શહેરમાં રોગચાળો અટકવાનું નામ લેતો નથી, અઠવાડિયામાં ડેન્ગ્યુના 6 કેસ

રાજકોટ શહેરમાં મચ્છરજન્ય અને મોસમી રોગચાળાનું જોખમ યથાવત રહ્યું છે. રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરના આંકડા મુજબ, શહેરમાં સતત બીજા અઠવાડિયે…

રાજકોટ શહેરમાં મચ્છરજન્ય અને મોસમી રોગચાળાનું જોખમ યથાવત રહ્યું છે. રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરના આંકડા મુજબ, શહેરમાં સતત બીજા અઠવાડિયે પણ ડેન્ગ્યુના નવા 6 કેસ નોંધાયા છે. આ સાથે જ 1 જાન્યુઆરી 2026 થી અત્યાર સુધીમાં ડેન્ગ્યુના કુલ કેસોની સંખ્યા વધીને 47 પર પહોંચી ગઈ છે.

આરોગ્ય શાખા દ્વારા જારી કરાયેલા અહેવાલ મુજબ, તા. 19/10/2026 થી તા. 25/10/2026 દરમિયાન મચ્છર અટકાયતી કામગીરી અંતર્ગત ફિલ્ડ વર્કરો દ્વારા 68,403 ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવી હતી અને 894 ઘરોમાં ફોગિંગ કરવામાં આવ્યું હતું. મચ્છરોની ઉત્પત્તિ અટકાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કડક પગલાં લેવામાં આવી રહ્યા છે, જેના ભાગરૂૂપે રહેણાંક વિસ્તારો તેમજ વાણિજ્યિક એકમો, શાળાઓ, હોસ્પિટલો અને હોટેલો જેવી 238 જેટલી અન્ય જગ્યાઓની ચકાસણી કરવામાં આવી હતી.

મચ્છર ઉત્પત્તિ સબબ બેદરકારી દાખવનાર રહેણાંક વિસ્તારોના 158 અને કોમર્શિયલ એકમોના 50 આસામીઓને નોટિસ ફટકારવામાં આવી છે. સાપ્તાહિક આંકડાકીય વિગત મુજબ, ડેન્ગ્યુના 6 કેસ (વર્ષમાં કુલ 47) નોંધાયા છે, જ્યારે મેલેરિયા અને ચિકુનગુનિયાના સાપ્તાહિક કેસોની સંખ્યા શૂન્ય રહી છે અને વર્ષના કુલ કેસ અનુક્રમે 13 અને 2 નોંધાયેલા છે. આ ઉપરાંત મોસમી બીમારીઓમાં શરદી-ઉધરસના 882 કેસ (વર્ષમાં કુલ 33,988), સામાન્ય તાવના 757 કેસ (વર્ષમાં કુલ 31,778) અને ઝાડા-ઉલટીના 138 કેસ (વર્ષમાં કુલ 11,243) સાપ્તાહિક ધોરણે સામે આવ્યા છે. મચ્છરજન્ય રોગો અટકાવવા માટે નાગરિકોએ પોતાના ઘરની આસપાસ ચોખ્ખું પાણી જમા ન થવા દેવા અને સ્વચ્છતા જાળવવા માટે આરોગ્ય તંત્ર દ્વારા વિશેષ અપીલ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *