જવાબદાર અધિકારીઓ સામે સાંજ સુધીમાં પગલાં ભરવાની મ્યુનિ.કમિશનરની ખાતરી
ડિમોલિશનનો ઓર્ડર હતો જ નહીં, ડિમોલિશનના નામે પોલીસે મકાન તૂટવા દીધા, પીડિતોની ફરિયાદ પણ લીધી નહીં
ભારે ખળભળાટ મચાવનાર નાસીરનગર ડિમોલિશનકાંડની સુનાવણીમાં સુરત કોર્પોરેશન, પોલીસ અને ટોરેન્ટ પાવરના અધિકારીઓ ઘેરાયા
સુરતના ચકચારી નાસીરનગર ડિમોલિશન કેસમાં ગુજરાત હાઇકોર્ટમાં મહત્ત્વપૂર્ણ સુનાવણી હાથ ધરાઇ હતી. સુનાવણી દરમિયાન આ કથિત ડિમોલિશન ભૂતીયું હોવાનું ખુલ્યું હતું. સુરત મ્યુનિસિપલ કમિશનર વતી એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ હાઇકોર્ટને જણાવ્યું હતું કે ડિમોલિશનનો કોઈ આદેશ જ ન હતો. આ ઉપરાંત જવાબદાર અધિકારીઓ સામે તપાસ ચાલુ લગભગ પૂર્ણ થઇ ગઈ છે અને આજે સાંજ સુધીમાં એક્શન પણ લેવાઈ જશે. આજે હાઇકોર્ટે સુરત ડિમાર્કેશનની કામગીરી માટે આટલો મોટો પોલીસ કાફલો ખડકવા અને વીજ પુરવઠો કાપી નાખવા અંગે પણ ઝાટકણી કાઢી છે. હાઇકોર્ટે એક મહિના પછી પણ સંપૂર્ણ સોગંદનામું રજૂ ન કરવા બદલ નારાજગી વ્યક્ત કરી હતી અને સરકારને આગામી 2 જુલાઇ સુધીમાં વિગતવાર જવાબ રજૂ કરવાનો આદેશ આપ્યો છે.
આજે સુરત મ્યુનીસીપલ કમિશનર વતી એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી કોર્ટમાં હાજર રહ્યા હતા. તેમણે કોર્ટ સમક્ષ જણાવ્યું હતું, કે જે થયું તે બનવું જોઇતું નહોતું અને સરકાર સમગ્ર ઘટનાની ગંભીરતાથી તપાસ કરી રહી છે. મ્યુનિ. કમિશ્નર દ્વારા કોઈ જ ડિમોલિશનનો ઓર્ડર અપાયો નથી. આ માટે જવાબદાર અધિકારીઓ સામે તપાસ ચાલુ છે. જેની સામે આજે સાંજ સુધીમાં આકરા પગલાં લેવાવાની બાંહેધરી આપી છે.
સુનાવણી દરમિયાન હાઇકોર્ટે સુરત પોલિશ કમિશ્નરને અનેક ગંભીર સવાલો પૂછ્યા હતા. કોર્ટે પૂછ્યું કે જો માત્ર ડિમાર્કેશન માટે અધિકારીઓ સ્થળ પર ગયા હતા તો આટલી મોટી સંખ્યામાં પોલીસ શા માટે હાજર હતી? ઉચ્ચ અધિકારીઓ કોના આદેશથી સ્થળ પર પહોંચ્યા હતા? પોલીસ કમિશનર વતી સરકારી વકીલ ગુરશરણ વિર્કે કોર્ટમાં જણાવ્યું કે ડિમાર્કેશન માટે પોલીસને અગાઉથી લેખિત જાણ કરવામાં આવી હતી. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસની મદદ લેવામાં આવી હતી. હાઇકોર્ટે સરકારને વધુ એક સવાલ કરતાં પૂછ્યું કે એક મહિનો વીતી ગયો છતાં હજુ સુધી સંપૂર્ણ સોગંદનામું કેમ રજૂ કરવામાં આવ્યું નથી? આ સમય દરમિયાન સરકારે શું કાર્યવાહી કરી તે અંગે પણ સ્પષ્ટતા માગી હતી.
અરજદારો તરફથી એડવોકેટ ધવલ રાણાએ કોર્ટમાં રજૂઆત કરી હતી કે સમગ્ર કાર્યવાહી દરમિયાન અસરગ્રસ્ત પરિવારોના અધિકારોનું ઉલ્લંઘન થયું છે. જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે અને અસરગ્રસ્તોને યોગ્ય ન્યાય તથા રાહત આપવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી હતી. હવે આ સમગ્ર મામલે ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારને વધુ વિગતવાર જવાબ રજૂ કરવાનો નિર્દેશ આપ્યો છે. હવે કેસની આગામી સુનાવણી 2 જુલાઈએ હાથ ધરવામાં આવશે.
અમને ટેલિફોન દ્વારા કીધું, અમે પહોંચી ગયા અને પાવર કટ કરી નાખ્યો : ટોરેન્ટ પાવર
સુનાવણી દરમિયાન હાઇકોર્ટે વીજ પુરવઠો કાપવાના મુદ્દે પણ સવાલ ઉઠાવ્યો હતો. કોર્ટે પૂછ્યું કે વીજળી કાપવાનો નિર્ણય કોના કહેવાથી લેવામાં આવ્યો હતો? અસરગ્રસ્ત પરિવારોના હિત માટે શું પગલાં લેવામાં આવ્યા છે? ટોરેન્ટ પાવરે કોર્ટમાં જણાવ્યું હતું કે, જ્યારે તેમની ટીમ સ્થળ પર પહોંચી ત્યારે ડિમોલિશનની કામગીરી પહેલાથી જ શરૂૂ થઈ ચૂકી હતી. તેમને માત્ર ટેલિફોનિક જાણ કરવામાં આવી હતી અને તેઓ પહોંચ્યા ત્યાં સુધીમાં વીજ મીટરો તૂટી ચૂક્યા હતા. કંપનીએ દાવો કર્યો કે વીજ પુરવઠો બંધ ન કરવામાં આવ્યો હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ શકતી હતી.
નાસીરનગરમાં ડિમાર્કેશન માટે બંદોબસ્ત માગી ડિમોલિશન કરી નાખ્યું, પોલીસ પ્રોટેક્શન ગુનાખોરીને પ્રોત્સાહન આપવા છે? : હાઇકોર્ટની ઝાટકણી
સુનાવણી દરમિયાન ખુલાસો થયો હતો કે બંદોબસ્ત ડિમાર્કેશન માટે મંગાવામાં આવ્યો હતો. જેના પર હાઈકોર્ટે એક ગંભીર ટિપ્પણી કરતાં જણાવ્યું કે સમગ્ર ઘટનાક્રમ દરમિયાન પોલીસની હાજરી હોવા છતાં કથિત ગેરકાયદે પ્રવૃત્તિઓ થઈ હતી. કોર્ટે કહ્યું કે પોલીસની છત્રછાયામાં ક્રિમિનલ એક્ટિવિટી કરવામાં આવી અને પોલીસ સમગ્ર ઘટનાની માત્ર મુક્ત પ્રેક્ષક બની રહી હતી. હાઈકોર્ટની આ કડક ટિપ્પણીઓ બાદ હવે સમગ્ર મામલે આગામી સુનાવણી અને તંત્ર દ્વારા લેવામાં આવનારા પગલાં પર સૌની નજર છે. આ કેસમાં કોર્ટે આપેલા અવલોકનોને કારણે વહીવટી તંત્રની કામગીરી પર અનેક સવાલો ઊભા થયા છે.
