ઈરાને ઈદ અલ-ફિતરના દિવસે જ જેરુસલેમ પર હુમલો કરતાં ઈઝરાયલ-અમેરિકા સામેના ઈરાનના યુદ્ધમાં નવો ટિવસ્ટ આવી રહ્યો છે. આ હુમલો પણ અલ-અક્સા મસ્જિદને ટાર્ગેટ કરીને કરાયો હતો. ઈઝરાયલે યુદ્ધની સ્થિતિને કારણે 60 વર્ષમાં પહેલી વાર અલ-અક્સા મસ્જિદ બંધ કરાવી તેના કારણે સુન્ની મુસ્લિમો ભડકેલા હતા ત્યાં જ ઈરાને મિસાઈલથી હુમલો કરી દેતાં સુન્ની મુસ્લિમોમાં ભારે આક્રોશ છે. ઇરાન સામે શરૂ કરાયેલા આ યુધ્ધમાં વારંવારના નાટયાત્મક વળાંક બતાવે છે કે હવે આ દુનિયા વિશ્ર્વયુધ્ધથી બહુ દુર નથી સદનસીબે ઈરાને છોડેલી મિસાઈલ અલ-અક્સા મસ્જિદથી લગભગ 300 મીટર દૂર પડતાં અલ-અક્સા મસ્જિદને કોઈ નુકસાન ના થયું પણ મસ્જિદની બહાર નમાઝ પઢવા એકઠા થયેલા મુસ્લિમોમાં ભાગદોડ મચી ગઈ. મસ્જિદના બંધ દરવાજાની બહાર ઈદની નમાઝ પઢી રહેલા મુસ્લિમોમાંથી એકનું મોત થયું હોવાના પણ અહેવાલ છે.
ઈરાનના જેરુસલેમ પરના મિસાઈ હુમલા સામે ઈઝરાયલ અને આરબ દેશો બંનેએ આકરી પ્રતિક્રિયા આપી છે. આરબ દેશોએ ધમકી આપી છે કે, હવે પછી અલ-અક્સા મસ્જિદ કે બીજા કોઈ ધાર્મિક સ્થળને નિશાન બનાવીને હુમલો કરાશે તો ઈટનો જવાબ પથ્થરથી અપાશે અને આરબ દેશો ભેગા મળીને ઈરાનનો સફાયો કરી દેશે. ઈઝરાયલનું કહેવું છે કે, આ હુમલાએ ઈરાનનો અસલી ચહેરો છતો કરી દીધો છે અને કહેવાતા ધાર્મિક મુલ્લારાજ પાછળ મુસ્લિમોનો જ ખાતમો કરવાની નફરતની ભાવના સિવાય કંઈ નથી. આ ઘટનાના વિશ્વભરના મુસ્લિમોમાં પણ ઘેરા પ્રત્યાઘાત પડયા છે પણ આ પ્રત્યાઘાત ઈરાનની એકદમ વિરુદ્ધ નથી એ રસપ્રદ છે. બલ્કે ઈઝરાયલલે ઈરાન સામેના યુદ્ધના બહાને અલ-અક્સા મસ્જિદ બંધ કરીને મુસ્લિમો પાસેથી આ પવિત્ર સ્થાન છિનવી લીધું એવા આક્ષેપો થઈ રહ્યા છે. સોશ્યલ મીડિયા પર ઈરાનની ઝાટકણી કાઢતા મેસેજ તો છે પણ વધારે મેસેજ ઈઝરાયલની કોપિરસી થિયરીના છે.
ઈઝરાયલ ઈરાનનું નામ દઈને અલ-અક્સા મસ્જિદને ઉડાવી દેવાની ફિરાકમાં હોવાની વાતો થઈ રહી છે અને મિસાઈલ ઈરાને નહીં પણ ઈઝરાયલે જ છોડી હોવાના દાવા પણ કરાઈ રહ્યા છે. ઈરાન આ મુદ્દે ચૂપ છે પણ વૈશ્વિક બાબતોના નિષ્ણાતો માને છે કે, જેરુસલેમને નિશાન બનાવીને ઈરાન જોરદાર વ્યૂહાત્મક ગેમ રમી રહ્યું છે. અત્યારે સાઉદી અરેબિયા સહિતના આરબ દેશો અમેરિકા અને ઈઝરાયલના પડખે છે. ઈરાન અલ-અક્સા મસ્જિદને નિશાન બનાવીને ઈઝરાયલ અને આરબ દેશોને સામસામે મૂકવા માગે છે. અલ-અક્સા મસ્જિદને નુકસાન થાય તો ઈઝરાયલ અલ-અક્સા મસ્જિદનું રક્ષણ ના કરી શક્યું એમ માનીને મુસ્લિમો તેની સામે ભડકે તેથી આરબ દેશોએ ઈઝરાયલનો સાથ છોડવો પડે. જો યુધ્ધ લાંબુ ચાલે તો એ યુક્રેન રશિયા જેવું એકાંગી નહીં હોય પણ વિકરાળ વિશ્ર્વયુધ્ધ જ હશે.
ઈરાન જેરુસલેમમાં તબાહી મચાવીને દુનિયાભરના મુસ્લિમોની સહાનુભૂતિ મેળવવાનો દાવ પણ ખેલી રહ્યું છે. આ વાતને સમજવા માટે જેરુસલેમનું મહત્ત્વ સમજવું જરૂૂરી છે. જેરુસલેમ સાથે ત્રણ ધર્મનાં લોકોની ધાર્મિક માન્યતાઓ જોડાયેલી છે અને તેના પર કબજા માટે વરસો સુધી જંગ ખેલાયો છે. જેરુસલેમને યહૂદી, ખ્રિસ્તી અને મુસ્લિમ એમ ત્રણેય ધર્મના લોકો અતિ પવિત્ર સ્થળ માને છે.
મુસ્લિમો માટે ઓલ્ડ સિટીમાં અલ અક્સા મસ્જિદ સૌથી પવિત્ર સ્થળ છે. અલ અક્સા મસ્જિદને મુસ્લિમો મક્કા અને મદીના પછી ત્રીજું સૌથી પવિત્ર સ્થળ માને છે. મુસ્લિમોની માન્યતા છે કે, મોહમ્મદ પયગંબર સાહેબે જન્નતની યાત્રા જેરુસલેમથી કરી હતી. ડોમ ઓફ ધ રોક મસ્જિદ પણ મુસ્લિમ વિસ્તારમાં છે. યહૂદી ધર્મસ્થાન તોડીને બનાવાયેલી આ મસ્જિદ યહૂદી અને મુસ્લિમ વિવાદમાં કેન્દ્રસ્થાને છે. ખ્રિસ્તીઓ માટે જેરુસલેમમાં આસ્થાનું કેન્દ્ર ‘ચર્ચ ઓફ ધ હોલી સેપલ્કર’ છે. ખ્રિસ્તીઓ માને છે કે, જીસસ ક્રાઈસ્ટ એટલે કે ઇસુ ખ્રિસ્તને વધસ્તંભે આ જ સ્થળે ચડાવવામાં આવ્યા હતાં. જીસસ આ સ્થળેથી જ સ્વર્ગમાં ગયા હોવાની માન્યતા પણ છે. ત્રણેય ધર્મનાં લોકો વચ્ચે આ માન્યતાઓના કારણે વરસોથી સંઘર્ષ ચાલ્યા જ કરે છે.
