સાઉથ આફ્રિકામાં વન-ડે ચેલેન્જ ટૂર્નામેન્ટ દરમિયાનની ઘટના
દાયકાઓ પહેલાં ક્યારેક એવું બનતું કે જ્યારે ટેસ્ટ મેચ ચાલુ હોવા છતાં વિદેશી ખેલાડીઓના જહાજનો જો સમય નજીક આવી જતો ત્યારે તેઓ (આખી ટીમ) અધવચ્ચેથી ટેસ્ટ પડતી મૂકીને સ્વદેશ જવા રવાના થઈ જતા હતા જેનું કારણ એ હતું કે ત્યાર બાદ બીજા લગભગ અઠવાડિયા સુધી તેમના દેશ તરફ જનારું જહાજ ન આવવાનું હોવાથી તેમણે આવું કરવું પડતું હતું. રવિવારે સાઉથ આફ્રિકાના જોહનિસબર્ગમાં લગભગ એવી જ ઘટના બની હતી. જોકે આ કિસ્સામાં આખી ટીમ નથી, પણ માત્ર એક ખેલાડીની વાત છે.
સાઉથ આફ્રિકા ક્રિકેટ બોર્ડની પ્રોવિન્શિયલ ચેલેન્જ વન-ડે ચેલેન્જ નામની ટૂર્નામેન્ટની એક મેચ ચાલી રહી હતી. આઠ ઓવર બાકી હતી ત્યારે સાઉથ આફ્રિકાનો ઑલરાઉન્ડર બેયર્સ સ્વાનપોલ નામનો ઑલરાઉન્ડર ઇંગ્લેન્ડ જવા માટેની ફ્લાઇટ નો સમય નજીક આવી ગયો હોવાથી અચાનક મેચ છોડીને ઍરપોર્ટ જવા રવાના થઈ ગયો હતો.
ટાઇટન્સ સામેની મેચમાં લાયન્સ ટીમ વતી રમેલા બેયર્સે 10 ઓવર પૂરી કરી હતી અને 44 રનમાં ત્રણ વિકેટ લીધી હતી. લાયન્સ ટીમે 50 ઓવરમાં નવ વિકેટે 248 રન કર્યા હતા. જોકે પછીથી ફીલ્ડિંગ દરમ્યાન મેચના છેવટના ભાગમાં બેયર્સ યુ. કે. જવા રવાના થઈ ગયો હતો, કારણકે ત્યાં તેણે વુસ્ટશર નામની કાઉન્ટી ટીમ વતી રમવા માટેનો કરાર કર્યો હતો. લાયન્સની ટીમના ખેલાડીઓને સાથી-પ્લેયર બેયર્સની આ યોજનાની અગાઉથી જાણ જ નહોતી. તે મેદાનની બહાર ગયો ત્યારે ખેલાડીઓને થયું કે તેને ઈજા થઈ હશે એટલે મેદાન છોડીને જતો રહ્યો.
