રાજકોટમાં મહાશીવરાત્રીનાં પાવન પર્વમાં ભાવિકો શિવમય બન્યા હતા. અને ઉત્સાહભેર મહાશીવરાત્રીની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે જુદા જુદા ચાર સ્થળે દંપતિ સહિત છ લોકોએ ભાંગ પીધા બાદ નશો ચડ્યો હતો. તમામની તબિયત લથડતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત અનુસાર શહેરમાં રૈયાધાર વિસ્તારમાં આવેલા શાંતિનગરમાં રહેતા ધર્મેન્દ્રભાઈ ગોવિંદભાઈ વિજુડા (ઉ.વ.40), તેમના પત્નિ પુષ્પાબેન ધર્મેન્દ્રભાઈ વિજુડા (ઉ.વ.35) અને અરવિંદભાઈ વિરમભાઈ ડોડીયા (ઉ.વ.40) મહાશીવરાત્રીનાં બપોરે ઘરે હતા ત્યારે ધતુરાના ડોડવાની ભાંગ પી જતાં તબીયત લથડતાં સિવિલમાં ખસેડાયા હતાં.
બીજા બનાવમાં મોચી બજારમાં રહેતા વિમલભાઈ પ્રકાશભાઈ ચૌહાણ (ઉ.વ.35) આજે રાત્રે ઘરે હતા ત્યારે ભાંગ પી જતાં તબીયત લથડી હતી. ત્રીજા બમાવમાં મોરબી રોડ ઉપર આવેલા વેલનાથપરામાં રહેતાં કમલેશ શિવાભાઈ ડો કાનાણી (ઉ.વ.22), મોરબી રોડ પર મંદિર નજીક હતું ત્યારે ભાંગ પી જતાં તબીયત લથડી હતી. જ્યારે ચોથા બનાવમાં ભક્તીનગર સર્કલ નજીક ગીતાનગરમાં રહેતાં કિરિટભાઈ હરગોવિંદભાઈ ચૌહાણ (ઉ.વ.62) ભક્તિનગર સર્કલ નજીક હતા ત્યારે ભાંગ પી લેતાં તબીયત લથડી હતી.
મહાશીવરાત્રીનાં દિવસે ભાંગ પીધા બાદ દંપતી સહિત તમામ લોકોની તબિયત લથડતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફ દ્વારા એ.ડીવીઝન, બી.ડીવીઝન, ભક્તિનગર અને યુનિવર્સિટી પોલીસને જાણ કરવામાં આવી હતી. જે તે વિસ્તારની ઘટના અંગે પોલીસે નોંધ કરી જરૂૂરી કાર્યવાહી કરી હતી.
