અગાઉ 40 લાખની ગ્રીલની ચોરી છતાં સિકયોરિટી વગર કલેક્ટરના નાક નીચે રેઢો પટ, સાંજ પડે’ને અસામાજિક તત્વો મહેફીલ જમાવે છે
શહેરની મધ્યમા કલેકટર તંત્ર નીચે આવતા શાસ્ત્રી મેદાનની હાલત હવે ઉકરડા જેવી થઇ ગઇ છે. આ ઉપરાંત આ મેદાન અસામાજીક તત્વોનો અડ્ડો બની ગઇ છે. શાસ્ત્રી મેદાનમા સિકયોરીટી ગોત્યા પણ જડતા નથી અને મનફાવે તેમ ગમે તે લોકો કચરો નાખી જાય છે. હાલ ઉનાળાનાં વેકેશન દરમ્યાન રમવા આવતા યુવા, બાળકો પર પણ ગંદકીને લીધે આરોગ્યનો ગંભીર ખતરો તોળાયેલો રહે છે. તો સાંજ પડતા જ ગંજેરીઓ અને ચરસીઓ ઉમટી પડતા હોવાથી માથાકુટનાં પણ બનાવો બનતા રહે છે.
શહેરનાં શાસ્ત્રી મેદાનમા થોડા સમય પહેલા જ 3પ થી 40 લાખની ગ્રીલ ચોરાઇ ગઇ હતી. જેમા ફરીયાદ નોંધાયા બાદ કલેકટર તંત્ર તરફથી ગ્રાઉન્ડની સુરક્ષા માટે સિકયોરીટી ગાર્ડ મુકવામા આવશે તેવી જાહેરાત કરાઇ હતી. પરંતુ હાલમા કયાંય પણ ગાર્ડ ગોત્યા જડતા નથી. થોડા સમય પહેલા જ શાસ્ત્રી મેદાનનાં એક ગેઇટનુ સમારકામ કરીને નવો ગેઇટ નાખવામા આવ્યો હતો તે પણ તોડી નાખીને ઠેકાણે કરી દેવાયો છે.
ગેઇટની જગ્યાએ તુટેલા વૃક્ષની આડસ ગોઠવી દેવાઇ છે. આ ઉપરાંત ગ્રાઉન્ડમા ગેરકાયદેસર રીતે બસનુ પાર્કીગ પણ કરી દેવામા આવે છે. એકાદ મહીના પહેલા જ સ્ટેટ ઓપરેશન ગ્રુપે શાસ્ત્રી મેદાનમાથી સવા મણ જેટલો ગાંજા સાથે બે શખસોને ઝડપયા હતા. શહેર વચ્ચે મોટા ગ્રાઉન્ડમા રેઢા પટ્ટ હોવાથી અસામાજીક તત્વો આ ગ્રાઉન્ડમા અડ્ડો જમાવીને બેસે છે. રાત્રે અંધારામા ખુણે મહેફીલો જામે છે. પરંતુ સરકારી તંત્રને કંઇ પણ દેખાતુ નથી. શાસ્ત્રી મેદાનમા જયા મન ફાવે ત્યા બાંધકામ વેસ્ટ ફેકી દેવામા આવે છે.
આ ઉપરાંત રોડનાં ખોદકામ દરમ્યાન નિકળેલા ડામરના કચરાના ઢગલા પણ શાસ્ત્રી મેદાનમા ખડકી દેવામા આવ્યા છે. થોડા દિવસોમા જ ચોમાસાનુ આગમન થતુ હોવાથી જો આ ગ્રાઉન્ડમા યોગ્ય સાફ સફાઇ કરવામા ન આવે તો મચ્છરજન્ય રોગચાળાનો પણ ભય તોળાય રહયો છે.
