SCA સામે હિયરિંગ: ડિસ્ટ્રિક્ટ એસો.ને સાંભળતા નિવૃત્ત જજ

પરિવારવાદ સામે નારાજગી, જિલ્લા કક્ષાના એસોસિએશનોને વોટિંગ રાઇટ્સ આપવા રજૂઆત સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા કરોડોની કમાણીનું ફિક્સ ડિપોઝીટમાં રોકાણ, જિલ્લા કક્ષાએ ફંડની ફાળવણીમાં અન્યાય સૌરાષ્ટ્રની…

પરિવારવાદ સામે નારાજગી, જિલ્લા કક્ષાના એસોસિએશનોને વોટિંગ રાઇટ્સ આપવા રજૂઆત

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા કરોડોની કમાણીનું ફિક્સ ડિપોઝીટમાં રોકાણ, જિલ્લા કક્ષાએ ફંડની ફાળવણીમાં અન્યાય

સૌરાષ્ટ્રની સૌથી મોટી ક્રિકેટ સંસ્થા સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનમાં ચાલતા પરિવારવાદ અને એકહથ્થુ શાસન સામે શરૂ થયેલ કાનુની લડાઇમાં હાઇકોર્ટે નિમેલા સુપ્રિમ કોર્ટના નિવૃત જસ્ટીસ એમ.આર. શાહે આજે રાજકોટમાં સરકીટ હાઉસ ખાતે જિલ્લા કક્ષાના ક્રિકેટ એસોસીએશનો અને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો. સહીતના પક્ષકારોને બંધબારણે વન ટુ વન સાંભળ્યા હતા.

નિવૃત જસ્ટીસ સમક્ષ રજુઆત કરવા આવેલા વિવિધ જિલ્લા ક્રિકેટ એસો.ના હોદેદારોએ મીડીયા સમક્ષ ભારે નારાજગી સાથે ઉકળાટ ઠાલવ્યો હતો અને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.માં ચાલતા પરિવારવાદ તથા એકહથ્થુ શાસન સામે સવાલો ઉઠાવ્યા હતા.

હોદેદારોએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.માં ખુલ્લો પરિવારવાદ ચાલે છે અને લોધા કમિટીની ભલામણોનો ઉલાળીયો કરવામાં આવી રહ્યો છે. એસો.ના 465 સભ્યોમાંથી 162 તો ત્રણ જ પરિવારના સભ્યો છે અને બાકીના ઘણા તેમના સગા-સંબંધીઓ તથા તેમને ત્યાં નોકરી કરતા લોકોને સભયો બેઠાથાળે ચુંટણી યોજી હોદાઓની વહેંચણી કરી લેવામાં આવે છે.

જિલ્લા કક્ષાના એસોસીએશનોના હોદેદારોએ ફંડની ફાળવણીમાં પણ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો. દ્વારા મનમાની ચલાવાતી હોવાનો આરોપ મુકયો હતો અને જણાવ્યું હતું કે દર વષેર એસસીએને કરોડો રૂપિયાની આવક થાય છે પરંતુ જિલ્લા કક્ષાના એસોસીએશનોને ખુબ મામુલી રકમ ફાળવવામાં આવે છે અને જિલ્લાકક્ષાની ટ્રોફીઓ રમાડવા માટે એક દોઢ લાખ માંડ ફાળવવામાં આવે છે. ખેલાડીઓને મેડીકલ ઇમરજન્સીમાં પણ કોઇ મદદ કરવામાં આવતી નથી.

બીજી તરફ ક્રિકેટના વિકાસ પાછળ નાણા વાપરવાના બદલે એસસીએ દ્વારા માત્ર બેંક એફડીમાં જ કરોડો રૂપિયાનું રોકાણ કરવામાં આવી રહ્યું છે. એસસીએ દ્વારા થતા ખર્ચાઓ સામે પણ મોટાભાગના પક્ષકારોએ સવાલો ઉઠાવ્યા હતા.

આજે નિવૃત જજ એમ.આર. શાહ સમક્ષ કચ્છ-ભુજ ક્રિકેટ એસોસીએશન, જામનગર ક્રિકેટ એસોસીએશન, પોરબંદર ક્રિકેટ એસોસીએશન સહીતના ક્રિકેટ એસોસીએશનના પ્રતિનિધિઓ દ્વારા રજુઆત કરવામાં આવી હતી. સૌરાષ્ટ્રના પૂર્વ ફાસ્ટ બોલર અને હાલ મેચ રેફરીની ભુમિકા નિભાવનાર પોરબંદરના રાજશે જાડેજાએ જણાવ્યું હતું કે જજ સમક્ષ અમે તમામ રજુઆત કરી છે અને કેટલાક ડોકયુમેન્ટ પણ અમે આપવાના છીએ. મુખ્ય મુદ્દો વોટીંગ રાઇટસ અને બંધારણનો છે.

આ સમગ્ર મુદ્દે હાઇકોર્ટમાં પીટીશન દાખલ કરનાર પોરબંદર ડિસ્ટ્રીકટ ક્રિકેટ એસોસીએશનના કિરીટ સવજાણીએ જણાવ્યું હતું કે અમારી લડાઇ અન્યાય સામે છે. જે ખોટુ થઇ રહયું છે તેની સામે છે. અમને વોટીંગ રાઇટસ મળવા જોઇએ અને સગા-સંબંધીવાદ પુરો થવો જોઇએ.

જામનગર રૂરલ ક્રિકેટ એસોસીએશનના પ્રમુખ સહદેવસિંહ ચુડાસમાએ પણ જણાવ્યું હતું કે અહીં હજુ રાજાશાહી ચાલે છે. જામનગરે જામ રણજી, જામ દુલીપ, વિનુ માંકડ, સલીમ દુરાની જેવા અનેક ક્રિકેટરો આપ્યા છે. પરંતુ સ્ટેડીયમનું નામ નિરંજન શાહ આપવામાં આવ્યું છે. અહીં ડિસ્ટ્રીકટ લવેલ યોગ્ય ક્રિકેટરોને સ્થાન મળતુ નથી અને પસંદગી પણ થતી નથી. જો કે નિવૃત જસ્ટીસ એમ.આર. શાહ સામે થયેલી રજુઆત બાદ એક રિપોર્ટ હાઇકોર્ટમાં જમાં કરવામાન આવશે અને આ મુદ્દે 10 જુને હાઇકોર્ટમાં કેસ આગળ વધશે.

એસસીએનું ઓડિટ પણ દોશી પરિવાર દ્વારા: જે નિયમની વિરૂધ્ધ છે

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનના વહીવટનું ઓડીટ પણ દોશી પરિવાર દ્વારા કરવામાં આવે છે. જે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.ના સભ્ય પણ છે. નિયમ મુજબ ઓડીટ કરનાર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનનો સભ્ય ન હોવો જોઇએ. પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી ઓડીટ દોશી પરિવારની પેઢી દ્વારા કરવામાં આવે છે. જે નિયમ વિરૂધ્ધ છે. તેમ પોરબંદર ડિસ્ટ્રીકટ ક્રિકેટ એસોસીએશનના કિરિટ સવજાણીએ જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *