ત્રિદિવસીય યુવક મહોત્સવનો પ્રારંભ: 800થી વધારે કલાકારો 40 સ્પર્ધામાં કલાના કામણ પાથરશે
રાજય સરકાર દ્વારા રાજકોટમાં આજથી રાજયકક્ષાના યુવક મહોત્સવનો પ્રારંભ કરવવામાં આવ્યો છે. ત્રણ દિવસ રાજકોટના દુહા-છંદ, ચોપાઇ, લગ્નગીત, ભજન સહિત 40 જેટલી કૃતિમાં કલાકારો કલાના કામણ પાથરી રહ્યા છે.
આ યુવા મહોત્સવમા આજે લોકનૃત્ય, સમૂહગીત, હળવું સંગીત, એકપાત્રીય અભિનય, એકાંકી, લગ્નગીત, લોકગીત, ભજન, શાસ્ત્રીય કંઠ્ય સંગીત (હિન્દુસ્તાની), શાસ્ત્રીય કંઠ્ય સંગીત (કર્ણાટકી), એગ્રો પ્રોડક્ટ, વિજ્ઞાન મેળો, ટેક્ષ ટાઈલ્સ, હેન્ડીક્રાફ્ટ અને સર્જનાત્મક સ્પર્ધાઓ યોજાશે.
જ્યારે 6 ડિસેમ્બરનાં કથ્થક, ભરતનાટયમ, કુચિપુડી, ઓડીસી, મણીપુરી, લોકવાદ્ય સંગીત, તબલા, હાર્મોનિયમ (હળવું), સીતાર, ગીટાર, મૃદગમ અને વીણા સ્પર્ધાઓ યોજાશે. તેમજ 7 ડિસેમ્બરનાં રોજ વાંસળી, વકતૃત્વ, શીઘ્ર વકતૃત્વ, ડિકલેમેશન, લોકવાર્તા તેમજ દુહા-છંદ-ચોપાઈ, નિબંધ, પાદપુર્તિ, સ્ટોરી રાઈટીંગ, કાવ્ય લેખન-વાંચન, ગઝલ-શાયરી લેખન, ચિત્રકલા, પોસ્ટર મેકિંગ સહિત જુદી-જુદી 40 સ્પર્ધાઓ યોજાશે. રાજકોટમાં લાંબા સમય બાદ આ પ્રકારની રાજ્યકક્ષાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સૌરાષ્ટ્રની ભાતીગળ સંસ્કૃતિને ઉજાગર કરતા દુહા, છદ, લોકગીતો સહિતની 40 સ્પર્ધાઓ યોજાનાર છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા, ત્યારથી આ પ્રકારે કાર્યક્રમો યોજી કલાકારોને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત રાજકોટમાં યોજાયેલા રાજયકક્ષાના કાર્યક્રમ માટે તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં બહારથી આવનારા સ્પર્ધકોને રહેવા-જમવા સહિતની તમામ વ્યવસ્થા ખૂબ સારી રીતે કરવામાં આવી છે. અને આગામી સમયમાં આવી વધુમાં વધુ સ્પર્ધાઓ રાજકોટ શહેરમાં યોજાય તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.