સરકારે કોર્પોરેશનને મોકલેલ દરોડાનું હિટલીસ્ટ લિક !

મીનરલ વોટરના ધંધાર્થીઓને ત્યાં દરોડા પડે તે પહેલા 53 પેઢીનું લિસ્ટ વાયરલ થઇ જતા ખળભળાટ સરકારનો ખાનગી પત્ર લિક થઇ જતા ધંધાર્થીઓએ બધુ સગેવગે કરી…

મીનરલ વોટરના ધંધાર્થીઓને ત્યાં દરોડા પડે તે પહેલા 53 પેઢીનું લિસ્ટ વાયરલ થઇ જતા ખળભળાટ

સરકારનો ખાનગી પત્ર લિક થઇ જતા ધંધાર્થીઓએ બધુ સગેવગે કરી નાખ્યું, અધિકારીઓ પણ ચોંક્યા

મહાનગરપાલિકાની અલગ અલગ વિભાગની કામગીરી વધુ અસરકારક બની શકે તે માટે અને લોક ઉપયોગી યોજનાઓમાં નવા નિયમોની અમલ વારી સહિતના મુુદ્દે સરકાર દ્વાર કોર્પોરેશનને પત્ર પાઠવી સુચનાઓ આપવામાં આવતી હોય છે. જે અંતર્ગત ગઇકાલે સરકારે આરોગ્ય વિભાગને નામ જોગ મીનરલ વોટરના ધંધાર્થીઓને ત્યા ચેકિંગ કાર્યવાહી કરવાનો પત્ર પાઠવ્યો હતો. પરંતુ આ પત્રની અમલવારી શરૂ કરાઇ તે પહેલા પત્ર લીક થઇ જતા અને લીસ્ટ વાયરલ થઇ જતા પાણીના ધંધાથીઓએ બધુ સગેવગે કરી નાખતા ચેકિંગ ટીમને ધરમનો ધક્કો થયો હોવાની અને સરકારનો પત્ર લીક કોને કર્યો તે મુદ્દે કોર્પોરેશનમાં ખળભળાટ મચી ગયો છે.
કોલેરા મહામારી સામે આગમ ચેતીના પગલા લઇ શકાય તે માટે સરકારે ઉનાળો બેસાત જ અસરકારક કામગીરી કરવા દરેક મહાનગરપાલિકા અને નગરપાલિકાઓને સુચના આપી છે. જે અંતર્ગત સરકારે ગઇકાલે મનપાના આરોગ્ય વિભાગે એક પત્ર પાઠવ્યો હતો.

આ પત્રમાં ગત વર્ષે ચેકિંગ કરેલ શહેરના તમામ મીનરલ વોટરના ધંધાર્થીઓના નામ સાથે તમામ સ્થળે ચેકિંગ કરવાની સુચના આપી હતી. આ પત્ર બપોરે મળ્યા હોવાનુ જાણવા મળેલ છે. જેના આધારે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા બપોર બાદ મીનરલ વોટરના ધંધાર્થીઓને ત્યા ચકાસણી શરૂ કરી હતી. જયારે બીજી તરફ આરોગ્ય વિભાગ ચકાસણી કરે તે પહેલા પત્ર તમામ વિગત સાથે વાયરલ થઇ ગયાની અફવા ઉઠતા અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા. પત્ર લીક થતા આ પત્રમાં દર્શાવેલ તમામ મીનરલ વોટરના ધંધાર્થીઓ ચેતી ગયા હતા અને નિયમ વિરૂધનુ હોય તેવુ તમામ સગેવગે કરી નાખ્યુ હતુ આ મુદ્દે આરોગ્ય વિભાગમાં પૂછપરછ કરતા માલુમ પડેલ કે, મીનરલ વોટરના ધંધાર્થીઓને ત્યા હાલ ચેકિંગ કાર્યવાહી ચાલુ છે અને આ બાબતની જાણ કરી સરકાર અને આરોગ્ય વિભાગ સીવાઇ કોઇ પાસે નથી.

સરકારે આરોગ્ય વિભાગને મોકલેલ પત્ર લીક થયાની કોર્પોરેશનમાં ચર્ચા ઉઠાયા બાદ ઉચ્ચ અધિકારીઓ પણ આ મુદ્દે તપાસમાં લાગી ગયા હોવાનુ જાણવા મળે છે. કારણ કે સરકાર દ્વારા આ પ્રકારના એનક ઇમરજન્સી તેમજ ખાનગી પત્રો કોર્પોરેશનને મોકલતા હોય છે. જે લીક થવાના કારણે પ્રજા અન્યથા તંત્રને પણ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. ત્યારે ગઇકાલે રોગચાળા જેવા અતી સંવેદનશીલ વિગત દર્શાવતો પત્ર લીક થતા અને આ મુદ્દે ચર્ચા શરૂ થતા આ મુદ્દો તપાસનો વિષય બન્યો છે. છતા ઉચ્ચ અધિકારીઓ દ્વારા આગામી દિવસોમાં પત્ર લીક કરનારને શોધી તેની વિરૂધ્ધ કયા પ્રકારના પગલા લેવાશે તે તરફ સૌની મીટ મંડાયેલી છે.

ડિજિટલ યુગમાં ગાંધીનગરથી રાજકોટથી પરીપત્ર પહોંચતા લાગે છે 15 દિ’નો સમય
સરકાર દ્વારા કોઇ પણ વિભાગને નવા નિયમો અથાવ સુચના આપવાની હોય ત્યારે જે તે તંત્રને પરિપત્ર પાઠવવામાં આવતો હોય છે. મોટાભાગના વિભાગના ઉચ્ચ અધિકારીઓ ગાંધીનગર બેસે છે અને રાજ્યનુ મોટાભાગનુ સંચાલન ગાંધીનગરથી થઇ રહ્યુ છે. ત્યારે આજની ઘટના બાદ લોકોમાં ફરી એક વખત ચર્ચા જાગી છે કે, સરકાર દ્વારા કોઇ જાતનો પરિપત્ર કરવામાં આવે ત્યારે લોકોને જાણ થઇ ગયા બાદ અમુક પત્રો 15 દિવસે પણ જે તે વિભાગના અધિકારી સુધી પહોંચતા નથી અને અમુક પત્રને ગાંધીનગરથી રાજકોટ પહોંચતા 15 દિવસનો સમય લાગી જાય છે. છતા તંત્ર દ્વારા કે સરકાર દ્વારા આ મુદ્દે કયારેય તપાસ કરાઇ નથી. જેનુ પરિણામ ગઇકાલે જોવા મળ્યુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *