કચ્છમાં કોંગ્રેસના કોર્પોરેટરની ટોળકીના હનીટ્રેપનો શિકાર બનેલ યુવાને તળાવમાં પડતુ મૂકી આપઘાતનો પ્રયાસ કરતા ચકચાક જાગી છે.બે દિવસ પહેલા કોંગ્રેસના કોર્પોરેટર સહિત અન્યોએ મળીને યુવક સાથે હનીટ્રેપ આચર્યું હતું, ભુજના યુવકને હનીટ્રેપમાં ફસાવી 21 લાખ પડાવી લીધા હોવાની ભુજ એ.ડિવિઝન પોલીસ મથકમાં ગત તા.17/03ના ફરિયાદ નોંધાઈ હતી. આ કેસમાં કોંગ્રેસના બે આગેવાનની સંડોવણી સામે આવતા પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.
ભુજ એ ડિવિઝન પોલીસે ભુજ નગરપાલિકાના નગરસેવક અબ્દુલ હમીદ સમા અને કચ્છ યુથ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ હરીસિંહ જાડેજા સહિત ત્રણ આરોપીની ફરિયાદના આધારે અટક કરી છે.આ હનીટ્રેપના બનાવમાં પકડાયેલા બંન્ને આરોપીઓના ભુજ એ ડિવિઝનના નવનિયુક્ત પોલીસ ઈન્સ્પેક્ટર હાર્દિક ત્રિવેદીને સત્કારવા ગયાના જુના ફોટા સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયા હતા. જે ફોટો જોઈ ફરિયાદી અસમંજસમાં મુકાઇ ડરી ગયો હતો.
સૂત્રોનું કહેવું છેકે પોલીસ આરોપીઓ સાથે ભળેલ છે તેવા વહેમમાં યુવાન નિરાશ થઇ ગયો હતો. જે બાદ આજે ફરિયાદીએ ભુજના હમીરસર તળાવમાં જઈ આત્મહત્યાનું પ્રયાસ કર્યો હતો. સદભાગ્યે હમીરસર તળાવ પાસે હાજર રહેલા વ્યક્તિઓ યુવકને ડૂબતા બચાવી લીધો હતો.