દીકરાની જાન પહેલા પિતાનું હૃદય બેસી ગયું

સાતડા ગામે કોળી પરિવારમાં ગઈકાલે દીકરાની જાન જવાની હતી અને આજે દીકરીના લગ્ન હતાં : પરિવારમાં શોક છવાયો રાજકોટ શહેરના કુવાડવા પાસે આવેલા સાતડા ગામે…

સાતડા ગામે કોળી પરિવારમાં ગઈકાલે દીકરાની જાન જવાની હતી અને આજે દીકરીના લગ્ન હતાં : પરિવારમાં શોક છવાયો

રાજકોટ શહેરના કુવાડવા પાસે આવેલા સાતડા ગામે એક કરૂણ ઘટના બની ગઈ હતી. જેમાં કોળી પરિવારના આંગણે ગઈકાલે દીકરાની જાન જાય તે પહેલા જ પિતાનું હાર્ટએટેકથી મૃત્યુ નિપજતાં હરખનો પ્રસંગ શોકમાં ફેરાવી ગયો હતો. તેમજ આજે દીકરીના લગ્ન હોય જે પણ શાંતિથી પુરા કરવામાં આવ્યા હતાં.

વધુ વિગતો મુજબ સાતડા ગામે રહેતાં અને ખેતીકામ કરતાં દાનાભાઈ નાથાભાઈ મેઘાણી નામનાં 50 વર્ષના પ્રૌઢ ગઈકાલે તેમના દિકરાના લગ્નની જાન રાત્રે જવાની હોય સાંજના ચારેક વાગ્યે પરિવારજનો સાથે બેઠા હતાં ત્યારે અચાનક ઢળી પડતાં તેમને ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતાં. જ્યાં ફરજ પરના તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતાં. પરિવારજનોએ આ મામલે જણાવ્યું હતું કે, મૃતક દાનાભાઈને સંતાનમાં ચાર દીકરી અને એક દીકરો છે. તેમજ પોતે ચાર ભાઈ ત્રણ બહેનમાં પાંચમાં નંબરના હતાં અને ગઈકાલે દીકરાની જાન જવાની હતી અને આજે તેમની મોટી દીકરીના લગ્ન હોય જાન આવવાની હતી.

ગઈકાલે તેઓ દીકરાના લગ્નનો જમણવારનો પ્રસંગ હોય સાંજના ચારેક વાગ્યે પરિવારજનો સાથે બેઠા હતાં ત્યારે અચાનક બેભાન થઈ જતાં તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આમ પરિવારમાં હરખનો પ્રસંગ માતમમાં ફેરવાયો હતો. જ્યારે બીજા બનાવમાં રૈયા ટેલિફોન એકક્ષ્ચેન્જ પાસે સોમનાથ સોસાયટીમાં રહેતાં મનોજભાઈ કિશોરભાઈ ગોહિલ (ઉ.46) સવારે પોતાના ઘર પાસે આવેલા તુલસી બગીચામાં બેઠા હતાં ત્યારે બેભાન થઈ જતાં તેમનું મૃત્યુ નિપજ્યું હતું. તેઓ બે ભાઈ બે બહેનમાં બીજા નંબરનાં હતાં. તેમજ અન્ય બનાવમાં ગંજીવાડા મેઈન રોડ પર રહેતાં નારણભાઈ બીજલભાઈ બથવાર (ઉ.45) રાત્રીનાં સમયે પોતાના ઘરે હતાં ત્યારે હાર્ટએટેક આવતાં તેઓને તુરંત હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેઓને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતાં. તેઓ રીક્ષાના સીટ કવર બનાવી પરિવારનું ગુજરાન ચલાવતાં હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *