે. આવા સમયે ખેડૂતોને પાક અને ખેતી સંબંધિત જરૂૂરી તકેદારી રાખવા અપીલ કરવામાં આવી છે. હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી અનુસાર, ગુજરાતમાં આગામી બે દિવસ સુધી મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા નહીં મળે. 48 કલાક બાદ વાતાવરણમાં ધીરે ધીરે પલટો આવશે અને તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની શક્યતા છે. જેના કારણે લોકોને ગરમીમાંથી સામાન્ય રાહત મળી શકે છે.
હાલના તબક્કે નીચલા સ્તરે પશ્ચિમી અને ઉત્તર-પશ્ચિમી પવનો ફૂંકાઈ રહ્યા છે. હવામાન વિભાગે જાણકારી આપી છે કે, ગુજરાતમાં હાલ મોટાભાગના વિસ્તારોમાં વાતાવરણ મુખ્યત્વે સૂકું છે અને કાળઝાળ ગરમીનો પ્રકોપ વર્તાઈ રહ્યો છે. હવામાન વિભાગ (ઈંખઉ) ના લેટેસ્ટ રિપોર્ટ અનુસાર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં તાપમાનનો પારો 41થી 44 ડિગ્રી સેલ્સિયસની આસપાસ પહોંચી ગયો છે. અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં આજે આકાશ ચોખ્ખું રહેશે અને મહત્તમ તાપમાન 43ઓઈ ની આસપાસ નોંધાવાની શક્યતા છે.
હાલમાં ઉત્તર ઈરાનથી લઈને ભારતના વિવિધ ભૌગોલિક ભાગોમાં હાલ 6 જેટલી હવામાન પ્રણાલીઓ સક્રિય થઈ છે. મધ્ય ટ્રોપોસ્ફેરિક સ્તરે ઉત્તર ઈરાન અને તેની આસપાસના વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ચક્રવાતી પરિભ્રમણ તરીકે સક્રિય છે. આ ઉપરાંત, ઉત્તર-પૂર્વ ઉત્તર પ્રદેશ, બિહાર અને ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળના વિસ્તારોમાં નીચલા ટ્રોપોસ્ફેરિક સ્તરે અલગ-અલગ ચક્રવાતી સિસ્ટમો સક્રિય થઈ છે. તેમજ પશ્ચિમ મધ્ય પ્રદેશથી લઈને દક્ષિણ આંતરિક કર્ણાટક સુધી એક ટ્રફ લાઇન વિસ્તરેલી છે. દક્ષિણ તટીય આંધ્ર પ્રદેશ અને તેને અડીને આવેલા વિસ્તારોમાં નીચલા અને મધ્ય ટ્રોપોસ્ફેરિક સ્તરે અન્ય એક ચક્રવાતી પરિભ્રમણ સ્થિત છે.
