પોલીસ એ પ્રજાનો મિત્ર છે તે સૂત્રને સાકાર કરતી પ્રશંસનીય કામગીરી ‘નેત્રમ’ ટીમ દ્વારા હાથ ધરાઈ

જામનગર પોલીસ દ્વારા પોલીસ એ પ્રજાનો મિત્ર છે તે સૂત્રને સાકાર કરતી પ્રશંસનીય કામગીરી ‘નેત્રમ’ ટિમ દ્વારા હાથ ધરવામાં આવી છે. કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર…

જામનગર પોલીસ દ્વારા પોલીસ એ પ્રજાનો મિત્ર છે તે સૂત્રને સાકાર કરતી પ્રશંસનીય કામગીરી ‘નેત્રમ’ ટિમ દ્વારા હાથ ધરવામાં આવી છે. કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર (નેત્રમ)ની સતર્ક કામગીરીથી એક વેપારીની ખોવાયેલી રૂપિયા 6 લાખ જેવી માતબર રકમ ગણતરીના કલાકોમાં જ પરત અપાઈ છે.

જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી (મુખ્ય મથક) વિ.કે. પંડ્યા ના માર્ગદર્શન હેઠળ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમનો સ્ટાફ સી.સી.ટી.વી. સર્વેલન્સ કામગીરીમાં વ્યસ્ત હતો.
જે દરમિયાન જામનગરના અરજદાર તિરથભાઈ એ. લાલવાણી (ઉ.વ. 61), રહે. પંચવટી સોસાયટી, જામનગર દ્વારા લેખિત જાણ કરવામાં આવી હતી કે તા. 05/04/2026ના રોજ સવારના આશરે 11:30 વાગ્યે તેઓ પોતાના જ્યુપીટર મોટરસાયકલ પર ઘરેથી દુકાને જતા હતા. દરમિયાન મો.સા.ના આગળના ભાગમાં રાખેલી ત્રણ થેલીઓમાંથી એક થેલી, જેમાં રોકડ રૂ. 6,00,000 રાખેલ હતા, હનુમાન ગેઇટથી અંબર ચોકડી વચ્ચે પડી ગઈ હતી.

આ માહિતી મળતા જ પો.સબ ઇન્સ્પેક્ટર બી.બી. સિંગલના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઈ. પરેશભાઈ ખાણધર, પો.હેડ કોન્સ્ટેબલ પ્રદીપસિંહ સોઢા તથા પો.કોન્સ્ટેબલ જેશાભાઈ ડાંગર, મિતલબેન સાવલિયા, પારૂલબા જાડેજા, દિવ્યાબેન વાઢેર સહિતની ટીમ દ્વારા તાત્કાલિક સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવ્યા.

તપાસ દરમિયાન જી.જી. હોસ્પિટલથી અંબર રોડ વચ્ચે થેલી પડી હોવાની તથા લાલ શર્ટ પહેરેલા એક વ્યક્તિએ તે થેલી મેળવી ભંગારની ફેરી કરતા વ્યક્તિને આપ્યાનું કેમેરામાં જણાયું હતું. પોલીસ દ્વારા તાત્કાલિક તેની ઓળખ માટે ફોટો વાયરલ કરવામાં આવ્યો. થોડા જ સમયમાં માહિતી મળતા તે વ્યક્તિ દ્વારા મળેલી રકમ અંગે પોતાના ઓળખીતાના માધ્યમથી માહિતી પહોંચતા, તે વ્યક્તિને તથા થેલીને કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે લાવવામાં આવ્યા હતા.પોલીસ દ્વારા સંપૂર્ણ રકમ રૂ. 6,00,000 યથાવત હાલતમાં અરજદારને પરત આપવામાં આવી હતી. આ કામગીરીને કારણે જામનગર પોલીસની સતર્કતા અને પ્રજાપ્રેમી અભિગમની વ્યાપક પ્રશંસા થઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *